અમદાવાદ : ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકાના સીગામ ગામમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખના પુત્રના ફાર્મમાં એસઓજીએ નશીલા પદાર્થની ફેકટરી ઝડપી ૪ લોકો સામે ગુનો દાખલ કરેલ. અહીં કેમીકલ મેન્યુફેકચર યુનિટ ઉભુ કરી એફેડ્રીન ડ્રગ્સનું ઉત્પાદન કરતા હતાં. તેમની પાસેથી ૭૩૦ ગ્રામ એફેડ્રીન ઉપરાંત કાચા માલ સહીત ૧૦ લાખનો મુદામાલ કબ્જે કરાયેલ.જંબુસર કોંગ્રેસ તાલુકા પ્રમુખ મુકેન્દ્રસિંહ યાદવના પુત્ર મહેન્દ્રસિંહના ફાર્મ ઉપર રેડ પાડતા ત્યારે કેમીકલ પ્રોસેસની પ્રક્રીયા ચાલતી હતી. પોલીસે ભવદીપસિંહ યાદવ, ઓમ પ્રકાશ સાકરીયા, અમનસિંગ નરેન્દ્રસિંગ તથા નિતેષ પાંડેની ધરપકડ કરેલ. આ ડ્રગ્સ રેવ પાર્ટીમાં ઉપયોગ માટે કુખ્યાત છે. વિદ્યાર્થીઓને ઝડપથી શિકાર બનાવે છે. દિલ્હી યુનિવર્સિટી આસપાસની હોસ્ટેલમાંથી ઘણીવાર આ ડ્રગ્સ પકડાયું છે.આ ડ્રગ્સ બનાવવા આરોપીઓએ અંકલેશ્વર જીઆઇડીસીમાંથી જ કેમીકલ ખરીદ્યુ હતું. એસઓજીને તપાસ દરમિયાન ડ્રગ્સ બનાવવાના ઉપયોગમાં લેવાતા બીજા પણ કેમીકલ મળી આવ્યા હતાં. અગાઉ આ ડ્રગ્સ ચીન, મ્યાનમારથી યુરોપ અને ખાડી દેશોમાં સપ્લાય થતુ પણ હવે તેનું સ્થાનીક ઉત્પાદન ચિંતાનો વિષય બન્યું છે.