વિધાનસભા નાયબ દંડક વિજયભાઇ પટેલની ઉપસ્થિતિમા ડાંગ જિલ્લા કક્ષાનો સૂર્ય નમસ્કાર કાર્યક્ર્મ યોજાયો

ગુજરાત એલર્ટ l આહવા
નવા વર્ષના પ્રથમ સૂર્ય કિરણોના આગમન સાથે સૂર્ય નમસ્કાર કરી ગુજરાતે સ્થાપિત કરેલા વિશ્વ વિક્રમમાં સહભાગી બન્યો ડાંગ જિલ્લો. ડાંગ જિલ્લામા ૬૦૦થી વધુ લોકોએ કર્યા સામૂહિક સૂર્ય નમસ્કાર. સૂર્ય નમસ્કારને વિશ્વસ્તરીય ફલક પર લઈ જવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ, રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં સૂર્ય નમસ્કાર મહા અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આજે નૂતનવર્ષના પ્રથમ દિવસે તા.૦૧ જાન્યુઆરીના રોજ રાજ્યભરમાં ૧૦૮ સ્થળોએ સૂર્ય નમસ્કાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

જે અન્વયે ડાંગ જિલ્લાના આહવા ખાતે ડાંગ સ્વરાજ આશ્રમમા, ગુજરાત વિધાનસભા નાયબ દંડક વિજયભાઇ પટેલની ઉપસ્થિતિમા જિલ્લા કક્ષાનો સૂર્ય નમસ્કાર કાર્યક્ર્મ યોજાયો હતો. તો આ સાથે જ રાજ્યના એકમાત્ર ગીરીમથક સાપુતારા ખાતે ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ નીર્મળાબેન ગાઇનના અધ્યક્ષ સ્થાને સુર્ય નમસ્કારનો કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમમાં વિધાનસભા નાયબ દંડક વિજયભાઇ પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં આજે તા.૦૧ જાન્યુઆરીના રોજ સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મોઢેરા સૂર્યમંદિર ખાતે રાજ્ય કક્ષાનો સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં સ્થાન પામવા જઈ રહ્યો છે, ત્યારે સમગ્ર રાજ્ય માટે આ ગૌરવાન્વીત ક્ષણ છે.

યોગનું વિશ્વમા ઘણું મહત્વ છે. યોગ પ્રથાઓમાંની એક પ્રથા સુર્ય નમસ્કાર છે. સુર્ય નમસ્કાર સુર્ય પ્રત્યે કૃતજ્ઞતાની પ્રાર્થના છે, સુર્ય નમસ્કારમાં ૧૨ મુદ્રાઓ સાથે મંત્રો છે. આ મંત્રો ૧૨ રાશી ચિન્હો અને શરીરને એનર્જી પુરી પાડે છે તેમ જણાવી વિજયભાઇ પટેલે, સુર્ય નમસ્કારના સ્વાસ્થય લક્ષી ફાયદાઓ તેમજ માનવીના શરીર માટે સુર્ય નમસ્કારનુ મહત્વ અંગે જાણકારી આપી હતી.
રાજ્યકક્ષાનો સૂર્ય નમસ્કાર કાર્યક્રમ મોઢેરા સૂર્યમંદિર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યના યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગના મંત્રી હર્ષ સંઘવીએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. રાજ્યકક્ષાના કાર્યક્રમના અંતે સૂર્ય નમસ્કાર સ્પર્ધાના તમામ વિજેતા સ્પર્ધકોનું મંચસ્થ મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. ડાંગ જિલ્લા સહિત અન્ય જિલ્લાઓ વર્ચ્યુઅલ માધ્યમ વડે રાજ્ય કક્ષાના સૂર્ય નમસ્કાર કાર્યક્રમમાં સંમિલિત બન્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લામા ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે, તેમજ ગીરી મથક સાપુતારા ખાતે યોજાયેલ સુર્ય નમસ્કાર કાર્યક્રમમા જિલ્લાના ૬૦૦ જેટલા લોકોએ સામુહિક યોગ કર્યા હતા.
મંચસ્થ મહેમાનોનું તુલસીના રોપા અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. આહવા ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં, અધિક નિવાસી કલેકટર એસ.જી.તબીયાડ, પ્રાંત અધિકારી પ્રિતેશ પટેલ, આહવા મામલતદાર ભરતભાઇ ચાવડા, જિલ્લા પ્રાથમીક શિક્ષણ અધિકારી નરેન્દ્રભાઇ ઠાકરે, લિડ બેંન્ક મેનેજર સજલ મેઢ્ઢા, જિલ્લા રમત ગમત અધિકારી અંકુર જોષી, આહવા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ એ.એચ.પટેલ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ પ્રશિક્ષકો, શાળાના વિદ્યાર્થીઓ, હોમ ગાર્ડ પ્લાટુન, પોલીસ મિત્રો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!