ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ તાલુકાના નંદાવલા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલના અધ્યક્ષપણા હેઠળ યોજાયો હતો. આ પ્રસંગે લોકોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા માટે અનુરોધ કરાયો હતો. આ ઉપરાંત મહાનુભાવોના હસ્તે સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલે ગ્રામજનોને સંકલ્પ યાત્રાનો હેતુ સમજાવી જે ગ્રામજનો સરકારની પ્રજાલક્ષી કલ્યાણકારી યોજનાના લાભથી વંચિત હોય તે તમામ લોકોને વિવિધ યોજનાનો લાભ લેવા અને પોતાના તેમજ દેશના વિકાસમાં યોગદાન આપવા આહવાન કર્યુ હતું. સાથે જ તેમણે સરકારની યોજનાનો લાભ લઈ પોતાનો વિકાસ સાધનાર લાભાર્થીઓને પણ બિરદાવ્યા હતા.
‘મેરી કહાની, મેરી જુબાની’ અંતર્ગત સાત લાભાર્થીઓએ પોતાને મળેલી યોજનાઓના લાભ વિશેની વાત કરી હતી. વિકાસ કાર્યોની ઝાંખી દર્શાવતી ફિલ્મને લોકોએ રસપૂર્વક નિહાળી હતી તેમજ વિકસિત ભારત માટે પ્રતિજ્ઞા લીધી હતી. આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત વિનામૂલ્યે આરોગ્ય ચેકઅપ કેમ્પનો લોકોએ કાર્યક્રમ સ્થળે જ લાભ લીધો હતો. જેમાં ૧૬ લોકોએ ટીબીની અને ૩ લોકોએ સિકલ સેલની તપાસ કરાવી હતી. કુલ ૧૫૨ લોકોએ હેલ્થ કેમ્પનો લાભ લીધો હતો. ગામનું નામ રોશન કરનાર ખેલાડી, કલાકાર, વિદ્યાર્થી અને મહિલા સહિત કુલ ૫ લોકોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આયુષ્યમાન કાર્ડ યોજના હેઠળ નવા કુલ ૭૧ લોકોને લાભ આપવામાં આવ્યો હતો.શાળાના વિદ્યાર્થીઓએ ધરતી કહે પુકાર કે… નુક્કડ નાટક રજૂ કરી પ્રાકૃતિક ખેતીનું મહત્વ ખેડૂતોને સમજાવ્યું હતું.
કાર્યક્રમમાં વલસાડ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ આશિષભાઈ એમ. ગોહિલ, જિલ્લા પંચાયત સભ્ય ધવલભાઈ પટેલ, તાલુકા હેલ્થ ઓફિસર ડો. કમલ ચૌધરી, વહીવટદાર દર્શા ચાવડા, નંદાવલા શાળાના આચાર્ય ગોકુળભાઈ, સરોણ શાળાના આચાર્યા પુષ્પાબેન, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ રિતેશ રમેશભાઈ પટેલ અને ગુંદલાવ ગામના સરપંચ નિતિન ધીરૂભાઈ પટેલ સહિત ગામના આગેવાનો તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.