ગુજરાત એલર્ટ । નવી દિલ્હી
દેશના રાજકારણમાં મોટો ખળભળાટ મચી ગયો છે. દિલ્હીના કથિત દારૂ કૌભાંડમાં ઇડી દ્વારા સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે. સતત 9 સમન્સ મોકલ્યા બાદ EDની ટીમ આજે સાંજે 10માં સમન્સ સાથે કેજરીવાલના ઘરે પહોંચી હતી.
કેજરીવાલનું નિવેદન પીએમએલએની કલમ 50 હેઠળ નોંધવામાં આવ્યું હતું. EDના તપાસ અધિકારી જોગેન્દ્ર સીએમ કેજરીવાલની પૂછપરછ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર તેના ઘરની પણ તલાશી લેવામાં આવી હતી.
આ બનાવની વિગતો મુજબ, નવી આબકારી નીતિમાંથી વ્યક્તિગત લાભોના બદલામાં AAP પાર્ટીના નેતાઓને 100 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. ષડયંત્ર હેઠળ, નવી દારૂની નીતિમાં જથ્થાબંધ વેપારીઓ દ્વારા AAP પાર્ટીને લાંચના પૈસા સતત મોકલવામાં આવી રહ્યા હતા. ષડયંત્ર હેઠળ સાઉથ લોબી દ્વારા એડવાન્સ અપાયેલી કરોડો રૂપિયાની લાંચ દારૂ પરના નફાના માર્જિનમાં વધારો કરીને વસૂલવાની હતી અને આ પોલિસીમાંથી બમણો નફો મેળવવાનો હતો.
આજે સીએમ કેજરીવાલને દિલ્હી હાઈકોર્ટથી મોટો ઝટકો લાગ્યો હતો. ગુરુવારે કોર્ટે કહ્યું હતું કે તે તેઓ ધરપકડથી મુક્ત નથી. EDના સમન્સ પર, કેજરીવાલ પૂછપરછ માટે આવતા ન હતા. તેમણે કોર્ટ પાસે ખાતરી માંગી હતી કે જો તેઓ પૂછપરછ માટે જશે તો તેમની ધરપકડ કરવામાં આવશે નહીં. તેના પર કોર્ટે કહ્યું કે કેજરીવાલે સમન્સના જવાબમાં ED સમક્ષ હાજર થવું પડશે, તેમની ધરપકડ પર કોઈ સ્ટે નથી.
હાઇકોર્ટના આ વલણ પછી આજરોજ ઇડીની ટીમે કેજરીવાલની પૂછપરછ કરી ધરપકડ કરતાં ભારતીય રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે.