વલસાડ
દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લામાં સૌ પ્રથમ સાયબર પોલીસ સ્ટેશન જિલ્લા પોલીસ વડા રાજદીપસિંહ ઝાલાના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. આ પોલીસ સ્ટેશન ફક્ત સાઇબર ક્રાઇમને લગતા ગુના ઉપર જ કામ કરશે.
આજના જમાનામાં દરેક વ્યક્તિ ઇન્ટરનેટનો મહત્તમ ઉપયોગ કરતો રહ્યો છે. સોશિયલ મિડિયા વિના કોઈને ચાલી શકે તેમ નથી. આવા સમયે સોશિયલ મીડિયાના માધ્યમથી થતી છેતરપિંડી સહિતના ગુનાઓની સંખ્યા ખૂબ જ વધી ગઈ છે. હું બેંકમાંથી બોલું છું કહી છેતરપિંડી કરનારાઓના કિસ્સા પણ ખૂબ વધી ગયા છે.
આ ઉપરાંત ફેસબુક, ટ્વિટર, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ જેવી સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપર ખોટા મેસેજ વાયરલ થવાને કારણે સાઇબર ક્રાઇમના ગુનાઓ વધી રહ્યા છે. પરિણામે રાજ્ય સરકાર દ્વારા ધીમે ધીમે તમામ જિલ્લાઓમાં સાઇબર પોલીસ સ્ટેશન શરૂ કરવાનો વિચાર કર્યો છે. જે અંતર્ગત આજરોજ ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા ડિજિટલ માધ્યમથી સમગ્ર રાજ્યમાં ૧૦ સાયબર પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં દક્ષિણ ગુજરાતમાં એકમાત્ર વલસાડ જિલ્લામાં સાયબર પોલીસ સ્ટેશન શરૂ કરાયું છે.
ડિજિટલ માધ્યમથી ગૃહમંત્રી દ્વારા લોકાર્પણ કર્યા બાદ વલસાડ પોલીસ સ્ટેશનને જિલ્લા પોલીસ વડા ડૉ. રાજદીપસિંહ ઝાલા દ્વારા રીબીન કાપી ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. આ નવા પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે આર.કે. રાઠવાની નિમણૂક કરવામાં આવી છે. આ પ્રસંગે ડૉ.રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે આવનારા સમયમાં સાયબર સંસ્કાર કેળવવાનો સમય આવ્યો છે. નાના બાળકથી લઈને વૃદ્ધ સુધી તમામ લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરતા થયા છે. પરિણામ સ્વરૂપ કેવી રીતે ઇન્ટરનેટનો ઉપયોગ કરવો તે સમજવું અને મગજમાં ઉતારવું ખૂબ જ જરૂરી છે. જેમ નાના બાળકોને સામાજિક સંસ્કાર આપવામાં આવે તેમ હવે સાઇબર સંસ્કારની પણ જરૂરિયાત ઊભી થઇ છે.