ગુજરાત એલર્ટ | વલસાડ
ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન તેમજ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના માર્ગદર્શન હેઠળ “ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી”થીમ પર આયોજિત ધરમપુર તાલુકાનું બી.આર.સી કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન આદર્શ નિવાસી શાળા બામટી ખાતે ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલના અધ્યક્ષપણા હેઠળ યોજાયું હતું.
આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં સી.આર.સી કક્ષાએ પંસદગી પામેલી ૮૩ જેટલી શ્રેષ્ઠ કૃતિ પ્રદર્શિત કરવામાં આવી હતી. “ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી” મુખ્ય વિષય પર અલગ અલગ પાંચ વિભાગો હતા. તેમાંથી દરેક વિભાગ માંથી પસંદગી પામેલ બે બે કૃતિઓ જિલ્લા કક્ષાએ ધરમપુર તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે.
વિજેતા થયેલી શ્રેષ્ઠ કૃતિઓમાં વિભાગ-૧ માં લુહેરી પ્રાથમિક શાળા અને મોડેલ સ્કૂલ માલનપાડા, વિભાગ-૨ માં ઓઝરપાડા પ્રાથમિક શાળા અને મનાઈચોંઢી પ્રાથમિક શાળા, વિભાગ- ૩માં સિદુમ્બર પ્રાથમિક શાળા અને શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ આશ્રમશાળા માલનપાડા, વિભાગ-૪ માં મૂળગામ વર્ગ ધામણી શાળા અને નાની ઢોલડુંગરી પ્રાથમિક શાળા, વિભાગ- ૫ માં ગુંદિયા પ્રાથમિક શાળા અને કરંજવેરી પ્રાથમિક શાળા પસંદગી પામી હતી. હવે પછી આ પંસદગી પામેલી શ્રેષ્ઠ કૃતિઓ જિલ્લા કક્ષાના વિજ્ઞાન પ્રદર્શનમાં ધરમપુર તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે. પંસદગી પામેલ કૃતિના બાળ વિજ્ઞાનીઓ અને માર્ગદર્શક શિક્ષક મિત્રોને બી.આર.સી કો.ઓર્ડીનેટર નેહલબેન અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કૌશરબેન તથા ઉપસ્થિત તમામ મહાનુભવોએ અભિનંદન પાઠવ્યા હતા.
આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં સાઈનાથ હોસ્પિટલના તબીબ અને સમાજસેવક ડૉ.હેમંતભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ પિયુષભાઈ માહલા, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કૌશરબેન, બામટી ગામના સરપંચ વિજયભાઈ, ધરમપુર તાલુકાના પ્રાથમિક શિક્ષક સંઘના તમામ હોદ્દેદાર મિત્રો તેમજ ધરમપુર તાલુકા શૈક્ષિક સંઘના તમામ હોદ્દેદાર મિત્રો, કેળવણી નિરીક્ષક મિત્રો, સી.આર.સી કો. ઓર્ડીનેટર મિત્રો, કેન્દ્ર શિક્ષકો અને મોટી સંખ્યામાં શિક્ષક મિત્રો વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઉદ્ઘોષક તરીકે હેમંત પટેલ, દર્શના પટેલ અને નીતિનભાઈ આહિરે કામગીરી બજાવી હતી. ધરમપુર તાલુકા બી.આર.સી. કૉ.ઓર્ડીનેટર નેહલબેને આભારવિધિ કરી હતી.