ગુજરાત એલર્ટ । ધરમપુર
બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર ધરમપુરના ઉપક્રમે સ્વામી નારાયણ સંપ્રદાયના વડા મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં ધર્મસભા યોજાઈ હતી જેમાં 35000 થી વધુ હરિભક્તો જોડાયા હતા.
આજે મહંત સ્વામી મહારાજે PSVTC એટલે પ્રમુખસ્વામી વોકેશનલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ધરમપુર ની મુલાકાત લીધી હતી ત્યાં આઈ.ટી.આઈ ની અંદર અભ્યાસ કરતા આદિવાસી વિદ્યાર્થીઓને દર્શન આશીર્વાદનો લાભ આપી સ્વામીશ્રી સ્વાગત સભા ની અંદર પધાર્યા હતા અહીં પૂજ્ય સ્વામીશ્રીએ દરેક હરિભક્તોને રૂડા આશીર્વાદ આપી સૌ વિદ્યાર્થી અને PAVTCના સ્ટાફને બિરદાવ્યા હતા ત્યારબાદ મહંત સ્વામી મહારાજ સ્ટેજ પર પધારી સૌને દર્શન દાન આપ્યા હતા. આ પ્રસંગે તિથલ મંદિર રજત જયંતિ મહોત્સવ નો ઉદ્ઘોષ મહંત સ્વામી મહારાજના કરકમળો દ્વારા રંગબેરંગી ફુગ્ગાઓને આકાશમાં છોડી કરવામાં આવ્યો હતો.
મહંત સ્વામીના આગમન સમયે ભવ્યાતિભવ્ય સ્વાગત–સામૈયું યોજવામાં આવ્યું હતું. એમના સ્વાગતમાં સુંદર કલાત્મક પ્રવેશદ્વાર સુશોભિત કરવામાં આવ્યો હતું.જેમાં આદિવાસી વસ્ત્રોમાં શોભતા યુવકોએ પરંપરાગત રીતે ડાંગી નૃત્ય, વિવિધ કરતબો કરી તેમજ નાસિક ઢોલ વગાડી સ્વામીશ્રીનું સ્વાગત કર્યું હતું. પરિસરમાં પ્રમુખસ્વામી મહારાજના વિચરણની સ્મૃતિ કરતા આદિવાસી ગામડાનો માહોલ ઉભો કરવામાં આવ્યો હતો.
1984માં ગુરુહરી પ્રમુખસ્વામી મહારાજે ધરમપુરને ધર્મલાભ આપી આંબાતલાટ ગામે પહોંચ્યા તે સમયે ધોડિયા અને વારલી જાતિના આ ગામના ભક્તોએ સ્વામીશ્રીને બળદગાડામાં બેસાડીને ભક્તિભાવ પૂર્વક એક નાનામંડપ સુધી લઈ આવ્યા હતા એ પ્રસાદીના ગાડાનું પૈડું અહીં દર્શન માટે રાખવામાં આવ્યું હતું.
આ સ્વાગત સમારોહમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી ૫૦થી અધિક સંતો, ૨૦૦૦ જેટલા કાર્યકરો સ્વયંસેવકો અને ૩૫૦૦૦થી વધુ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.