ગુજરાત એલર્ટ । વલસાડ
દુર્લભ રોગ ગણાતા ડેસમોઇડ ફિબ્રોમેટોસિસ(કેન્સર)ને લડત આપનારા ડો. જીજ્ઞા ગરાસિયાએ પોતાનું પુસ્તક લખ્યું. દુનિયામાં હજુ અનેક બિમારી એવી છે જેની ઓળખ થઇ શકી નથી. લાખો લોકોમાં એક ને બિમારી હોય એવા દુર્લભ રોગને પારખવો જ મુશ્કેલ છે. તો તેની સારવારની વાત જ શું કરવી. આવો રોગ જેને થાય તેમની સ્થિતિ અનેક સ્તરે કેવી હોય એનું ચિત્રણ કરતું એક પુસ્તક “Beyond Medicine-A Story of Healing, Faith & Resilience” પારડીના એક મહિલા તબીબ ડો. જીજ્ઞાબેન ગરાસિયાએ લખ્યું છે. તેઓ પોતે દુર્લભ રોગ ગણાતા ડેસમોઇડ ફિબ્રોમેટોસિસ(કેન્સર)થી પિડાતા હતા. આ દુર્લભ રોગને લડત આપીને સ્વસ્થ થયેલા ડો. જીજ્ઞાએ પોતાના તમામ અનુભવ અને મનોસ્થિતિનું આ પુસ્તકમાં સવિસ્તાર ચિત્રણ કર્યું છે.
પારડીની ખાનગી હોસ્પિટલમાં ગાયનેકોલોજીસ્ટ તરીકે ફરજ બજાવતા ડો. જીજ્ઞા ગરાસિયાને વર્ષ 2016ની સાલમાં આ દુર્લભ ગણાતા કેન્સરની શરૂઆત થઇ હતી. સદનસિબે તેમના પતિ ડો. નીતિન પટેલ પેથોલોજીસ્ટ હોય અને તેમના સહયોગી ડો. અક્ષય નાડકર્ણી કેન્સર સ્પેશ્યાલિસ્ટ હોય, તેમના રોગનું નિદાન થઇ શક્યું અને તેમને તેમના રોગની સારવાર માટેનો એક માર્ગ મળી શક્યો હતો. કેટલાક દર્દીઓને તેમના રોગનું નિદાન જ થઇ શકતું નથી. ત્યારે આવા રોગથી પિડાતા દર્દીઓએ રોગ સામે કેવી લડાઇ લડવી પડે અને જ્યારે રોગની સરવાર ન હોય ત્યારે દર્દીએ કયા પ્રકારની હિંમત રાખવી પડે એનો બોધપાઠ આ પુસ્તકમાંથી લઇ શકાય છે. આવા રોગના દર્દીઓની જાગૃતતા માટે પોતાનો અનુભવ ડોક્ટર એવા દર્દી ડો. જીજ્ઞાએ પુસ્તક લખવાનો નિર્ણય કર્યો અને અંગ્રેજીમાં પુસ્તક લખી તેને પ્રકાશિત કર્યું અને સાથે અમેઝોન બુક પર પણ વેચાણ અર્થે મુક્યું છે. જ્યારે ડોક્ટર અને દર્દી એક જ વ્યક્તિ હોય અને તે પોતે લેખક બને ત્યારે તેમના અનુભવનો આખો નીચોડ તેમના પુસ્તકમાં જ આવી જતો હોય છે. ત્યારે આ ડો. જીજ્ઞાનું આ પુસ્તક ખરેખર વાંચવા લાયક બની રહ્યું છે, એવું કહી શકાય.