ગુજરાત એલર્ટ । વલસાડ
લક્ષ્મી વિદ્યાપીઠ સરીગામ દ્વારા લક્ષ્મી ડાઈમન્ડનાં ૫૦ વર્ષ અને ગજેરા ટ્રસ્ટનાં ૩૦ વર્ષ પૂરા થવા તેમજ મેકર્સ ફેસ્ટિવલના ઉપલક્ષે “ઇકો ટેક-૨૦૨૩: વિજ્ઞાન, નવીનતા અને ટેકનોલોજી ” આંતરશાળા સ્પર્ધાનું આયોજન લક્ષ્મી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ખાતે ૧૪ -૧૨-૨૦૨૩ ના રોજ કરવામાં આવ્યું હતું. જેને અનુલક્ષીને વલસાડ, નવસારી, સુરત વગેરે જિલ્લાઓમાંથી અનેક શાળાઓના ૧૮થી ઓછી આયુના વિધાર્થીઓની ૭૫ જેટલી ટીમ દ્વારા સાયન્સ તેમજ નવીનતમ ટેક્નોલોજીના પ્રોજેક્ટસ પ્રદર્શનમાં રજુ કરવામાં આવ્યા હતા. જેમાં કુલ મળીને ૩૦૦ જેટલા વિધાર્થીઓ તેમના પ્રતિનિધિ શિક્ષક સાથે જોડાયા હતા. જેમાં વિધાર્થીઓએ ખુબ મહેનત કરીને વિવિધ વિષયવસ્તુને સંદર્ભમાં નવીનતમ વિચારોના પ્રોજેક્ટ્સનું પ્રદર્શન કર્યું હતું.
સ્પર્ધાનું અવલોકન અને મૂલ્યાંકન વિવિધ ઉદ્યોગ તેમજ ટેક્નોલોજી ક્ષેત્રના વિશેષજ્ઞ નિર્ણાયકની ટિમ દ્વારા કરવામાં આવ્યું હતું. જે ઉપલક્ષે અતિથિ વિશેષ શ્રી અમિત મેહતા (CEO, MA Foundation, Vapi), મુખ્ય નિર્ણાયક સ્થાને શ્રી આશિષ પારેખ (Chips & Bytes Eduskills), ઉદય આર મારાબાલી (An Industrialist, & Member of Lions Club & Rotary Club, Vapi ) શ્રી જીગર રાણા (Secretary, Cultural association & Doctorate in Philosophy), શ્રી પી.એસ. કરંથ (Expert in Organic Chemistry & Business) તેમજ કાર્યક્રમના સૌજન્યમાં સહભાગી HDFC બેંક તેમજ DOMS પ્રતિનિધિ ઉપરાંત લક્ષ્મી વિદ્યાપીઠના આચાર્યશ્રીઓ, ડાયરેક્ટર્સ અને મેન્જમેન્ટ પ્રતિનિધી હાજર રહ્યા હતા.
આ ઈવેન્ટની શરૂઆત સવારના ૧૦ વાગ્યે ઉદ્દઘાટન સાથે થઈ હતી જેમાં નિર્ણાયકશ્રીઓ, મહાનુભાવો, શાળાના પ્રતિનિધિઓ, સહભાગીઓ, સમર્પિત શિક્ષકો અને ઉત્સાહી વિદ્યાર્થી સ્વયંસેવકો હાજર રહ્યા હતા. કોલેજની અંદર છ જુદા જુદા વિભાગોમાં, કુલ 75 જેટલા પ્રોજેક્ટ્સનું બે રાઉન્ડમાં ઝીણવટપૂર્વક મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ તબક્કામાં વિવિધ નિર્ણાયકોની ટુકડીઓ દ્વારા કુલ ૧૮ ટીમોને ઇલાઇટ પ્રોજેક્ટ્સની હરોળમાં પસંદ કરાયા જેઓને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. દ્વિતીય તબક્કામાં પસન્દગી પામેલ દરેક ટીમના પ્રોજેક્ટસનું અવલોકન વિભિન્ન વિષયના નિષ્ણાંત નિર્ણાયક દ્વારા કરવામાં આવ્યું હતું.
