ગુજરાત એલર્ટ । વલસાડ
આંતરરાષ્ટ્રિય મહિલા દિવસ નિમિત્તે નાડકર્ણી મેડિકલ ફાઉન્ડેશન દ્વારા ડો. પૂર્ણિમા નાડકર્ણી નારીશક્તિ પુરસ્કારનું આયોજન કરાયું હતુ. જેમાં આર્ટ, સ્પોર્ટસ, સામાજીક, પર્યાવરણ વગેરે ક્ષેત્રમાં પોતાની વિશેષ સેવા આપનારી નારી પ્રતિભાઓને શોધી તેમને નારી શક્તિ એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ વર્ષથી શરૂ થયેલા આ એવોર્ડ માટે 300 થી વધુ નોમિનેશન આવ્યા હતા. જે પૈકી 25 શ્રેષ્ઠ મહિલાઓની પસંદગી થઇ અને તેમને એવોર્ડ એનાયત કરાયા હતા.
આ પ્રસંગે વલસાડ ધારાસભ્ય ભરતભાઇ પટેલ, પાલિકાના માજી પ્રમુખ અને ચાઇલ્ડ વેલફેર સમિતિના માજી અધ્યક્ષ સોનલબેન સોલંકીએ સ્વ. પૂર્ણિમાબેન નાડકર્ણીની વલસાડ પ્રત્યેની સેવાને યાદ કરી તેમની યાદમાં શરૂ કરાયેલા આ એવોર્ડના વખાણ કર્યા હતા.
વલસાડની 21ફસ્ટ સેન્ચૂરી હોસ્પિટલના ફાઉન્ડેશન દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં ડો. અદિતી નાડકર્ણીની લિડરશિપમાં એક પોડકાસ્ટ શો યોજાયો હતો. જેમાં હોસ્પિટલના ડો. જીજ્ઞા ગરાસિયા તેમજ શહેરની અનેક મહિલા પ્રતિભાઓએ મહિલાઓને વિવિધ ક્ષેત્રમાં પોતાના અનુભવો થકી માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં વલસાડના ગાયનેકોલોજિસ્ટ શૈલજાબેન મસ્કર, રમિલાબેન દેસાઇ વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા અને તેમના હસ્તે મહિલા પ્રતિભાઓને એવોર્ડ એનાયત કરાયા હતા. આ કાર્યક્રમમાં ડો. પદ્મજા મ્હસ્કરને લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ એનાયત કરાયો હતો.
આ કાર્યક્રમમાં ડો. અક્ષય નાડકર્ણીએ આગામી સમયમાં 21ફસ્ટ સેન્ચૂરી હોસ્પિટલમાં ફ્રી કેન્સર નિદાન કેમ્પ અને વંધ્યત્વ નિવારણ કેમ્પની જાહેરાત કરી હતી. આ કેમ્પ આગામી 10 થી 20 માર્ચ સુધી ચાલશે.
આ કાર્યક્રમનું સંચાલન ડો. ઝેહાન ઇરાની, કલ્પના ચૌધરી, આશા વિરેન્દ્ર અને અનુજા શાહે કર્યું હતુ. આભાર વિધિ ડો. અદિતી નાડકર્ણીએ કરી હતી. સમગ્ર કાર્યક્રમમાં વલસાડની મહિલાઓ મોટી સંખ્યામાં ઉમટી પડી હતી.
વલસાડની આ મહિલાઓને તેમની સિદ્ધિ બદલ મળ્યાં એવોર્ડ
દિપિકા ગુટગુટિયા અને બીના દેસાઇને લીડરશિપ એક્સેલન્સ એવોર્ડ, સોનિયા સિંઘ અને જેસ્વિકા દેસાઇએ સોશ્યલ ઇમ્પેક્ટ, સુજાતા શાહ, ઉન્નતિ દેસાઇ અને અલ્પા નાયકને એજ્યુકેશન એડવોકેસી, બીજલ દેસાઇ અને સરલાબેન દેસાઇને ઇનોવેશન એન્ડ એન્તરપ્રિન્યોરશિપ એવોર્ડ, રશ્મિકા મહેતા એડવોકેશી ફોર ઇક્વાલિટી, શિતલ પટેલ, અમિશા શાહ અને રેનુ તલરેજાને કમ્યુનિટી સર્વિસ, હશા હેરાંજલ અને ડો. નાઇલ દેસાઇને હેલ્થ એન્ડ વેલનેશ, હેતલ પટેલ અને રિતી શ્રોફને આર્ટ એન્ડ કલ્ચર, જીગીશા ગાંધીને ઇનવાયર્મેન્ટ સ્વીવર્ડશીપ, પૂજા મહેલા, દક્ષાબેન ચૌધરી અને બિનિતા કુમારીને સ્પોર્ટસ એન્ડ એથલેટિક્સ, મયૂરી મિસ્ત્રી અને પ્રતિક્ષા પટેલને એનિમલ કેર તેમજ ઉષાબેન લાડ અને ગીતા ચાંપાનેરીને સ્પેશ્યલી એબલ્ડ એવોર્ડ એનાયત કરાયો હતો.