પ્રાકૃતિક ખેતીમાં આવક ડબલ કરવાની મહેનત રંગ લાવી, મૂલ્યવર્ધિત વ્યુહરચનાથી વલસાડનો યુવા ખેડૂત બન્યો પથદર્શક

ગુજરાત એલર્ટ | વલસાડ
‘‘ખેડૂતની આવક કયારે ડબલ થાય? ખેડૂતની આવક ત્યારે ડબલ થાય કે જ્યારે તે પોતાના ખેતરમાં ઉત્પાદન કરેલા પાકમાં મૂલ્યવર્ધન કરી બજારમાં વેચે તો ૧૦૦ ટકા આવક ડબલ થાય છે’’ તેવુ પ્રવચન સ્વાધ્યાય પરિવારના પ.પૂ. પાંડુરંગ શાસ્ત્રીજીએ આપ્યુ હતું. આ પ્રવચનના શબ્દોથી પ્રેરિત થઈ વલસાડ તાલુકાના કોચવાડા ગામના પ્રગતિશીલ ખેડૂત પિતા – પુત્રએ દઢ આત્મવિશ્વાસ સાથે પરંપરાગત ખેતી છોડી પોતાની આગવી કોઠાસૂઝથી વૈજ્ઞાનિક અભિગમ અપનાવી મૂલ્યવર્ધન અને નવીન વેચાણની વ્યુહરચના અપનાવી હતી. તેમની આ સફર અહીં સુધી અટકતી નથી તેમણે વલસાડ મામલતદાર કચેરીમાં મળેલી નોકરી છોડી સરકારની યોજનાનો લાભ લઈ પ્રાકૃતિક ખેતીના પાકને મૂલ્યવર્ધિત કરવા માટે નાના પાયે યુનિટ પણ શરૂ કર્યુ છે. આજે તેઓ આર્થિક રીતે તો સમૃધ્ધ બન્યા જ છે સાથે અન્ય ૬ લોકોને રોજગારી આપી રહ્યા છે. આજે તેમની પ્રોડક્ટની નિકાસ ભારત સહિત ઈંગ્લેન્ડ અને કેનેડા સહિતના દેશોમાં થતા અન્ય ખેડૂતો માટે પથદર્શક બન્યા છે.

