ગુજરાત એલર્ટ | વલસાડ
આછવણીના પ્રગટેશ્વર ધામ ખાતે ધર્માચાર્ય પરભુદાદા અને રમાબાના પરમ સાનિધ્યમાં મહાશિવરાત્રી પર્વની ભક્તિભાવથી ભવ્ય ઉજવણી કરી ભગવાન શિવની આરાધના કરવામાં આવી હતી.
મહાશિવરાત્રીના પાવન પર્વે બેદિવસિય પાંચકુંડી મહારુદ્ર યજ્ઞ કરવામાં આવ્યો હતો. ભૂદેવો અનિલભાઈ જોષી, કશ્યપભાઈ જાની તેમજ ચિંતનભાઈ જોષીએ વૈદિક મંત્રોચ્ચાર થકી બન્ને દિવસના યજ્ઞની વિધિ સંપન્ન કરાવી હતી. મહાશિવરાત્રિના દિવસે સવારે ૬ વાગ્યાથી રાત્રીના ૧૨ વાગ્યા સુધી દરેક પ્રહરની પૂજા કરવામાં આવી હતી અને રાત્રે કમળ પૂજા તેમજ મહા આરતી કરી આ પર્વ નિમિત્તે યોજાનારા કાર્યક્રમનું સમાપન કરાયુ હતું.
રામેશ્વરમ તીર્થમાંથી તેમજ નાશીક ગોદાવરી નદીથી પદયાત્રા કરી કાવડમાં જળ લઈ આવનારા પદયાત્રીઓની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી તેમજ તેઓને સ્મૃતિભેટ આપી શાલ ઓઢાડી સન્માન કરાયુ હતું.
પ્રગટેશ્વર ધામમાં બનાવેલા વિશેષ કુંડમાં પ્રયાગરાજ મહાકુંભ સહિત વિવિધ તીર્થોમાંથી લાવેલા જળને ઉમેરી બનેલા પવિત્ર જળમાં શિવભક્તોએ સ્નાન કરી મહાકુંભનું પુણ્ય પ્રાપ્ત કર્યું હતું. શિવભક્તોના સહયોગ થકી વિધવા મહિલાઓને સ્ટીલની થાળી અને ચપ્પલનું વિતરણ કરાયું હતું.
આ મહાશિવરાત્રી અવસરે સંતશિરોમણી જલારામ બાપાની પુણ્યતિથી પણ આવતી હોય તે નિમિત્તે વીરપુરવાળા ધર્મેશ અદા ત્રિવેદીના જલારામબાપા સત્સંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, ધર્મેશ અદા ત્રિવેદી એ જલારામબાપાના જીવન અને તેમના સત્કર્મો અંગે સરળ શૈલીમાં વિગતવાર જાણકારી આપી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
પ્રગટેશ્વર સેવા સમિતિ પ્રમુખ બીપીનભાઈ પરમારે સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી મહાશિવરાત્રી નિમિત્તે યોજાયેલા કાર્યક્રમોની જાણકારી આપી હતી.
આ અવસરે પ્રગટેશ્વર દાદા અને ધર્માંચાર્ય પરભુદાદાને લગતા સ્વરચિત ભજનોની સ્પર્ધા યોજવામાં આવી હતી, જેમાં શિવ પરિવારના ભાઈઓ બહેનોએ ઉત્સાહભેર ભાગ લઈ ભગવાન શિવ પ્રત્યે પોતાની શ્રદ્ધા વ્યક્તિ કરી હતી. આ સ્પર્ધામાં ભાગ લેનારા સૌને ધર્માચાર્ય પરભુદાદાના હસ્તે સ્મૃતિ ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
મહાશિવરાત્રીની પૂર્વ સંધ્યાએ વલસાડના સુપ્રસિદ્ધ જાદુગર ડી-લાલનો શો યોજાયો હતો. જેઓએ જાદુની સાથે ધાર્મિક અને સામાજિક કાર્યો તેમજ સમાજમાં રહેલી અંધશ્રદ્ધાને દૂર કરવાના પ્રયાસો કર્યા હતા.
