ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લા સંકલન સમિતિની બેઠક જિલ્લા કલકેટરશ્રી અનસૂયા જ્હાના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં કુલ ૧૭ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને જિલ્લામાં પીવાના પાણીની વ્યવસ્થા, રસ્તાનું રિપેરીંગ કામ, આંગણવાડી- આશાવર્કર બહેનોનો નિયમિત પગાર, શાળામાં વર્ગખંડોનું બાંધકામ અને પાવર ગ્રીડની કામગીરી અંગે ચર્ચા થઈ હતી. વલસાડ-ડાંગના સાંસદશ્રી ધવલભાઈ પટેલે વલસાડ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર અનેકવિધ જગ્યાએ સર્વિસ રોડનું કામ બાકી હોવાનું જણાવી વધુમાં કહ્યું કે, અધૂરી કામગીરીને કારણે રોજે રોજ અકસ્માતો થઈ રહ્યા છે. જે બાબતે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીએ આવા સર્વિસ રોડનો સર્વે ચાલી રહ્યો હોવાનું જણાવ્યું હતું. સાસંદશ્રીએ વલસાડ જિલ્લામાં ખેડૂતોની જમીનમાં પાવર ગ્રીડ દ્વારા થઈ રહેલી કામગીરી અંગે કહ્યું કે, ખેડૂતોને આ કામગીરી અંગે કોઈ જાણ કરાતી નથી, નુકસાનીની ભરપાઈ કરાતી નથી અને વળતર પણ વહેલીતકે ચૂકવાતુ નથી. જેથી ખેડૂતોમાં આક્રોશ છે, જે બાબતે કલેકટરશ્રીએ પાવર ગ્રીડના અધિકારીઓને જિલ્લાના પ્રાંત અધિકારીઓ સાથે બેઠક કરી ખેડૂતોની રજૂઆતોનો સત્વરે ઉકેલ લાવવા જણાવ્યું હતું.
બેઠકમાં ઉમરગામના ધારાસભ્યશ્રી રમણલાલ પાટકરે ઉમરગામ તાલુકામાં વર્ષ ૨૦૨૩-૨૪માં પ્રધાનમંત્રી આવાસ યોજના, હળપતિ ગૃહ નિર્માણ બોર્ડ આવાસ યોજના, ન્યુ ગુજરાત પેટર્ન આવાસ યોજના, બોર્ડર વિલેજ આવાસ યોજના, માછીમાર આવાસ યોજના અને પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ કેટલા આવાસ મંજૂર કરાયા, કેટલા અધૂરા અને તે પૂર્ણ કરવા માટે શું પગલા લેવાયા તે અંગે પ્રશ્ન પૂછતા સંબંધિત યોજનાના અમલીકરણ અધિકારીઓએ જણાવ્યું કે, હળપતિ આવાસ યોજના હેઠળ ઉમરગામ તાલુકામાં ૨૨૫ અને વિલેજ આવાસ યોજના હેઠળ ૧૫૦ મંજૂર થયા છે જેમાંથી અનુક્રમે ૧૫૫ આવાસ અને ૧૨૨ આવાસને પ્રથમ હપ્તાની રકમ ચૂકવાઈ ગઈ છે. ઉમરગામ તાલુકામાં દમણગંગા સિંચાઈ યોજના હેઠળ નારગોલ ખાતે રૂ. ૧૨ કરોડ ૯૭ લાખ અને દહેરી ગોવાડા ખાતે રૂ. ૬ કરોડ ૭૦ લાખ મરોલી, ફણસા, કાલઈ અને ખતલવાડામાં દરિયાઈ ધોવાણ અટકાવવા પગલા માટે કયારે કામ ચાલુ કરાશે અને કેટલા સમયમાં પૂર્ણ કરાશે એવો પ્રશ્ન પૂછતા દમણગંગા નહેર સંશોધન વિભાગના કાર્યપાલક ઈજનેરશ્રીએ જણાવ્યું કે, ૭૦ ટકા કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. કલેકટરશ્રીએ વિકાસના કામો સમય મર્યાદામાં પૂરા થાય તે જોવાની જવાબદારી અધિકારીઓની હોવાનું સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યુ હતું. ઉમરગામ તાલુકામાં સર્વશિક્ષણ યોજના દ્વારા કેટલી પ્રાથમિક શાળામાં વર્ગખંડો નવા બાંધવા માટે મંજૂર થયા અને કેટલા વર્ગખંડો પૂર્ણ થયા એમ પૂછતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ ઉમરગામમાં ૨૯ પ્રાથમિક શાળામાં ૧૪૭ વર્ગખંડ નવા બાંધવા માટે મંજૂરી મળી હોવાનું જણાવ્યું હતું. જે પૈકી ૬૨ વર્ગખંડો સંપૂર્ણ થતા તે પૈકી ૨૨ વર્ગખંડોનું વેકેશન પહેલા લોકાર્પણ કરી દેવાયું હોવાનું વધુમાં જણાવ્યું હતું. ધારાસભ્યશ્રી રમણલાલ પાટકરે ઉમરગામ તાલુકાના ભીલાડથી મરોલી, તડગામ, નારગોલ સુધી નવી પીવાના પાણીની પાઈપલાઈનો કેટલા સમયમાં નાંખવામાં આવશે એમ પૂછતા પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના કાર્યપાલક ઈજનેરે જણાવ્યું કે, આ કામગીરી પ્રગતિ હેઠળ છે, ડિસેમ્બર ૨૦૨૪ અંતિત પૂર્ણ કરવામાં આવનાર છે.
