ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લામાં કપરાડાના વડાખંભા અને પાનસ ખાતે ભારત સરકારના રેલવે અને ટેક્સટાઇલના રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમો યોજાયા. સંકલ્પ યાત્રા રથનું સ્વાગત કરી વિકસિત ભારત પ્રતિજ્ઞા લેવામાં આવી. ગ્રામીણ કક્ષાએ અને ટ્રાઇબલ તાલુકામાં વધારાની પાંચ યોજનાઓના કુલ ૧૯ સ્ટોલ દ્વારા નાગરિકોને આ યોજનાઓની જાણકારી તેમજ નવા લાભાર્થીઓની નોંધણી કરવામાં આવી. મંત્રીશ્રીએ દરેક સ્ટોલની મુલાકાત લઇ માહિતી મેળવી હતી.
યહી સમય હે, સહી સમય હે, ભારત કા એ અનમોલ સમય હે! એમ કહી મંત્રીશ્રીએ કહ્યું હતું કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રા દ્વારા આઝાદીના ૧૦૦ વર્ષ પછી ૨૦૪૭માં ભારત કેવું હશે તેનું ધ્યેય રાખી ભારતને વિશ્વગુરુ બનાવવાનો સૌ કોઈએ સંકલ્પ લેવાનો છે. પ્રધાનમંત્રીશ્રીએ નાની નાની દરેક યોજનાઓનું ધ્યાન રાખ્યું છે. અમેરિકા જેવા વિકસિત દેશમાં પણ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના જેટલા લાંબા સમય સુધી કોઇ યોજના ચાલતી નથી. પરંતુ ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા કોરોનાકાળના કપરા સમયથી આ યોજના ચાલે છે અને હજી પણ આવતા પાંચ વર્ષ સુધી ચાલતી રહેશે. પ્રધાનમંત્રીશ્રીએ સ્ત્રીલક્ષી દરેક યોજનાઓને મુખ્યધારામાં જોડી છે તેથી જ માતૃવંદન બિલ દ્વારા ૩૩% આરક્ષણ પણ લાગુ થયું છે. રાજ્યમાં સગર્ભા મહિલાઓને અને ૬ વર્ષ સુધી બાળકીઓને પોષણયુક્ત ખોરાક પૂરો પાડવામાં આવી રહ્યો છે. આદિવાસીઓ માટે વનબંધુ અને સાગરખેડુ યોજનાઓ પણ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ એમના શાસનકાળ દરમિયાન ગુજરાતમાં શરુ કરી હતી. તાજેતરમાં શરૂ કરાયેલ પ્રધાનમંત્રી વિશ્વ કર્મા યોજના દ્વારા વિશેષ આવડતના કારીગરો સસ્તા વ્યાજની લોન મેળવી ધંધો શરૂ કરી શકશે. ધરમપુરમાં મશરૂમની ખેતી કરતી મહિલાઓની ગાથા પ્રધાનમંત્રીશ્રીએ સમગ્ર દેશમાં કહી છે.
મંત્રીશ્રીએ યોજનાઓ આપણા માટે જ છે જેનો દરેકે લાભ લેવો જ જોઈએ, દરેકને આ સંકલ્પ રથ વિશે માહિતી આપી દરેકને સરકારની વિવિધ યોજનાઓનો લાભ અપાવવો એમ કહી વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં જોડાઈને લાભ લેવા માટે અપીલ કરી અનુરોધ કર્યો હતો.
ગરીબ કલ્યાણ અન્ન યોજના અને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના મહિલા તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓએ પોતાની સાફલ્ય ગાથા રજૂ કરી હતી. મંત્રીશ્રીના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસની ચાવી, ઉજ્જવલા યોજના, ગરીબ કલ્યાણ અન્ન યોજના, આયુષ્યમાન ભારત યોજનાના લાભાર્થીઓને કીટ તેમજ સગર્ભા મહિલાઓને પોષણ કીટ આપવામાં આવી હતી. સફળતાપૂર્વક પ્રાકૃતિક ખેતી કરવા માટે ખેડૂતોનુ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું.
સાંસદ ડો. કે. સી. પટેલ અને કપરાડા ધારાસભ્યશ્રી જીતુભાઈ ચૌધરીએ પ્રાસંગિક ઉદબોધનો કર્યા હતા.
વડખંભા પ્રાથમિક શાળાના બાળકોએ પ્રાકૃતિક ખેતીથી મળતા લાભો તેમજ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહિત કરતી અને રાસાયણિક પદાર્થોથી જમીનને થતા નુકશાનને પ્રદર્શિત કરતી નાટિકા રજૂ કરી હતી.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મનહરભાઈ પટેલ, ધરમપુર ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ અધ્યક્ષ ભરતભાઈ જાધવ,સંગઠન મંત્રી કમલેશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાની, નાયબ જિલ્લા વિકાસ અધિકારી કે. કે. પટેલ, જિલ્લા પુરવઠા અધિકારી કાજલ ગામીત, તાલુકા વિકાસ અધિકારી એચ. એસ. બારોટ, ગામના સરપંચો, તાલુકા પંચાયત સભ્યો, વિવિધ સંબંધિત વિભાગોના અધિકારી કર્મચારીઓ, લાભાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
“મેરી કહાની મેરી જુબાની” હવે ધુમાડાથી પરિવારમાં કોઈની તબિયત બગડતી નથી
કપરાડાના પાનસ ગામના રહેવાસી મીરાબેન ભોયાએ પોતાની કહાની કહેતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ વિનામૂલ્યે ગેસ સિલિન્ડર મળવાથી રસોઈ બનાવવા ધુમાડો ઉત્પન્ન કરતા ચૂલાનો ઉપયોગ કરવો પડતો નથી. હાનિકારક ધુમાડાથી મુક્તિ મળતાં પરિવારમાં કોઈની તબિયત બગડતી નથી, સમયની પણ બચત થાય છે.
મારો પરિવાર ખુશખુશાલ અને આરોગ્યપ્રદ જીવન જીવે છે
વડખંભાના અમિષાબેન પટેલે સરકારનો આભાર માની પોતાની કહાની કરતા કહ્યું હતું કે, કોરાના મહામારી દરમિયાનથી સરકાર દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વિના મૂલ્યે અનાજ મળે છે અને હજી પાંચ વર્ષ સુધી પણ મળતું રહેશે. જેથી મહામારી દરમિયાન કોઇ તકલીફ પડી નહોતી અને હવે મારો પરિવાર ખુશખુશાલ અને આરોગ્યપ્રદ જીવન જીવે છે.