ગુજરાત એલર્ટ | મોરબી
પોલીસની નજરથી બચવા હરિયાણાના શખ્સે મોરબીના રફાળેશ્વરમાં નકલી વિદેશી દારૂ બનાવવાની ફેકટરી શરૂ કરી હતી. મોરબી એલસીબી ટીમને બાતમી મળતા દરોડો પાડી રૂ. 15.65 લાખના ડુપ્લીકેટ વિદેશી દારૂ સાથે 11 આરોપીઓને ઝડપી લીધા છે. જો કે એલસીબીના દરોડામાં મુખ્ય સૂત્રધાર હાથ લાગ્યો ન હતો.
મોરબી એલસીબી ટીમે બાતમીના આધારે રફાળેશ્વર જીઆઇડીસીમાં આવેલી બાલાજી એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનમાં દરોડા પાડી નકલી વિદેશી દારૂ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. પોલીસના દરોડામાં સિરસા હરિયાણાનો વતની સુરેશકુમાર આત્મારામ ડુકીયા દ્વારા જીઆઇડીસીમા બંધ ગોડાઉન ભાડે રાખી અહીં નકલી દારૂ બનાવવા માટે પરપ્રાંતીય શ્રમિકોને કામે રાખી જુદી જુદી બ્રાન્ડનો વિદેશી દારૂ કાચની બોટલમાં ભરવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે ઘટના સ્થળેથી વિવિધ બ્રાન્ડની નકલી દારૂ ભરેલી કુલ 2832 નંગ બોટલ કિંમત રૂપિયા 10,62,000 તેમજ બનાવટી ઈંગ્લીશ દારૂનું પ્રવાહી 2500 લીટર જેની કિંમત 1,25,000 જુદી જુદી કાચની બોટલ, સ્ટીકર, ખાલી ઢાંકણા, પેકીંગ મશીન, કેમિકલ પાવડર અને 6 મોબાઈલ મળી કુલ 15,65,300નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
તમામ આરોપીઓમાં મુખ્ય આરોપી હરીયાણાનો છે, જ્યારે અન્ય કામ પર રાખેલા મજૂરો ઉત્તર પ્રદેશના હોવાનું સામે આવ્યું છે, તેમની વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.
આરોપીઓ આ કેમિકલના સહારે ડુપ્લીકેટ દારૂ બનાવી મશીનની મદદથી કાચની બોટલોમાં દારૂ ભરી સિલપેક બોટલો તૈયાર કરવામાં આવતી હતી. હાલ પોલીસે ડુપ્લીકેટ દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા જુદા જુદા પ્રકારના કેમિકલોના સેમ્પલ લઈને ટેસ્ટિંગ માટે મોકલી આપ્યા છે.