ગુજરાત એલર્ટ । વલસાડ ૨૬- વલસાડ(અ.જ.જા.) સંસદીય મતદાર વિભાગના ચૂંટણી અધિકારી અને વલસાડ કલેક્ટરશ્રી આયુષ ઓક દ્વારા આ લોકસભા મતદાર વિભાગ માટે ચૂંટણી નોટિસ જાહેર કરવામાં આવી છે. જે મુજબ,
(૧)૨૬-વલસાડ (અ.જ.જા) સંસદીય મતદાર વિભાગના ઉમેદવારી પત્રો મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી, વલસાડને, પ્રાંત કચેરી વલસાડ ખાતે તા.૧૨/૦૪/૨૦૨૪(શુક્રવાર) થી તા.૧૯/૦૪/૨૦૨૪(શુક્રવાર) સુધીમાં કોઈ પણ દિવસે(જાહેર રજાના દિવસ સિવાય) સવારના ૧૧ થી બપોરના ૩ વાગ્યા સુધીમાં ઉમેદવાર અથવા તેની દરખાસ્ત કરનાર વ્યક્તિ દ્વારા ઉમેદવારી પત્ર રજૂ કરી શકશે તેમજ ઉમેદવારી પત્રો મેળવી શકશે જે માટે નિયમોનુસાર નોટીસ પ્રસિધ્ધ કરવામાં આવી છે.
(૨)ઉમેદવારી પત્રોની ચકાસણી તા.૨૦/૦૪/૨૦૨૪(શનિવાર) ના રોજ ૧૧-૦૦ કલાકેથી ચૂંટણી અધિકારી ૨૬-વલસાડ(અ.જ.જા) સંસદીય મતદાર વિભાગ અને કલેક્ટર વલસાડ દ્વારા કોન્ફરન્સ હોલ, કલેક્ટર કચેરી, વલસાડ મુકામે રાખવામાં આવશે.
(૩)ઉમેદવાર કે તેના નામની દરખાસ્ત મુકનાર પૈકી એક વ્યક્તિ કે ઉમેદવાર જેને લિખિતરૂપે અધિકૃત કર્યા હોય તેવા તેના ચૂંટણી એજન્ટ ઉમેદવારી પાછી ખેંચવાની નોટીસ તેમની કચેરીમાં તા.૨૨/૦૪/૨૦૨૪(સોમવાર) ના રોજ બપોરના ૩ વાગ્યા પહેલાં રજૂ કરી શકશે.
(૪)મતદાન તા.૦૭/૦૫/૨૦૨૪(મંગળવાર) ના રોજ સવારના ૭ થી સાંજના ૬ કલાક દરમ્યાન થશે એમ ૨૬- વલસાડ(અ. જ. જા.) સંસદીય મતદાર વિભાગના ચૂંટણી અધિકારી અને કલેકટર વલસાડની અખબારી યાદીમાં જણાવાયું છે.