ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં શ્રી બ્રહ્મર્ષિ સાતવળેકર સંસ્કૃત મહાવિદ્યાલય ખાતે તા.૨ માર્ચ ૨૦૨૪ને શનિવારે સવારે ૮ થી સાંજે ૫ વાગ્યા સુધી સાંપ્રત સંસ્કૃત શિક્ષણ સંબંધે નવી શિક્ષણનીતિ અને સંસ્કૃત તેમજ સંકલ્પના અને પડકાર વિષય પર વિચારમંથન અર્થે પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે વેરાવળ સ્થિત શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વ વિદ્યાલયના કુલપતિશ્રી પ્રો. સુકાંતકુમાર સેનાપતિ અને અતિથિ વિશેષ તરીકે શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વ વિદ્યાલયના લોકપાલશ્રી ડો.સંજીવભાઈ ઓઝા ઉપસ્થિત રહેશે.
કુલ પાંચ સત્રમાં યોજાનાર આ પરિસંવાદમાં કુલપતિશ્રી પ્રો. સુકાંતકુમાર નવી શિક્ષણનીતિ અને સંસ્કૃત વિષય, ગુજરાત સંસ્કૃત પાઠશાળા મંડળના પ્રમુખ અશોકભાઈ જોશી સંસ્કૃત પાઠશાળા ગઈકાલ, આજે અને આવતીકાલ વિષય તેમજ વેરાવળની સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રાધ્યાપક ડો. પંકજકુમાર રાવલ શિક્ષણનીતિઃ સંકલ્પના અને પડકાર વિષય ઉપર પોતાના વકતવ્ય દ્વારા ઉપસ્થિત સૌને માહિતગાર કરશે. આ કાર્યક્રમ દરમિયાન સ્વાધ્યાય મંડળના મૂર્ધન્ય સંસ્કૃતજ્ઞ અને ટ્રસ્ટી સ્વામી અક્ષયાનંદ સરસ્વતી પણ ઉપસ્થિત રહેશે.