પરીક્ષા પાસ કરાવવાંની લાંચ લેવામાં કર્મચારી ફેલ: ACB એ છટકું ગોઠવી વલસાડ કોલેજનાં લેબ આસિસ્ટન્ટને લાંચ લેતાં ઝડપી પાડ્યો.

કોલેજના એડ્હોક લેબ આસિસ્ટન્ટ પ્રશાંત રમણભાઈ પટેલ વિદ્યાર્થીને પાસ કરાવવા રૂ.13000 રૂપિયાની લાંચ લેવા જતા એસીબી વલસાડને હાથે ઝડપાયો

વલસાડ
વલસાડની બી.કે. એમ. સાયન્સ કોલેજમાં લેબ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા કર્મચારીએ વલસાડની કોમર્સ કોલેજમાં ટીવાય બીકોમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને પાસ કરવા માટે રૂ. ૧૭ હજારની માંગણી કર્યા  બાદ ૧૩ હજારની રકમ લેતાં વલસાડ હાલર  ચાર રસ્તા સરકીટહાઉસ પાસે એસીબી વલસાડનાં હાથે ઝડપાઇ જતાં વલસાડ કોલેજના કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

એસીબીમાં  એક જાગૃત વિદ્યાર્થીએ આપેલી ફરિયાદ મુજબ તે વલસાડ ટી.વાય.બી.કોમમાં એકસ સ્ટુડન્ટ તરીકે અભ્યાસ કરે છે.  ફરિયાદી પાંચમાં સેમેસ્ટરમાં લો વિષયની પરીક્ષાના પરીણામમાં એ.ટી.કે.ટી. આવેલ હતી. ફરિયાદીને જાણવા મળેલ કે, આરોપી પૈસા લઇને પરીક્ષામાં પાસ કરાવી આપે છે. જેથી તેઓએ કોલેજના એડ્હોક લેબ આસિસ્ટન્ટ પ્રશાંત રમણભાઈ પટેલ નો સંપર્ક કર્યો હતો. અને પ્રશાંતભાઈએ  પાંચમાં સેમેસ્ટરમાં લો વિષયમાં પાસ કરાવવા રૂપિયા ૧૭,૦૦૦ ની લાંચની માંગણી કરેલ અને રૂપિયા ૨,૦૦૦ ફરીયાદી પાસેથી લીઘેલા હતા. ત્યારબાદ ફરિયાદીએ આરોપીનો વારંવાર સંપર્ક કરતા આરોપીએ ફોન પણ ઉપાડેલ નહી અને રૂબરૂ પણ મળેલ નહી જેથી ફરીયાદીએ તેઓની મહેનતથી પરીક્ષાની તૈયારી કરી પાંચમાં સેમેસ્ટરની પરીક્ષા આપેલ અને તેમા પાસ થઇ ગયેલ હતા. જેથી પ્રશાંત પટેલ એ ફરીયાદીનો સંપર્ક કરી પરીક્ષામાં પાસ કરાવવાના પ્રથમ રૂપિયા ૧૭,૦૦૦ ની માંગણી કરેલ અને ત્યારબાદ છેલ્લે રૂપિયા ૧૩,૦૦૦ ની માંગણી કરેલ જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય તેઓએ વલસાડ અને ડાંગ એ.સી.બી. પો.સ્ટે.નો સંપર્ક કરી ફરીયાદ આપેલ. જે ફરીયાદીની ફરીયાદના આધારે લાંચના છટકાનું આયોજન કરતા  બી.કે એમ સાયન્સ કોલેજ, એડહોક લેબ આસિસ્ટન્ટ આરોપી  પ્રશાંત રમણ પટેલએ ફરીયાદી સાથે વાતચીત કરી રૂા.૧૩,૦૦૦ની લાંચની માંગણી કરી લાંચની રકમ લેતા વલસાડના હાલર ચાર રસ્તા પાસે આવેલ સર્કિટ હાઉસ પાસે વલસાડ એસીબીની ટીમ ના હાથે ઝડપાઇ ગયો હતો. વલસાડ કોલેજના એડ્હોક લાંચ લેતા ઝડપાઇ જતા ચકચાર મચી ગઇ હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!