ધરમપુરના ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલે ધરમપુર તાલુકાના ગામોમાં પાણીની અછત હોવાનું જણાવતા પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના કાર્યપાલક ઈજનેરે ગામડાની સમસ્યા પ્રમાણે તેના ઉકેલ માટે વિસ્તૃત ચર્ચા કરી હતી. વલસાડના ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલે પારનેરા પારડી ગામે નહેર રીપેરીંગ તેમજ આ નહેર હરિયા રોડથી પારનેરા પારડી ગામ બાજુ ખેડૂતો દ્વારા કરાયેલા દબાણ અંગે તેમજ વલસાડ સુગર ફેકટરીએ નહેર પુરી નાંખી રોડ બનાવ્યો હોવાથી નહેરની માપણી અને નવી બનાવવા માટે રજૂઆત કરતા નવસારી અંબિકા વિભાગના કાર્યપાલક ઈજનેરે લેખિતમાં જણાવ્યું કે, ખેડૂતોના વિરોધના કારણે માપણી કરાવવુ આવશ્યક જણાતા રૂ. ૨૧૬૦૦ જમા કર્યા છે. માપણી કરી સ્થળ પર ખુંટા મારી માર્કિગ કરાશે. ધારાસભ્યશ્રીએ વલસાડ તાલુકાના છરવાડા ગામે ગ્રામ પંચાયતનું મકાન મનરેગા યોજના હેઠળ ૩ વર્ષથી કામ ચાલે છે તે કયારે પુરૂ થશે એમ પૂછતા વલસાડ તાલકા વિકાસ અધિકારીએ જણાવ્યું કે, મકાનના બાકી કામ માટે નવા ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરાઈ છે. જિલ્લામાં ચાલી રહેલા વિકાસના કામોમાં કોન્ટ્રાક્ટરો દ્વારા સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ ન થાય તો બ્લેક લિસ્ટ કરવા સુધીની કાર્યવાહી કરવા અધિકારીઓને જણાવ્યું હતું.
કપરાડાના ધારાસભ્યશ્રી જીતુભાઈ ચૌધરીએ જણાવ્યું કે, જિલ્લામાં આંગણવાડી બહેનો અને આશા વર્કરોનો નિયમિત પગાર ન થાય તે બાબતે કદાપિ ચલાવી લેવાશે નહી, જો ભવિષ્યમાં આવુ થશે તો જે તે જવાબદાર અધિકારી સામે પગલા લેવાશે.
ભાગ- ૨ ની બેઠકમાં એસટી નિગમની નાઈટ આઉટ સર્વિસમાં ફરજ બજાવતા ડ્રાઈવર અને કંડકટરોને રાત્રિ રોકાણની સુવિધા પુરી પાડવા માટે જણાવતા તાલુકાના મામલતદારોને ગામની શાળા અને પંચાયતના મકાનમાં રાત્રિ રોકાણની સુવિધા પુરી પાડવા જણાવ્યું હતું. નિવૃત થતા કર્મચારીઓના લાભ, ૨૧ જૂને વિશ્વ યોગ દિનની ઉજવણીની તૈયારી અને ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા રોગ સામે શું સાવચેતી રાખવી તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોત, જિલ્લા પોલીસ અ FCધિક્ષકશ્રી ડો.કરણરાજ વાઘેલા સહિતના વિવિધ ખાતાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.