ગુજરાત એલર્ટ | આહવા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માર્ચ-૨૦૨૪મા લેવાયેલી ઉચ્ચતર માધ્યમિક (એચ.એસ.સી) બોર્ડની પરીક્ષાનુ પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે.
જેમાં ડાંગ જિલ્લાના ધોરણ ૧૨ (સામાન્ય પ્રવાહ)નું ૯૫.૧૧ ટકા, અને (વિજ્ઞાન પ્રવાહ)નું ૯૧.૧૦ ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે.
આ પરિણામ સાથે ડાંગ જિલ્લો વિજ્ઞાન પ્રવાહમા રાજ્યમાં ત્રીજા ક્રમે, જ્યારે સામાન્ય પ્રવાહમાં સાતમાં ક્રમ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લામા ચાર કેન્દ્રો ખાતે કુલ ૧૮૦૩ વિદ્યાર્થીઓએ સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી. જેમાથી કુલ ૧૭૧૧ વિદ્યાર્થીઓ પાસ થયા હતા. આ ચાર કેન્દ્રોમાં અનુક્રમે (૧) આહવા-૦૮૦૧ કેન્દ્ર ખાતે ૫૦૮ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાથી ૪૯૩ પાસ થતા, ૯૭.૦૫ ટકા પરિણામ આવવા પામ્યું છે. (ર) તો સાપુતારા-૦૮૦૨ કેન્દ્ર ખાતે ૪૩૮ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાથી ૪૨૯ પાસ થતા ૯૭.૯૫ ટકા પરિણામ, (૩) વધઈ-૦૮૦૩ કેન્દ્ર ખાતે ૫૭૮ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાથી ૫૧૪ પાસ થતા અહીંનું ૮૮.૯૩ ટકા પરિણામ, અને (૪) સુબીર-૦૮૦૪ કેન્દ્ર ખાતે ૨૭૯ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહયા હતા. જેમાથી ૨૭૫ પાસ થતા અહીંનું ૯૮.૫૭ ટકા પરિણામ જાહેર કરાયુ છે.
આ સાથે જિલ્લામાં એક (આહવા-૦૮૦૧) કેન્દ્ર ખાતે કુલ ૩૨૬ વિદ્યાર્થીઓએ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપી હતી. જેમાથી કુલ ૨૯૭ વિદ્યાર્થીઓ પાસ થયા હતા. જેથી અહીં ૯૧.૧૦ ટકા પરિણામ આવવા પામ્યું છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માર્ચ-૨૦૨૪મા લેવાયેલ પરીક્ષાના ઉત્કૃષ્ટ પરિણામ બદલ, ડાંગ જિલ્લા કલેક્ટર મહેશ પટેલ તેમજ જિલ્લા શિક્ષણાધીકારી જીગ્નેશ ત્રિવેદી દ્વારા આ તમામ વિદ્યાર્થીઓના ઉજ્જ્વળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી છે.