સ્પર્ધામા વિશેષ અને નવીનતમ પ્રોજેક્ટસ જેમાં ટેક્નોલોજી, રોડ સેફ્ટી, સ્માર્ટ હોમ, ટ્રાફિક સેફ્ટી ડિવાઇસ , સોલાર એનર્જી, ‘વેસ્ટ’માંથી વિધુતનું ઉત્પાદન, મલ્ટીપરપઝ રોબોટ, પોસ્ટર કરેક્શન ચેર, વિમેન સેફ્ટી સોટવેર, સ્માર્ટ ઈકોબીન, સ્માર્ટ ડસ્ટબીન, વગેરે જેવા સુંદર પ્રોજેક્ટસ જોવા મળ્યા હતા. વિશેષમાં, પ્રદર્શન દરમિયાન દરેક સ્પર્ધકોને DOMS દ્વારા પ્રોત્સાહન રૂપે કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
તાજગીભર્યા લંચ બ્રેક પછી, ધ્વની ઓડિટોરિયમ ખાતે સમાપન સમારોહ શરૂ થયો, જ્યાં વિજેતા ટીમોની જાહેરાત કરવામાં આવી અને પ્રમાણપત્રો અને રોકડ ઈનામોથી સન્માનિત કરવામાં આવ્યા. કાર્યક્રમના વિશેષ અતિથિ તેમજ મુખ્ય નિર્ણાયકશ્રીઓના હસ્તે પ્રથમ, દ્વિતીય તેમજ તૃતીય વિજેતા ટીમોને સ્મૃતિ ચિહન તેમજ પુરષ્કારની અનુક્રમે રકમ રૂ. ૧૦૦૦૦, રૂ. ૫૦૦૦ તેમજ રૂ. ૩૦૦૦ ચેક સ્વરૂપે આપવામાં આવી હતી. “ઇકો ટેક-૨૦૨૩” સ્પર્ધામાં પ્રથમ વિજેતા ટીમ અજીતનગર પ્રાથમિક શાળાના રોશની તિવારી અને રેહાના ખાનને “કિલ્લર ગેપ પ્રિવેન્શન” પ્રોજેક્ટ; દ્વિતીય સ્થાને કલ્યાણી સ્કૂલ(Atul)ના અસ્મિતા, રાજવી અને સારાબાનુંને “ક્રાઉડ કંટ્રોલ બ્રિજ” પ્રોજેક્ટ તેમજ તૃતીય સ્થાને સેંટ ફ્રાન્સિસ હાઈસ્કૂલના સુહાન અને નિવ્યાને “કાર્બન કેપ્ચર એન્ડ સ્ટોરેજ” પ્રોજેક્ટ માટે પસંદ કરાયા હતા.
આદરણીય પ્રાયોજકો HDFC બેંક અને DOMS ના સમર્થન, સહભાગિતા અને સૌજન્યથી વિશેષ બનેલી આ ઇવેન્ટનું આયોજન કરવામાં લક્ષ્મી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીએ ગર્વ અનુભવ્યો. ઈકો ટેકની સફળતા એક સામૂહિક પ્રયાસ હતી, જે ફેકલ્ટી, વિદ્યાર્થી સ્વયંસેવકોના સમર્પણ અને ઈવેન્ટ કોઓર્ડિનેટર પ્રોફેસર દેવેન પટેલના ઝીણવટભર્યા સંકલનને આભારી છે. પ્રોફેસર વસુધા બાડમારે અને પ્રોફેસર સાંચી ઉપાધ્યાયે કૌશલ્યપૂર્વક ઉદ્ઘાટનનું એન્કરિંગ કર્યું હતું, જેથી ઈવેન્ટનો એકીકૃત પ્રવાહ સુનિશ્ચિત થયો. કાર્યક્રમના વિઝન લક્ષી આયોજનને અમૂલ્ય માર્ગદર્શન પૂરું પાડવા એલઆઈટીના ડાયરેક્ટર ડૉ. બસાવરજ પાટીલના તેમજ ગજેરા ટ્રસ્ટ પરિવારના સતત સહયોગ અને પીઠબળ ઈકો ટેકને જબરદસ્ત સફળતા અપાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
વિધાર્થીઓમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીને અનુલક્ષી પોતાના પ્રોજેક્ટસ માટે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. કાર્યક્રમના અંતે ડો બસાવરજ પાટીલ ડાયરેક્ટર (એલ.આઈ.ટી.) એ સ્પાર્ધાનાં સુંદર આયોજન માટે લક્ષ્મી એન્જિનિરીંગના સ્ટાફ પરિવાર, સર્વે વોલ્યૂન્ટીઅર વિધાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો તેમજ મુખ્ય અતિથિઓનો આભાર વ્યક્ત કરી દરેક વિજેતા ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
લક્ષ્મી વિદ્યાપીઠ ખાતે યોજાતી આવી અવનવી સ્પર્થાઓ કે પ્રર્વૃતિ અંગે વિશેષ માહિતી મેળવવા આપેલ લિંક https://lit.laxmi.edu.in/ પર મુલાકાત લેવી.