ગુજરાત એલર્ટ | આહવા
‘વિશ્વ યોગ દિવસ’ની ઉજવણીના ભાગરૂપે ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતેના ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી કરાઇ હતી.
જ્યારે જિલ્લાના ત્રણેય તાલુકાઓમાં પણ પસંદ કરાયેલા સાત જેટલા આઇકોનિક સ્થળો ઉપર ‘વિશ્વ યોગ દિવસ’ની ઉજવણીના કાર્યક્રમો યોજવામાં આવ્યાં હતા.
ગુજરાત યોગ બોર્ડના જિલ્લા કો-ઓર્ડિનેટર કમલેશ પત્રેકરના માર્ગદર્શન હેઠળ જિલ્લાના સાત આઇકોનિક સ્થળો જેવા કે સાપુતારા સનરાઇઝ પોઈન્ટ, સાપુતારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, આહવાના નૈસર્ગિક સ્થળ એવા સનસેટ પોઈન્ટ ખાતે, વઘઇ ખાતે અંબીકા નદી ઉપર આવેલ ગુજરાતના પ્રખ્યાત ગીરા ધોધ તેમજ બોટાનીકલ ગાર્ડન ખાતે અને સુબિરના પ્રસિધ્ધ યાત્રાધામ શબરી ધામ, મહાલ ઇકો કેમ્પ સાઇટ તેમજ ગુજરાતના સૌથી ઉંચા ગીરમાળના ગીરા ધોધ ખાતે તેમજ આહવા તાલુકા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા ખાતે, વઘઇ તાલુકા કક્ષાનો કૃષિ વિધ્યાલય ખાતે તેમજ સુબિર તાલુકા કક્ષાનો શબરીધામ ખાતે જિલ્લાના યોગ ટ્રેનરોના સથવારે વિદ્યાર્થીઓ, સ્થાનિક પદાધિકારીઓ તેમજ સ્થાનીકોની ઉપસ્થિતિમાં ‘વિશ્વ યોગ દિવસ’ની ઉજવણીના કાર્યક્રમો યોજવામાં આવ્યાં હતા.
આ ઉપરાંત ડાંગ જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં પણ ‘વિશ્વ યોગ દિવસ’ની ઉજવણીના ભાગરૂપે નાનાં ભુલકાંઓ સહિત સ્થાનિક આગેવાનો તેમજ ગ્રામજનોએ યોગાભ્યાસ કર્યો હતો.
યોગ દિવસની ઉજવણી અંતર્ગત ગુજરાતના રળીયામણાં પ્રદેશ ડાંગ જિલ્લામાં વહેલી સવારે ઊગતા સૂરજની સાક્ષિએ, ‘યોગ ભગાડે રોગ’ ના સુત્ર સાથે સ્થાનિકો યોગાભ્યાસમાં જોડાઇ ધન્યતા અનુભવી હતી.