વલસાડ
લગ્નપ્રસંગ જેવા સામાજિક પ્રસંગોમાં થતા રૂઢિગત ખર્ચને પહોંચી વળવાની મૂંઝવણ અનુભવતા પ્રજાજનોએ સમૂહ લગ્ન જેવા નવતર કાર્યમાં જોડાઈને દેખાદેખીથી દુર રહી સમાજ સુધારણાના કાર્યોમાં આગળ આવવું જોઈએ. એમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે વલસાડના જુજવા ખાતે વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતિ મંડળ અને ચંદ્રમૌલિશ્વર મહાદેવજી સંસ્થાપન ટ્રસ્ટ દ્વારા આયોજિત છઠ્ઠા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, દાતાઓના સહયોગથી ધનસંપતિનો સદુપયોગ કરીને જરૂરિયાતમંદો માટે નવો ચીલો ચાતરનારા સમાજશ્રેષ્ઠીઓ અન્યો માટે પ્રેરણારૂપ બન્યા છે. સમૂહ લગ્નએ સમયની માંગ છે હવે આર્થિક સંપન્ન લોકો પણ સમૂહ લગ્ન તરફ વળી રહ્યા છે. સમૂહ લગ્નથી દરેક જ્ઞાતિ-જાતિ એક થઈ આગળ વધી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દરેક સમાજને સાથે જોડી વિકાસનો રાહ અપનાવ્યો છે. સમાજના સાથ સહકારથી વિકાસના દ્વાર ખુલી રહ્યા છે. વધુમાં મુખ્યમંત્રીએ સમૂહ લગ્નમાં પ્રભુતામાં પગલાં પાડનાર ૧૬૧ યુગલોને આર્શીવાદ આપ્યા હતા.
કોરોનાના કપરા કાળ બાદ ફરીથી દેશના પ્રજાજનોમાં નવા ઉત્સાહ અને ઉમંગનો સંચાર થયો છે, તેમ જણાવતા વલસાડના પ્રભારી મંત્રીશ્રી નરેશભાઈ પટેલે દેશને ખૂબ જ ઝડપથી સ્વદેશી વેકસિનની ભેટ આપનારા દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના અથાગ પ્રયાસોને કારણે મહત્તમ લોકોનું રસીકરણ થયું છે. જેના પરિણામ સ્વરૂપે આવા સામાજિક પ્રસંગો ફરીથી જીવંત બન્યા છે તેમ જણાવ્યુ હતું. મંત્રીશ્રીએ નવદંપતિઓને આશીર્વાદ આપતા કહ્યું કે, દીકરા-દીકરીનો ભેદ ભુલી સભ્ય-સંસ્કારી સમાજ નિર્માણમાં યોગદાન આપવા હાંકલ કરી હતી. મંત્રીશ્રીએ સશક્ત અને તંદુરસ્ત સમાજ નિર્માણ માટે દીકરા-દીકરીઓને પુખ્ત ઉંમરે જ લગ્નગ્રંથિથી જોડાવા આહવાન કર્યું હતું. મંત્રીશ્રીએ સામાજિક સદકાર્યમાં ઉદાર હાથે ફાળો આપનારા દાતાઓના સતકાર્યને બિરદાવી તેમને અભિનંદન પાઠવ્યા હતા.
પ્રજા વત્સલ મુખ્યમંત્રીશ્રી ખરા અર્થમાં રાજધર્મ બજાવી રહ્યા છે તેમ જણાવતા વલસાડના પનોતા પુત્ર અને રાજ્યના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ રાજ્યના વિકાસની યોજનાઓમાં બજેટની સૂઝબૂઝપૂર્વકની ફાળવણી કરીને મુખ્યમંત્રીશ્રીએ પ્રજાજનોની આશા અને અપેક્ષાઓની પૂર્તિ કરી છે એમ જણાવ્યું હતું.
વલસાડના ધારાસભ્ય અને સમૂહલગ્નના આયોજક ભરતભાઇ પટેલે પ્રાસંગિક ઉદબોધનમાં પ્રભુતામાં પગલા માંડતા નવદંપતિઓ પૈકી દિવ્યાંગ દંપતિઓને વિશેષ સામાજિક સુરક્ષાની યોજનાઓનો
લાભ આપવા સાથે નવદંપતિઓને મેરેજ સર્ટિફિકેટ, પાત્રતા ધરાવતા લાભાર્થીઓને આયુષ્યમાન ભારત યોજનાનો કાર્ડ, પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજનાનું ગેસ જોડાણ સહિત દાતાઓના સહયોગથી કરિયાવર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે, તેમ જણાવ્યું હતું. દરમિયાન કથાકાર સર્વશ્રી શરદભાઈ વ્યાસ, ભરતભાઇ વ્યાસ, પ્રફુલભાઈ શુક્લ વિગેરેએ પણ ઉપસ્થિત રહી નવદંપતિઓને આશીર્વચન પાઠવ્યા હતા. નવસારીના ધારાસભ્યશ્રી પિયુષભાઈ દેસાઈએ પણ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. આયોજકો, દાતાઓ, તથા સમાજશ્રેષ્ઠીઓએ મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભવોનું અદકેરું સન્માન, અભિવાદન કર્યું હતું.
આ પ્રસંગે સાંસદ ડો. કે. સી. પટેલ, ધારાસભ્યો સર્વ ભરતભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ, વલસાડ તાલુકા પંચાયતના પ્રમુખ કમલેશ ઠાકોર, સંગઠન પ્રમુખ હેમંત કંસારા, વલસાડ જિલ્લા પ્રભારી મધુભાઇ કથીરીયા, શીતળ સોની, દાતાઓ સર્વ દીપેશભાઈ ભાનુશાલી, હિતેશભાઈ ભાનુશાલી તેમજ સમૂહ લગ્નના દંપતીઓ તેમજ પરિવારજનો, દાતાઓ તથા સમાજ શ્રેષ્ઠીઓ હાજર રહ્યા હતાં.