ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ તાલુકાના રાબડા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતા ગ્રામજનોએ જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલની ઉપસ્થિતિમાં ભવ્ય સ્વાગત કર્યું હતું. જેમાં ૨૭૬થી વધુ લોકોએ ભાગ લઈ માહિતી મેળવી હતી. કાર્યક્રમમાં વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભો અને સહાય અર્પણ કરવામાં આવી હતી.
જિલ્લા પંચાયતના આરોગ્ય ખાતા દ્વારા આયોજિત હેલ્થ કેમ્પમાં કુલ ૨૦૮ લોકોની તપાસ કરવામાં આવી હતી જેમાં ૦૪ લોકોએ ટીબી અને ૦૬ લોકોએ સિકલસેલની તપાસ કરાવી હતી. ગામનું નામ રોશન કરનાર મહિલાઓ, વિદ્યાર્થીઓ, ખેલાડીઓ અને સ્થાનિક કલાકારોનું સન્માન કરવામાં આવ્યું હતું. ૬ મહિલાઓએ પીએમ ઉજ્જવલા યોજનામાં નોંધણી કરાવી હતી. ૧૬૫ પશુઓનુ વેક્સિનેશન પણ કરાયું હતું. ૩૨ નવા આયુષ્યમાન કાર્ડ માટે નોંધણી તેમજ ૧૭ આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરાયું હતું. ગ્રામજનોએ રથના માધ્યમથી વિકાસની ઝાંખી રજૂ કરતી ફિલ્મ પણ નિહાળી હતી, સરકારની વિવિધ યોજનાના લાભથી થયેલા ફાયદા અંગે આવાસ યોજના, આઈસીડીએસની પોષણ અભિયાન યોજના, મિશન મંગલમ યોજના, પીએમ કિસાન સમ્માન નિધિ યોજના અને આયુષ્યમાન કાર્ડ યોજનાના ૫ લાભાર્થીઓએ ‘‘મેરી કહાની, મેરી જુબાની’’ હેઠળ સફળ વાર્તા રજૂ કરી હતી. કાર્યક્રમનાં અંતે ‘વિકસિત ભારત’ માટે પ્રતિજ્ઞા લીધી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી સરકારની જન કલ્યાણકારી યોજનાઓનો લાભ અને જાણકારી લોકોને ઘર આંગણે મળી રહે એ નિર્ધાર સાથે રાજ્યની સાથે સમગ્ર વલસાડ જિલ્લામાં કાર્યક્રમ યોજાઇ રહ્યા છે. જેને વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. શાળાના વિદ્યાર્થીઓએ ધરતી કહે પુકાર કે… નાટક રજૂ કરી પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવ્યું હતું. ખેતીમાં ડ્રોન ટેક્નોલોજી અંગે પણ ખેડૂતોને માહિતગાર કરાયા હતા.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સભ્ય શ્રીમતી તેજલબેન પટેલ, સંબંધિત અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.