ગુજરાત એલર્ટ । ગાંધીનગર
રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓને દિવાળીની ભેટ આપી છે. દિવાળી અને નવા વર્ષની વચ્ચે આવતો સોમવારે સરકારે રજા જાહેર કરી દીધી છે. જ્યારે બીજા શનિવારે તમામ સરકારી કચેરીઓ ચાલુ રહેવાનો આદેશ કર્યો છે.
રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગના અધિક સચિવ જ્વલંત ત્રિવેદી દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર અનુસાર કેલેન્ડર વર્ષ, ૨૦૨૩ માટે જાહેર રજાઓ જાહેર કરવામાં આવેલ છે. તે મુજબ તા. ૧૧/૧૧/૨૦૨૩ના રોજ બીજા શનિવારની રજા, તા. ૧૨/૧૧/૨૦૨૩ના રોજ દિવાળી / રવિવારની રજા, તા. ૧૪/૧૧/૨૦૨૩, મંગળવારના રોજ વિક્રમ સંવંત નૂતન વર્ષ દિન નિમિત્તે રજા તથા તા. ૧૫/૧૧/૨૦૨૩ બુધવારના રોજ ભાઇબીજ નિમિત્તે જાહેર રજા આવે છે જ્યારે આ રજાઓ વચ્ચે તા. ૧૩/૧૧/૨૦૨૩ના રોજ સોમવારે સરકારી કચેરીઓ ચાલુ છે. જેથી દિવાળી પર્વમાં સરકારી અધિકારી / કર્મચારીઓ તહેવારો માણી શકે તે હેતુસર તા. ૧૩/૧૧/૨૦૨૩, સોમવારના રોજ તમામ સરકારી કચેરીઓ (પંચાયત અને રાજય સરકારના બોર્ડ / કોર્પોરેશન સહિત) બંધ રહેશે તેના બદલામાં તા. ૦૯/૧૨/૨૦૨૩ બીજા શનિવારના રોજ આ તમામ કચેરીઓ ચાલુ રહેશે. આ હુકમો ગુજરાત સરકારની બધી કચેરીઓને તથા રાજય સરકાર હસ્તકના બોર્ડ / કોર્પોરેશન તેમજ પંચાયત કર્મચારીઓને પણ લાગુ પડશે.