ગુજરાત એલર્ટ । આહવા
રાષ્ટ્રહિત સર્વોપરીની ભાવના સાથે સૌને સને ૨૦૪૭ ના વિકસિત ભારતનો સંકલ્પ લેવાનો અનુરોધ કરતા, નવી દિલ્હી સ્થિત પ્રધાનમંત્રીના કાર્યાલયના વરિષ્ઠ સનદી અધિકારી એવા નિયામક એશ્વર્યા સિંઘે, પાત્રતા ધરાવતો એક પણ લાભાર્થી યોજનાકિય લાભોથી વંચિત ન રહી જાય તે સુનિશ્ચિત કરવાની હિમાયત કરી હતી.
ડાંગ જિલ્લામાં ચાલી રહેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ની મુલાકાતે પધારેલા PMO નાં નિયામક પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના સહિતની શ્રેણીબદ્ધ યોજનાઓની જાણકારી સાથે લાભ લેવાની પણ ચિચિનાગાંવઠા સહિતના ગામોના ગ્રામજનોને અપીલ કરી હતી.
એશ્વર્યા સિંઘે ડાંગ જિલ્લામાં ચાલી રહેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ દરમિયાન હાથ ધરાતી વિવિધ પ્રવૃત્તિઓનું બારીકાઈથી નિરીક્ષણ કરી જાતમાહિતી મેળવી હતી. તેમણે ‘યાત્રા’ના સથવારે ડાંગ જિલ્લામાં ‘મેરી કહાની, મેરી જુબાની’ ના લાભાર્થીઓને સાંભળી વિવિધ સાધન/સહાય મેળવનારા લાભાર્થીઓને યોજનાકિય લાભો પણ એનાયત કર્યા હતા. એશ્વર્યા સિંઘે સૌના સહિયારા પ્રયાસોથી ડાંગ જિલ્લાના દુર્ગમ વિસ્તારોમાં VBSY સફળતાપૂર્વક પરિભ્રમણ કરી રહી છે તેમ પણ આ વેળા જણાવ્યું હતું.
દરમિયાન ચિચિનાગાંવઠા ગામે ઉપસ્થિત રહેલા ડાંગ કલેકટર મહેશ પટેલે પાત્રતા ધરાવતો એક પણ લાભાર્થી, લાભ મેળવવાથી વંચિત ન રહી જાય તેની તકેદારી રાખવા સાથે, ગ્રામીણ અને તાલુકા કક્ષાના કર્મચારી/અધિકારીઓની ભૂમિકા આ બાબતે સુનિશ્ચિત કરવાની અપીલ કરી હતી.
ચિચિનાગાંવઠા ગામે સરપંચ સંકેત બંગાળ તથા તાલુકા પંચાયત સદસ્ય દક્ષાબેન બંગાળે વિશેષ ઉપસ્થિત રહી, ગ્રામજનોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. ચિચિનાગાંવઠા ગામે ‘રથ ક્રમાંક-૧’ ના સથવારે આયોજિત કાર્યક્રમમાં બેન્કિંગ ક્ષેત્ર સહિત આરોગ્ય વિભાગ, પશુપાલન, મહિલા અને બાળ કલ્યાણ, મિશન મંગલમ, ખેતીવાડી સહિતના વિભાગોએ તેમની યોજનાકિય જાણકારીઓ પ્રજાજનો સુધી પહોંચાડવા સાથે વિવિધ પાત્રતા ધરાવતા લાભાર્થીઓની નોંધણી કરી હતી.
ઉપસ્થિત મહાનુભાવો સહિત ગ્રામજનોએ આગામી વર્ષ ૨૦૪૭ સુધીના વિકસિત ભારતમાં પોતાની ભાગીદારી સુનિશ્ચિત કરવાનું ‘પ્રણ’ ગ્રહણ કર્યું હતું. તો વિવિધ યોજનાના લાભાર્થીઓએ ‘મેરી કહાની, મેરી જુબાની’ અંતર્ગત તેમના અભિપ્રાયો પણ વ્યક્ત કર્યા હતા.
કાર્યક્રમના ભાગરૂપે વિકસિત ભારતનો સંદેશ આપતા વડાપ્રધાનની કાર્યક્રમ સંબંધિત ફિલ્મનું નિદર્શન, યોજનાકિય સાહિત્યનું વિતરણ, આરોગ્ય અને પશુ આરોગ્ય વિભાગના નિદાન અને સારવાર કેમ્પ, ડ્રોનથી દવા છંટકાવનું નિદર્શન, સ્વચ્છતા વિષયક શેરી નાટક (ભવાઈ) ની પ્રસ્તુતિ, તજજ્ઞો દ્વારા યોજનકિય જાણકારી, ધરતી કરે પુકાર નૃત્ય નાટિકા, વિવિધ યોજનાકીય લાભાર્થીઓને સાધન સહાયનું વિતરણ, પ્રતિભાશાળીઓનું સન્માન જેવા કાર્યક્રમો સહિત જિલ્લામાં ચાલી રહેલા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંગેની જનજાગૃતિ પણ કેળવવામાં આવી હતી.
કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી આર.એમ.ડામોર, નિવાસી અધિક કલેકટર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શિવાજી તબીયાર, VBSYના જિલ્લા કક્ષાના નોડલ ઓફિસર- વ-નાયબ જિલ્લા વિકાસ અધિકારી હિરલ પટેલ, પ્રાંત અધિકારી પ્રિતેશ પટેલ, ICDS ના પ્રોગ્રામ ઓફિસર જ્યોત્સના પટેલ, સહિતના ઉચ્ચાઅધિકારીઓ, તાલુકા/જિલ્લાના અધિકારી, કર્મચારીઓ, રથના ગ્રામ્ય અને તાલુકાના નોડલ ઓફિસરો, ગ્રામજનો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
સ્કુલ હેલ્થ કાર્ડ મારફત દિકરીની સફળ સર્જરી કરવામા આવી
મારું નામ રમણીબેન સતીશભાઈ ગાઇન છે. હું વઘઈ તાલુકાના ચિચિંનાગાવઠા ગામની વતની છું. મારી પુત્રી શાક્ષી સતીશભાઈ ગાઇન, જ્યારે ત્રણ મહિનાની હતી ત્યારે તેના હાર્ટમા ખુબ જ તકલીફ હતી. જેથી આરોગ્ય વિભાગના સ્કુલ હેલ્થ કાર્ડ મારફત મારી દિકરીની અમદાવાદ હોસ્પિટલમા સફળ સર્જરી કરવામા આવી હતી. હવે મારી દિકરી સંપુર્ણ સ્વસ્થ છે. આપ પણ આવી કલ્યાણ યોજનાઓનો લાભ લઇ શકો છો.