ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિની બેઠક જિલ્લા કલેકટરશ્રી અનસૂયા જ્હાના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં બંધ પડેલી વાજબી ભાવની દુકાન શરૂ કરવા અર્થે જાહેરાત આપવા, ઉમરગામના દહેરી (જનરલ) પંડિત દિન દયાળ ગ્રાહક ભંડાર માટે દુકાન ફાળવવા, ગુદીયા, અતુલ-૨ અને મોગરાવાડી – ૨ ની દુકાન મર્જ કરવા બાબતે નિર્ણય લેવાયો હતો. દુકાનનું સ્થળ ફેરફાર કરવા બાબત, એક વર્ષથી ચાર્જમાં ચાલતી દુકાનો, જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ આવશ્યક ચીજ વસ્તુઓના વિતરણ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
પારડીના ઉમરસાડી-૩ના વાજબી ભાવની દુકાનના સંચાલકે અને પારડી-૨ ના સંચાલકે રાજીનામા મુકતા નવી વ્યાજબી ભાવની દૂકાન માટે દરખાસ્ત મળી હતી. વાપીના ડુંગરામાં વસ્તીના ધોરણ ધોરણ અનુસાર નવી દુકાન ખોલવા માટે દરખાસ્ત મળી હતી. ડુંગરામાં વધુ વસ્તી અને બેને એફપીએસનું અંતર ચારથી પાંચ કિમી હોવાથી ટીનાબેન બી.આહિરને નવી વ્યાજબી ભાવની દુકાન ફાળવવામાં આવી હતી. જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું કે, રાશન કાર્ડ ધારકને મળવાપાત્ર અનાજ મળવુ જ જોઈએ. આ સિવાય વાજબી ભાવની દુકાનો કેટલા દિવસ ચાલુ રહે છે તે માટે ઓચિંતિ વિઝિટ કરવા મામલતદારશ્રીઓને સૂચન કર્યુ હતું. જિલ્લા પુરવઠા અધિકારી દિપર બારીયાએ ઈકેવાયસી તમામ રાશન કાર્ડ ધારકોનું કરવામાં આવી રહ્યું હોવાનું જણાવ્યું હતું. જેથી ચોક્કસ ડેટા ક્લિયર થશે. મે માસ દરમિયાન જિલ્લાની વિવિધ વાજબી ભાવની ૧૩૮ દુકાનોમાં હાથ ધરાયેલી તપાસ અંગે ચર્ચા થઈ હતી. બેઠકમાં જિલ્લાના માન્ય ગ્રાહક સુરક્ષા મંડળના પ્રતિનિધિ, જિલ્લા વેપારી મંડળના પ્રતિનિધિ તેમજ વાજબી ભાવની દુકાન સાથે જોડાયેલા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.