વલસાડ તાલુકાના કોચવાડા ગામમાં પ્રાકૃતિક ખેતી કરતાં પ્રગતિશીલ ખેડૂત નિકુંજસિંહ હરેન્દ્રસિંહ ઠાકોરે કમ્પ્યુટર એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી વલસાડ મામલતદાર કચેરીમાં નોકરી પર જોડાયા હતા. તેમની પત્ની બિજલબેને પણ એમસીએની ડિગ્રી મેળવી હતી. પરંતુ મગજમાં મૂલ્યવર્ધિત ખેતીનો બિઝનેસ કરવાનો વિચાર ચાલી રહ્યો હતો. બંનેએ નોકરી કરવાનો વિચાર માંડી વાળી પ્રાકૃતિક ખેતીથી મૂલ્યવર્ધિત ખેતી કરવાનો વિચાર અમલમાં મુકયો હતો. જો કે તેમના પિતા હરેન્દ્રસિંહ ઘણા વર્ષથી ખેતી કરતા હતા. વર્ષ ૧૯૯૩માં શેરડીની ખેતી સમયે બનેલા પ્રસંગને યાદ કરી ખેડૂત નિકુંજસિંહ ઠાકોર જણાવે છે કે, શેરડીની ખેતી વખતે અળસિયા મૃત અવસ્થામાં જોવા મળ્યા હતા કારણ કે તે સમયે રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યો હતો. તે જોઈને રાસાયણિક ખાતર બંધ કર્યુ અને છાણીયુ ખાતરનો ઉપયોગ શરૂ કર્યો હતો. વર્ષ ૧૯૯૪માં રાજપીપળાના સાંકવા ગામના ધીરેન્દ્ર સ્મિતાની ‘ભારતીય ખેતી સંસ્કૃતિ પધ્ધતિ’ મેગેઝિન વાંચી ખેતી પધ્ધતિ આગળ વધારી, ત્યારબાદ ૨૦૦૦ની સાલમાં મહારાષ્ટ્રના મોહન શંકર દેશપાંડેની સજીવ ખેતીની માહિતી મેળવી હતી. ત્યારબાદ ૨૦૦૩માં ઉમરગામમાં ભાસ્કર સાવેની શિબિરમાં જોડાયા હતા. ત્યાં સુભાષ પાલેકરની પ્રાકૃતિક ખેતી પધ્ધતિની માહિતી મેળવી અભ્યાસ કર્યો અને આગળ વધ્યા. વર્ષ ૨૦૦૮માં પ્રાકૃતિક ખેતી આધારિત મોડલ ફાર્મમાં શેરડી, હળદર, મગ, ચણા અને ગલગોટાની ખેતી કરતા ખૂબ સારુ ઉત્પાદન થયું પણ બજારમાં વેચવા ગયા તો સંતોષકારક મૂલ્ય ન મળ્યુ.
આ સમયે સ્વાધ્યાય પરિવારના પ.પૂ. પાંડુરંગ શાસ્ત્રીજીના શબ્દો યાદ આવ્યા, તેઓએ કહ્યું હતું કે, ખેડૂતની આવક ત્યારે ડબલ થાય કે જ્યારે તે પોતાની ઉપજનું જાતે મૂલ્યવર્ધન કરે અને બજારમાં વેચે. આ વિચારોથી પ્રેરાઈને અમે સૌ પ્રથમ શેરડીમાંથી ૫૦ કિલો ગોળ બનાવ્યો, જેનું વેચાણ શરૂ કર્યુ હતું. ત્યારબાદ ઔષધીની ખેતી શરૂ કરી હતી.
બહુધા ખેડૂતોને જાણ જ નથી કે, ઔષધીનું કેવી રીતે વાવેતર કરવુ અને કેવી રીતે વેચાણ કરવુ જોઈએ. વર્ષ ૨૦૧૦માં વઘઈના બોટનિકલ ગાર્ડન, નર્સરી અને વાંસદાના રૂપવેલ ગામની નર્સરીમાંથી અશ્વગંધા, સતાવરી, ગિલોઈ, ૬ પ્રકારની તુલસી, આમળા, બહેળા, અરડુસી સહિત ૧૩૭ પ્રકારના ઓષધીય પાક લાવી ખેતી શરૂ કરી હતી. આ સિવાય શાકભાજીમાં ધાણા, મેથી, પાલક, રિગણ, મગફળી, ચાર જાતના વાલની પાપડી અને ટામેટા, મસાલા પાકમાં એલચી, તજ અને તમાલપત્ર, ફળમાં અંજીર, રામ ફળ, સીતાફળ, કૃષ્ણ ફળ, લક્ષ્મણ ફળ અને હનુમાન ફળ અને ડાંગરમાં લચકારી કોલમની સાથે આંબામોર, લાલ અને કાળા કડાના ચોખા તેમજ દૂધ મલાઈ ચોખાની દેશી જાતની પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છું. લચકારી કોલમ જેવા સામાન્ય ચોખા રૂ. ૫૦ થી ૬૦ સુધી પ્રતિ કિલો વેચાય છે જ્યારે પ્રાકૃતિક ખેતીથી કરેલા કાળા ચોખા રૂ. ૨૮૦ થી ૩૦૦, લાલ ચોખા રૂ. ૧૪૦ થી ૧૫૦ અને દૂધ મલાઈ ચોખા રૂ. ૧૦૦ થી ૧૫૦ પ્રતિ કિલોના ભાવે વેચાય છે. સુરતમાં દર રવિવારે સ્ટોલ પરથી ખીચડીના સ્પેશિયલ ચોખાનું વેચાણ થઈ જાય છે. પહેલા એક કિલોના પેકેટ વેચતા હતા હવે કસ્ટમર ૨૫ કિલોના પેકેટ ગ્રાહકો માંગી રહ્યા છે.

