વલસાડ
વલસાડ જિલ્લામાં તૌકટે વાવાઝોડા, અતિ ભારે પવન અને વરસાદને કારણે થયેલા નુકસાનની રાજયના આદિજાતિ રાજય મંત્રીશ્રી રમણલાલ પાટકરે કલેકટર કચેરીના સભાખંડ ખાતે આજરોજ સમીક્ષા બેઠક યોજી હતી.
બેઠકમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા ગતરોજ કેબિનેટ બેઠકમાં થયેલી ચર્ચા અનુસાર વાવાઝોડાના કારણે થયેલ નુકસાન અંતર્ગત ખેતીવાડી અને બાગાયતી પાકોમાં થયેલ નુકસાનનો પણ સર્વે કરી સાત દિવસમાં જે તે લાભાર્થીના બેંક એકાઉન્ટમાં સહાયના પૈસાની ચૂકવણી ડી.બી.ટી.થી તુર્ત જ કરવા જિલ્લાના વહીવટીતંત્રને સૂચના આપી હતી.
મંત્રીશ્રીએ જિલ્લામાં તૌકતે વાવાઝોડાના કારણે અસરગ્રસ્ત થયેલા તાલુકામાં થયેલ નુકસાનની સમીક્ષા કરી હતી. જે મુજબ જિલ્લાના અસરગ્રસ્ત તાલુકાઓના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં અંશતઃ નુકસાન થયેલા કાચા અને પાકા મકાનોને કુલ રૂા. ૨૦ લાખ પાંસઠ હજાર ચારસોની સહાય અત્યાર સુધીમાં ચૂકવવામાં આવી છે. જે મુજબ વલસાડ તાલુકાના અંશતઃ નુકસાન પામેલા કાચા મકાનના ૧૩ કેસોમાં રૂા. ૩૭૨૦૦, પારડી તાલુકામાં ૧૬ કેસોમાં રૂા. ૧,૬૬,૩૦૦, વાપી તાલુકામાં ૧ કેસમાં રૂા. ૩૨૦૦, ઉમરગામ તાલુકામાં ૪૯ કેસોમાં ૧૫૪૩૦૦, ધરમપુર તાલુકામાં ૪૭ કેસોમાં ૧૪૯૮૦૦ અને કપરાડા તાલુકામાં ૧૯ કેસોમાં રૂા. ૮૦૬૦૦ મળી કુલ રૂા. ૫૯૧૪૦૦ ની સહાય અને અંશતઃ નુકસાન પામેલા પાકા મકાનોના કેસોમાં વલસાડ તાલુકાના ૫૦ કેસોમાં ૨૫૦૭૦૦, પારડી તાલુકામાં ૭૩ કેસોમાં રૂા. ૨૬૦૪૦૦, વાપી તાલુકાના ૭ કેસોમાં રૂા. ૩૬૪૦૦, ઉમરગામ તાલુકામાં ૬૬ કેસોમાં રૂા. ૩૦૧૯૦૦, ધરમપુર તાલુકામાં ૯૨ કેસોમાં રૂા. ૩૮૫૪૦૦ અને કપરાડા તાલુકામાં ૩૮ કેસોમાં રૂા. ૨૧૧૨૦૦ મળી કુલ રૂા. ૧૪,૪૬,૬૦૦ ની સહાય અત્યાર સુધીમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ચૂકવી દેવામાં આવી છે.
બેઠકના પ્રારંભે વલસાડ કલેકટરશ્રી આર. આર. રાવલે વાવાઝોડા પૂર્વે કરેલ આયોજન અને વ્યવસ્થા તેમજ વાવાઝોડા બાદ રસ્તાઓ ઉપર પડેલા વૃક્ષોના કારણે જિલ્લામાં સ્ટેટ હાઇવે અને જિલ્લા પંચાયત હસ્તકના રસ્તાઓ ઉપર વૃક્ષો તૂટી પડવાથી રસ્તાઓ બંધ થઇ ગયા હતા. તેમજ વીજથાંભલાઓ પર વૃક્ષો પડવાથી વીજપુરવઠો ખોરંભાયો હતો જેને ટીમ વલસાડ દ્વારા તુર્ત જ પૂર્વવત કરવામાં આવ્યા હતા. જેમાં માર્ગ અને મકાન વિભાગના ઉમરગામ અને વલસાડ તાલુકાના ૧૩ રસ્તાઓ પરથી ૨૩ ઝાડ તેમજ પંચાયત હસ્તકના પારડી અને ઉમરગામ તાલુકાના ૯ રસ્તા પરથી ૧૨ ઝાડ દૂર કરવામાં આવ્યા હતા. દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા વાવાઝોડાના કારણે ગ્રામ્ય વિસ્તાઓમાં વીજથાંભલા તૂટી પડવાને કારણે વીજપુરવઠો ખોરવાઇ જવા પામ્યો હતો તેને પણ ટીમ વલસાડે પૂર્વવત કર્યો હતો.
આ બેઠકમાં જિલ્લાના ધારાસભ્યો સર્વશ્રી વલસાડના શ્રી ભરતભાઇ પટેલ, પારડીના શ્રી કનુભાઇ દેસાઇ, ધરમપુરના શ્રી અરવિંદભાઇ પટેલ અને કપરાડાના શ્રી જીતુભાઇ ચૌધરી, વલસાડ કલેકટરશ્રી આર. આર. રાવલ તેમજ જિલ્લા વહીવટીતંત્રના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.