ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લાના વાપી તાલુકાના ચલા અને છીરી ખાતે નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઇ દેસાઈના હસ્તે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા રૂ. ૧૦.૪૮ કરોડના ખર્ચે ૬૬ કેવી ચલા સબ સ્ટેશન અને રૂ.૧૧.૧૮ કરોડના ખર્ચે ૬૬ કેવી છીરી સબ સ્ટેશન મળી કુલ રૂ.૨૧.૬૬ કરોડના ખર્ચે નવા બનનારા સબ સ્ટેશનોનું ખાતમુહૂર્ત કરાયું હતું. ગુજરાત સરકારની કોસ્ટલ યોજના હેઠળ ચલા ૬૬ કેવી સબ સ્ટેશનને સંલગ્ન રૂ. ૬.૦૬ કરોડના ખર્ચે ૧.૮ કિમી અને છીરી સબ સ્ટેશનને સંલગ્ન રૂ.૧૪.૨૧ના ખર્ચે ૪.૨૦ કિમી બેવડી વીજરેષાવાળી અન્ડર ગ્રાઉન્ડ કેબલ લાઇન સ્થાપવા કુલ રૂ. ૨૦.૨૭ કરોડના ખર્ચે કામગીરી પૂર્ણ કરવામાં આવશે. વાપી વેસ્ટમાં અત્યાર સુધી કોઈ સબ સ્ટેશન ન હતું પરંતુ, હવે આ નવા ૬૬ કેવી સબ સ્ટેશનના નિર્માણથી ફિડરો નાના થશે જેથી વીજ પુરવઠો જળવાઈ રહેશે અને લોકોને ફાયદો થશે. ચલા સબ સ્ટેશનના નિર્માણ માટે ૪૯૦૦ ચો.મી. જમીન માં ફાઉન્ડેશન દ્વારા માત્ર રૂ.૧/- ના ટોકન દ્વારા આપવામાં આવી છે.
મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ બંને સબ સ્ટેશનના નિર્માણની શુભેચ્છા આપતા કહ્યુ હતું કે, વીજ આવશ્યકતાને પહોચી વળવા મહત્તમ કામ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. કચ્છ જ્યારે ૨૦૦૧મા ભૂકંપથી ધ્વસ્ત થયું હતું. જાનહાની અને માનહાનિનો કોઈ પાર ન હતો એવા સમયે વડાપ્રધાનશ્રીએ ગુજરાતનું સુકાન સંભાળ્યું હતું. આજે ગુજરાત અવિરત વિકાસના પંથે છે. તેઓ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે લોકોએ માત્ર સાંજે જમતા સમયે વિજળી મળે એવી માગ કરી હતી. તેમણે માત્ર બે વર્ષમાં જ ૨૪ કલાક વીજળી આપવાની શરૂઆત કરી હતી. ક્લાઈમેટ ચેન્જ ખુબ મહત્વનો મુદ્દો છે. વલસાડમાં આ ચોમાસામાં સતત પાંચ મહિનાઓ સુધી વરસાદ થયો. ક્લાઈમેટ ચેન્જને સમજીને કાર્યો કરવા ખુબ જરૂરી છે. વાવાઝોડાને કારણે કાંઠા વિસ્તારમાં વીજળીની તકલીફોને સમજી મુખ્યમંત્રીશ્રીએ અંડર ગ્રાઉન્ડ કેબલિંગનું આયોજન કર્યું છે.
વધુમાં મંત્રીશ્રીએ કહ્યું હતું કે, આજે ગુજરાત પવન ઉર્જા અને સોલાર ઊર્જામાં જેવી રિન્યુએબલ એનર્જી ઉત્પાદનમાં દેશમાં નબર વન છે. ઉદ્યોગ તેમજ ખેતીવાડીના વિકાસ માટે વીજળી આપવાની ક્ષમતાને પહોંચી વળવા ગુજરાત સરકારના પ્રયાસો સાથે જેટકો પણ સહયોગથી કાર્ય કરે છે.
ચલા સબ સ્ટેશનની કુલ સ્થાપિત ક્ષમતા ૪૦ એમ.વી.એ. છે. જેમાં ચિકુવાડી(અર્બન), ચલા(અર્બન), વાપી ટાઉન(અર્બન), જીએસટી(અર્બન), મેરીલ (ઈન્ડસ્ટ્રીયલ) અને ગુરૂકુળ(અર્બન) ના ૧૧ કે.વીના છ ફિડરો સ્થાપિત કરવામાં આવશે.
છીરી સબ સ્ટેશનની કુલ સ્થાપિત ક્ષમતા ૪૦ એમ.વી.એ. છે. જેમાં છીરી ન્યુ(જે.જી.વાય), ગાલા મસાલા(જે.જી.વાય), જે-નાનજી(ઈન્ડસ્ટ્રીયલ),અલાઈડ સ્પેર્સ(જી.આઈ.ડી.સી) અને યમુના(જી.આઈસી.સી) ના ૧૧ કે.વીના પાંચ ફિડરો સ્થાપિત કરવામાં આવશે.
નવા બનનારા સબ સ્ટેશનો દ્વારા કુલ ૨૪૭૧૦ જેટલા વીજ ગ્રાહકોને લાભ મળશે. સબસ્ટેશનથી સંબંધિત વિસ્તારોને પૂરતા દબાણથી ગુણવત્તા સભર વીજળી મળશે, ફિડરોની લંબાઈ ઘટવાથી ટી એન્ડ ડી લોસ ઘટશે, ખેતી-બિનખેતીમાં વિના વિક્ષેપ વિજળી પહોંચશે અને નવા વીજ જોડાણો આપી શકાશે.
જેટકોના અધિક્ષક ઈજનેર પી. એન. પટેલે સ્વાગત પ્રવચન, જેટકોના એમ.ડી. ઉપેન્દ્ર પાન્ડે અને ડી.જી.વી.સી.એલ.ના એમ.ડી. યોગેશ ચૌધરીએ પ્રાસંગિક ઉદબોધનો અને એડિશનલ ચીફ એન્જિનિયર એમ.જે. વસાવાએ આભારવિધિ કરી હતી.
આ પ્રસંગે વીઆઇએ પ્રમુખ સતિષ પટેલ, વાપી નગરપાલિકા પ્રમુખ પંકજભાઈ પટેલ, ઓ.એસ.ડી. જે. ડી. તન્ના, વાપી નગરપાલિકા ચીફ ઓફિસર કોમલ ધીનૈયા, વાપી મામલતદાર કલ્પનાબેન પટેલ, નગરપાલિકા ઉપપ્રમુખ દેવલબેન દેસાઈ, વાપી નોટીફાઈડ એરિયા પ્રમુખ હેમંતભાઈ પટેલ, કારોબારી અધ્યક્ષ મનોજ પટેલ, માં ફાઉન્ડેશનના પ્રતિનિધિ નાનુભાઈ પટેલ અને હિતેશભાઈ પરીખ, અધિક્ષક ઈજનેર પી. જી. પટેલ સહિત મોટી સંખ્યામાં લોકો ઊપસ્થિત રહ્યા હતા.