ખેડૂત નિકુંજસિંહે વધુમાં જણાવ્યું કે, ઔષધીય પાકોમાં વેલ્યુએડિશન કરવા માટે ફેકટરી યુનિટ ચાલુ કરવા માટે વલસાડ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાંથી PRIME MINISTER EMPLOYMENT GENERATION PROGRAMME (PMEGP) યોજના હેઠળ રૂ. ૧૬ લાખની લોન લીધી હતી. જેમાંથી કેન્દ્ર સરકાર દ્વારા રૂ. ૫.૭૬ લાખની સબસિડી આપવામાં આવી છે જ્યારે રાજ્ય સરકાર દ્વારા અંદાજે રૂ. દોઢ લાખની સબસિડી મળશે. આ લોન થકી હરિયાણાથી મશીનરી ખરીદી અને સોલાર પેનલ લગાવી પ્રોસેસિંગ યુનિટની શરૂઆત કરી હતી. વાઘલધરાની કેન્સર હોસ્પિટલની રિસર્ચ લેબમાંથી ઔષધીય પાકનું ટેસ્ટીંગ કરાવી સર્ટિ. પણ મેળવ્યું છે. ચરકસંહિતા ગ્રંથના ગહન અભ્યાસ બાદ ઔષધીય પાકોના પાઉડર બનાવી મૂલ્યવર્ધન કરી સ્થાનિક અને વિદેશોમાં પણ વેચાણ કરવામાં આવે છે.

અલગ અલગ ઔષધી પાકમાંથી સુગર કંટ્રોલ કરવાનો પાઉડર ,જુની એસીડિટી દૂર કરવાનો પાઉડર, બ્લડ પ્રેશર કંટ્રોલ કરવાનો પાઉડર, કમર-ઘૂંટણમાં દુખાવો દૂર કરવાનો પાઉડર, વજન ઉતારવાનો પાઉડર, કોલેસ્ટ્રોલ માટેના પાઉડર, હ્રદય મજબૂત કરવાનો પાઉડર, કબજિયાત દૂર કરવાનો પાઉડર, રોગપ્રતિકારક શકિત વધારવાનો પાઉડર અને ઉધરસ તેમજ ખાંસી દૂર કરવાનો પાઉડર બનાવી દેશ વિદેશમાં એક્સપોર્ટ કરી રહ્યા છે. શેરડીમાંથી ગોળ, ગોળનો પાઉડર, કેન્ડી, જલેબી અને ચટની બનાવી આગળ વધ્યા હતા. કેરી અને શેરડીના રસમાંથી કેન્ડી પણ બનાવી રહ્યા છે. જેની ઉનાળામાં ખૂબ જ ડિમાન્ડ રહે છે.

વર્ષ ૨૦૧૯માં આત્મા પ્રોજેક્ટ સાથે જોડાયા બાદ આવેલા પરિવર્તન અંગે ખેડૂત નિકુંજસિંહ કહે છે કે, પહેલા ખેત પેદાશના વેચાણ માટે માર્કેટ મળતુ ન હતું પરંતુ આત્મા સાથે જોડાયા બાદ અલગ અલગ જગ્યાએ સ્ટોલ મળતા અમારું વેચાણ વધતુ ગયુ. વાઈબ્રન્ટ ગુજરાતમાં પણ અમને સ્ટોલ મળતા અમારી પ્રોડકટને સીધુ રાષ્ટ્રીય માર્કેટ મળ્યું હતું. હાલમાં વર્ષે રૂ. ૧૨.૫૦ લાખની આવક થઈ રહી છે. તમામ ખર્ચ બાદ કરતા દર મહિને રૂ. ૬૦ હજારથી રૂ. ૬૫ હજાર સુધીની આવક મેળવી આર્થિક ઉપાર્જન મેળવુ છું.

માત્ર એક દેશી ગાયથી ૮ વીંઘા જમીન પર પ્રાકૃતિક ખેતી કરી નિકુંજભાઈ પોતે તો સધ્ધર બન્યા સાથે અન્ય લોકોને રોજગારી પણ આપી રહ્યા છે. તેમનું મોડલ ફાર્મ ખેડૂતો માટે પ્રેરણાદાયી બન્યું છે. પોતાને મળેલી આ સફળતા બદલ દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી, રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી આભાર માની તેઓ કહે છે કે, રાજ્યપાલશ્રીએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે પ્રત્યક્ષ અને પરોક્ષ માર્ગદર્શન આપી ખેડૂતોને નવી દિશા આપતા ખેડૂતોની દિશા અને દશા પણ બદલાઈ છે.

