પણંજગામના દાતાઓએ ખેરગામ રેફરલને એનેસ્થેસિયા વેન્ટિલેટર યુનિટ દાનમાં આપ્યું

ખેરગામ
માર્ચ ૨૦ થી કોરોના મહામારીનો પ્રારંભ થતા સમગ્ર દેશ દુનિયામાં હાહાકાર મચી ગયો હતો જેનાથી સરકારી હોસ્પિટલોની વિવિધ અછત પ્રજા સામે ઉજાગર થઇ હતી જેમાં રોજેરોજ મરણ આંક વધતા હોસ્પિટલોના હાથ પણ હેઠાં પડ્યા હતા જે સંદર્ભમાં દેશ-વિદેશના દાતાઓએ પહેલ કરી સરકારી તંત્રોને મદદરૂપ થવા આગળ આવ્યા હતા.
ખેરગામ ખાતેની સામુહિક આરોગ્ય કેન્દ્ર-રેફરલ હોસ્પિટલ પણ અનેક સુવિધાઓથી વંચિત હતું. જેમાં ખેરગામને લાગુ પણંજ ગામના કણબી પટેલોએ હાથ લંબાવી મદદરૂપ થયા જેમને અમેરિકા સ્થિત વિદેશી ગામવાસીઓનો પણ વધુ સહકાર મળતા રેફરલ હોસ્પિટલને આજે એક સુવિધા પ્રાપ્ત થઇ છે.
સૌ પ્રથમ તેઓએ ઓક્સિજન કંસંનટ્રેટર્સ આપ્યા પીપીપી કીટથી માંડીને હોસ્પિટલની જરૂરીયાતો જેવીકે સેનેટાઈઝર બેડશીટ ગાદલા અને પ્રાણવાયુ પૂરો પાડવા માટે સિલિન્ડર્સ દાન કર્યા. ઓપરેશન થિયેટર માટે એનેસ્થેસિયા ચોલી અને વેન્ટિલેટર ની તીવ્ર જરૂરિયાત હતી જે માટે અમેરિકાના ઈલોનોઈ રાજ્યના સ્પ્રિંગ ફિલ્ડ શહેરમાં રહેતા પણંજના વતની રાકેશભાઈ વલ્લભભાઈ પટેલે આગેવાની લઇ ત્યાં વસતા પણંજ ગામના દાતાઓનો સંપર્ક કરીને ૧૦ લાખથી વધુનું ભંડોળ ભેગું કર્યું જેમાંથી ખેરગામ રૅફરલને વૅન્ટીલેટર નું દાન કરવામાં આવ્યું આજરોજ એનેસ્થેસિયા ટ્રોલી વેન્ટિલેટર કે જે લગભગ ૬ લાખથી વધુની કિંમતની છે તેનું ખેરગામના વેપારી અને પણંજના માજી ઉપસરપંચ વિજયભાઈ પટેલ તથા પ્રોફેસર જગદીશભાઈ પટેલની સાથે જગદીશ પટેલ, પંકજભાઈ, ચેતનભાઈ, શિલ્પેશભાઈ અને સુરેશભાઈએ ઉપસ્થિત રહી રેફરલના અધિક્ષક ડૉ. દિવ્યાંગ પટેલને સુપ્રત કરવામાં આવ્યું જે સમયે કોવિડ કેર સમિતિના રિદ્ધિ ઓટોના સતીશ પટેલ, મનોજ સોની વિગેરે અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા.
રેફરલ હોસ્પિટલના ડૉ. દિવ્યાંગ પટેલે દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને દાતાઓની માંગ અનુસાર વસ્તુઓની નોંધ કરી તેનો ઉપયોગ માત્ર ને માત્ર ખેરગામ રેફરલ ખાતે જ કરવાનો આગ્રહ રાખ્યો હતો. પ્રોફેસર જગદીશ પટેલે અમારા તરફથી વધુ મદદ કરવામાં આવશે એમ જણાવી અમે માનવ સેવાનું કાર્ય કર્યું છે એમાં આભાર ના હોય એમ કહ્યું હતું.

સરકાર એનેસ્થેટિશ્યન ફાળવશે તો કામ આવશે

ખેરગામ રેફરલને એનેસ્થેસિયા ટ્રોલી વેન્ટિલેટર યુનિટ પ્રાપ્ત થયું છે પણ તેનો વપરાશ સંચાલન માટે એનેસ્થેસ્થેટિશ્યનની ખાસ જરૂરિયાત રહેશે, જેથી તેની નિમણૂક નહીં થાય તો આ લાખોનું યુનિટ બિન ઉપયોગી થશે. હાલમાં રુમલા રેફરલમાં જે પોસ્ટ ભરાયેલી છે તેને અઠવાડિયામાં ત્રણ દિવસ ખેરગામ મોકલી કામ કરાવવામાં આવે તો ખેરગામ રેફરલના જરૂરિયાતમંદ દર્દીઓને ખૂબ જ રાહત થશે. નવસારી જિલ્લા કલેકટર અને જિલ્લા આરોગ્ય અધિકારી આ અંગે ઘટતું કરે તેવી કોવિડ કેર સમિતિની રજૂઆત છે.

Share this post

© 2023 Gujarat Alert. All rights reserved.
Developed By JWinfotech
scroll to top
error: Gujarat Alert Content is protected !!