ગુજરાત એલર્ટ | વલસાડ
રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ(નાલ્સા) તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, વલસાડ દ્વારા ધરમપુર તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારનાં જન સમુદાય જેવા કે, બાળકો, સ્ત્રીઓ, મજુરો, અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિ, આર્થિક અને સામાજિક રીતે પછાત વર્ગ, વનબંધુઓ, અન્ય જન સમુદાયને સ્પર્શતા વિવિધ કાયદાઓનાં પ્રબંધો તથા સરકારી યોજનાઓ વિશે ગ્રામ્ય વિસ્તારનાં લોકો જાણી શકે અને પોતાનાં અધિકારો સમજી શકે તેવાં પ્રયાસનાં ભાગરૂપે વિનામુલ્યે કાનૂની સહાય કેન્દ્ર(લિગલ સર્વિસ સેન્ટર) ની સ્થાપના કરવામાં આવી છે.
કાનૂની સહાય કેન્દ્રમાં તાલીમ પામેલ અર્ધ કાનૂની સ્વયંસેવક(પેરા લિગલ વોલ્યન્ટીયર), તાલુકા કાનૂની સેવા સમિતિ, ધરમપુર તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ વલસાડના સીધા માર્ગદર્શન હેઠળ સેવા આપશે. આ મફત કાનૂની સેવા કેન્દ્ર ધરમપુર તાલુકાનાં બિલપુડી, ગુંદિયા, હનમતમાળ અને કુરગામની ગ્રામ પંચાયત કચેરીમાં શરૂ કરવામાં આવ્યા છે. જે સપ્તાહમાં ૩ દિવસ સવારે ૧૦ થી ૨ વાગ્યા દરમિયાન કાર્યરત રહેશે. જેમાં ગામનાં નાગરિકો પોતાનાં કાયદાકિય પ્રશ્નો તેમજ સરકારી યોજનાઓને લગતાં પ્રશ્નોનું વિનામુલ્યે નિરાકરણ મેળવી શકશે.