મહાશિવરાત્રી પર્વની ઉજવણી દરમિયાન તા.૨૩થી ૨૬ ફેબ્રુઆરી, ૨૦૨૫ સુધી દરરોજ મહાપ્રસાદનું આયોજન કરાયું હતું, જેમાં ધર્માંચાર્ય પરભુદાદાએ તેમના ભક્તો પાસે રસ્તે જતા લોકોને પૂછાવી ભોજન માટે આગ્રહ કરી બોલાવવામાં આવ્યા હતા.
ધર્માંચાર્ય પરભુદાદાએ ભગવાન શિવના આશીર્વાદ સૌની ઉપર બની રહે અને સૌનું આરોગ્ય સારું રહે તેવા શુભાષિશ પાઠવતાં જણાવ્યું હતું કે, આજે મહાશિવરાત્રી છે, ભગવાન શિવનો પર્વ છે, જેથી ભગવાન ખૂબ ખુશ થાય છે અને એક વાર કરેલા કર્મનું અને હજારગણું ફળ આપે છે. આપની ઉપર ભગવાન શિવની અસીમ કૃપા છે જેથી તમે તેના દર્શને આવી શક્યા છો. ભગવાન શિવ ભોળા છે જેની નિઃસ્વાર્થ ભાવે પૂજા કરીએ તો તેઓ અવશ્ય પ્રસન્ન થઈ મનોકામના પૂર્ણ કરે છે. રામેશ્વર તેમજ નાસિક તીર્થમાંથી પવિત્ર જળ કાવડમાં લઈ પગપાળા આવેલા શિવભક્તોની ભક્તિભાવનાને તેમણે બિરદાવી હતી. અહીં વિવિધ જગ્યાના લોકો આવી ભગવાન શિવજીનો અભિષેક કરે છે, અહીં શ્રદ્ધા અને આસ્થા સંપૂર્ણ છે તેવું દેખાઈ આવે છે કેમ કે અહીં જે કંઇ પણ પ્રવૃત્તિ થાય છે તે વિના માગ્યે થઈ રહી છે. અહીં ધાર્મિકતાની સાથે જરૂરિયાતમંદ લોકોને સહાય કરી લોક કલ્યાણના કર્યો પણ કરવામાં આવે છે, તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
જલારામ ધામ વિરપુરથી આવેલા સત્સંગી ધર્મેશ અદા ત્રિવેદીએ મહાશિવરાત્રીની શુભકામનાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, આ સત્સંગમાં જો તમને પ્રેરણા મળી હોય તો જલારામ બાપાની સારી વાત સૌને કહેવા અને આંગણે આવેલા ભૂખ્યાને અન્ન આપી આ સત્સંગને સાર્થક બનાવવા વિનંતી કરી હતી. જો મને કંઈ આપવું હોય તો તમારો પ્રેમ ભાવ સદાય રહે તેવી કૃપા કરજો તેમ જણાવી કોઈ વ્યસનો હોય તો તેનો ત્યાગ કરવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.
આ પવિત્ર પર્વ ઉજવણીમાં પ્રગટેશ્વર સેવા સમિતિ પ્રમુખ બીપીનભાઈ પરમાર, મહારાષ્ટ્ર પ્રમુખ આર.કે.ખાંદવે, મંત્રી હેમંતભાઈ પટેલ, ખજાનચી અમિતભાઇ પટેલ, મહિલા પ્રમુખ સીતાબેન પટેલ સહિત શિવ પરિવારના અપ્પુભાઈ પટેલ, મયંકભાઈ બ્રહ્મભટ્ટ, પ્રવીણભાઈ પટેલ, નગીનભાઈ પટેલ, કાંતિભાઈ દમણિયા, વિપુલભાઇ પંચાલ, ઠાકોરભાઈ પટેલ, વિનોદભાઈ પટેલ(મામા), ભાવેશભાઈ, પ્રતિકભાઈ, અરુણભાઈ પટેલ, વિરપુરના ધવલભાઈ તેમજ ગુજરાત-મહારાષ્ટ્ર શિવ પરિવારના શિવભક્તો, ગ્રામજનો અને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભગવાન શિવના પ્રગટેશ્વર દાદાના આશીર્વાદ મેળવ્યા હતા.