ગુજરાત એલર્ટ | વલસાડ
ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ આગામી ફેબ્રુઆરી- માર્ચ ૨૦૨૫ની બોર્ડ પરીક્ષા તણાવ અનુભવ્યા વિના આનંદપૂર્વક પરીક્ષા આપી શકે તેવા આશય સાથે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરીના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવેના અધ્યક્ષસ્થાને ધરમપુરના શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ મોહનગઢ ખાતે જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના ધો. ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ માટે “ENJOY THE EXAM” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી નૈમેષ દવેએ વિદ્યાર્થીઓને પરિશ્રમનું મહત્વ સમજાવ્યું અને સતત પ્રયત્નશીલ રહેવા માટે પ્રેરિત કર્યા હતા. જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડૉ. કરનરાજ વાઘેલાએ વિદ્યાર્થીઓને વધુને વધુ અભ્યાસ કરવા માટે પ્રોત્સાહિત કર્યા અને દરેક વિદ્યાર્થીએ ઓછામાં ઓછું ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કરવો જોઈએ તેવું ભારપૂર્વક જણાવ્યું હતું.
“ENJOY THE EXAM” કાર્યક્રમમાં ધરમપુરની આજુબાજુની શાળાઓના ધોરણ ૧૦ અને ૧૨ના ૧૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ અને જિલ્લાની તમામ શાળાઓના આચાર્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર જિલ્લાની તમામ શાળાઓના ૪૦૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ યુટ્યુબ લાઇવના માધ્યમથી જોડાયા હતા.
કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત ગોધરાની નવા નદિસર પ્રાથમિક શાળાના આચાર્યશ્રી રાકેશભાઇ પટેલે શરીર અને લાગણી વચ્ચેના સંબંધ અને અભ્યાસ માટે મગજની ભૂમિકા વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે પરીક્ષા દરમિયાન ખોરાક, કસરત અને ઊંઘના મહત્વ પર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત સાયકલિસ્ટ ડૉ. ભૈરવી જોષી અને આર.ટી.ઓ. ઇન્સ્પેક્ટર ડી.એ. પટેલે ટ્રાફિક જાગૃતિ અંગે ઉદાહરણો આપી વિદ્યાર્થીઓને સમજ આપી હતી.
જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ડૉ. રાજેશ્રી ટંડેલે શાબ્દિક સ્વાગત કર્યું હતું. કાર્યક્રમમાં ધરમપુર મામલતદારશ્રી ભરતભાઇ પટેલ, શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર તરફથી નિતિનભાઇ મોદી, સમીરભાઇ અજમેરી, વિરેન્દ્રભાઇ રાષ્ટ્રીય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક, બી.જી. ભાટીયા અને વિવિધ સંઘના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આભારવિધિ શિક્ષણ નિરીક્ષકશ્રી ડૉ. બિપિનભાઇ પટેલ દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ડૉ. રાજેશ્રી એલ. ટંડેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.