જિલ્લા સંયોજક નિકુંજસિંહે ૩૫૦૦ થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપી

યુવા ખેડૂત નિકુંજસિંહ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા અથાગ પ્રયાસ કરી રહ્યા છે. આત્મા પ્રોજેક્ટ દ્વારા તેમને જિલ્લાના સંયોજક તરીકે નિયુક્ત કરાયા બાદ તેઓએ અત્યાર સુધીમાં વલસાડ જિલ્લામાં ૩૫૦૦થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપી છે સાથે તેમના રાધિકા ઓર્ગેનિક અને આયુર્વેદા ફાર્મને નિહાળવા માટે રોજે રોજ રાજ્યાના વિવિધ જિલ્લામાંથી ખેડૂતો, મહિલાઓ તેમજ કૃષિ કોલેજના વિદ્યાર્થીઓ પણ આવી રહ્યા છે. તેઓ માત્ર પ્રાકૃતિક ખેતી નથી કરતા પરંતુ જે ખેડૂત પ્રાકૃતિક ખેતી કરવા માંગે તેમને ખેતીની તેમજ મૂલ્ય વર્ધનની પણ તાલીમ આપે છે. જિલ્લાની અંદર તેમણે ત્રણ ખેડૂતોને ઊભા કર્યા છે જેમાં કપરાડાના બે ખેડૂત રઘુનાથ ભોયા, કિશન ધૂમ અને પારડીના ખેડૂત અમિત મકરાણી કે જેઓ મૂલ્ય વર્ધન કરી સારી એવી આવક મેળવી રહ્યા છે.

દીકરીનો જન્મ દિવસ પ્રાકૃતિક ખેતીની થીમ આધારિત ઉજવ્યો હતો

અમારી દીકરીનો જન્મદિવસ પણ પ્રાકૃતિક ખેતીની થીમ આધારિત કરી હતી. જેમાં કેક નહી પણ મીઠાઈ, ભોજન માટેની જરૂરી સામગ્રી પણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પાસે ખરીદી હતી. અંદાજે ૬૦૦ જેટલા મહેમાનો આમંત્રિત કર્યા હતા અને તેઓને પણ પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવ્યું હતું. સાથે કેવી રીતે પ્રાકૃતિક ખેતી કરી શકાય તે માટેનું માર્ગદર્શન પણ આપ્યું હતું. પ્રાકૃતિક ખેતીની થીમ આધારે દીકરીનો જન્મ દિવસ ઉજવવાના નવા વિચાર બદલ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા અમારા પરિવારનું વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું.

શુ તમારે સુકાઈ ગયેલા વૃક્ષ કે પાકને પુનઃ જીવીત કરવા છે?

પ્રાકૃતિક ખેતીમાં કેટલી તાકાત છે તેનું ચમત્કારિક ઉદાહરણ આપતા ખેડૂત નિકુંજસિંહ ઠાકોરે જણાવ્યું કે, અમારા ખેતરમાં મૃતપ્રાય બનેલા બિલીપત્રના છોડને પ્રાકૃતિક ખેતી પધ્ધતિના સપ્ત ધાન્ય અંકુરણ દ્વારા જીવિત કરવામાં આવ્યો હતો. જે અંગેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં મુકતા વાઈરલ થયો હતો. ૬ જાતના ધાન્ય મગ, મઠ, ચોળા, ચણા, ઘઉં અને અડદ તેમજ તલ ને ફણગા આવી જાય ત્યાં સુધી બાંધી રાખવુ અને પછી મિક્ષરમાં પીસીને ગૌમૂત્રમાં મિક્ષ કરી ગાળીને ૨૪ કલાકમાં સ્પ્રે દ્વારા ઉપયોગ કરવાનું હોય છે. જેનો છંટકાવ લીલા શાકભાજી, કઠોળ તેમજ સુકાઈ ગયેલા વૃક્ષ, છોડ કે વેલા ઉપર કરવાથી પાકને નવુ જીવન મળે છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!