ગુજરાત એલર્ટ । વલસાડ
તાજેતરમાં પદ્મશ્રી એવોર્ડ વિજેતા ડો. યઝદી ઈટાલિયાનું તા. ૩૦ જાન્યુઆરી ગાંધી નિર્વાણ દિને વલસાડના ગાંધીવાદી તરીકે જાણીતા ધનસુખ મિસ્ત્રીના ઘરે ગાંધીવાદી અને પદ્મશ્રી ગફૂરભાઈ બિલખિયાના હસ્તે શાલ ઓઢાડી મોમેન્ટો આપી અભિવાદન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પદ્મશ્રી ગફુરભાઈ બિલખિયાએ મહાત્મા ગાંધીજીને યાદ કરી ડો. યઝદી ઇટાલિયાને પદ્મશ્રી મળવા બદલ અભિનંદન પાઠવી સિકલસેલ રોગને નાથવા અને રકતદાન ક્ષેત્રે તેમના કાર્યો અને સેવાને બિરદાવી હતી. સાથે તેમણે વર્તમાન યુગમાં ગાંધીવાદી વિચારો દેશ અને દુનિયામાં આજે પણ પ્રસ્તુત હોવાનું જણાવી ગાંધીવાદી વિચારોના રસ્તે ચાલવા આહવાન કર્યું હતું.
ગાંધી પ્રદર્શન ધરાવતા ગાંધીવાદી ધનસુખ મિસ્ત્રીને પ્રદર્શનના સંચાલન માટે ટ્રસ્ટ બનાવવા સૂચન કર્યું હતું. તેમણે કાર્યક્રમમાં ઉપસ્થિત મૂળ વલસાડ તાલુકાના અને અમેરિકા રહેતા બિઝનેસમેન અને ક્રિકેટને આગળ વધારી રહેલા જયેશ પટેલના કાર્યોની સરાહના કરી હતી. સાથે સામાજિક ક્ષેત્રે અને સમાજ અને યુવાનોના ઉત્થાન માટે તેમના કાર્યો માટે અભિનંદન પાઠવ્યા હતા.
પદ્મશ્રી ડો. યઝદી ઇટાલિયાએ દેશમાં સિકલસેલ રોગની જાણકારી, કેસો અને તેને નાથવા માટે થઈ રહેલી કામગીરીની વિગતો જણાવી પદ્મશ્રી માટે રકતદાન કેન્દ્રના સ્ટાફ, શુભેચ્છકો અને સરકારના પ્રયાસોની સરાહના કરી હતી. કાર્યક્રમ દરમિયાન બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.