ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ લોકલ ક્રાઈમ બ્રાન્ચનો એક પોલીસ કોન્સ્ટેબલ 3 લાખની લાંચની રકમ સ્વીકારી ACB ના છટકામાંથી ભાગી જતા ચકચાર મચી ગઈ છે. દારૂના ધંધાને છોડી દેનાર ફરિયાદી પાસે 5 લાખની લાંચ માંગ્યા બાદ 3 લાખની રકમ સ્વીકારી ACB ની ટીમ ઝડપે તે પહેલાં કાર મૂકી નાસી ગયો હતો.
એસીબી સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ ACB ની ટ્રેપને ચકમો આપી ફરાર પોલીસ કોન્સ્ટેબલનું નામ આશિષ માયાભાઈ કુવાડિયા છે. વાપીમાં ભરૂચ ACB ની ટીમ દ્વારા વલસાડ લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ કોન્સ્ટેબલ આશિષ કુવાડિયાને 3 લાખની લાંચ સ્વીકારતા ઝડપી પાડવા જતા કોન્સ્ટેબલ નાસી છૂટ્યો છે. આ અંગે ACB એ અખબારી યાદી બહાર પાડી જણાવ્યું છે કે, લોકલ ક્રાઇમ બ્રાંચ વલસાડમાં ફરજ બજાવતા અને શુભમ ગ્રીન સીટી, બગવાડા ટોલનાકા ખાતે રહેતા આશીષભાઈ માયાભાઈ કુવાડીયા, અ.પો.કો., બ. નં. 828 એ ફરીયાદી અગાઉ ઈગ્લીશ દારૂનો ધંધો કરતા હોય, હાલ દારૂનો ધંધો ન કરતો હોવા છતાં વલસાડ જીલ્લામાં દારુના કેસોમાં ફરીયાદીનુ નામ ખોટી રીતે ખોલી ખોટા કેસો કરવાની ધમકી આપી રૂપિયા 5 લાખની માંગ કરી હતી.
જેમાં રકઝકના અંતે રૂ. 3 લાખ આપવાના નક્કી કરેલ હતાં. જે લાંચની રકમ રૂ. 3 લાખ ફરીયાદી આરોપીને આપવા માંગતા ન હોય, ફરીયાદીએ ACB પોલીસ સ્ટેશન ભરૂચ ખાતે આવી ફરીયાદ આપી હતી, જે ફરીયાદીની ફરીયાદના આધારે ACB વડોદરા એકમના મદદનીશ નિયામક પી. એચ. ભેંસાણીયાના સુપરવીઝનમાં ટ્રેપીંગ અધિકારી એસ.વી.વસાવા, પોલીસ ઇન્સ્પેકટર, ACB ભરૂચ તથા સ્ટાફે ઉદવાડા ઓવરબ્રીજ નજીક લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું.
LCB પોલીસ કોન્સ્ટેબલ આશિષ કુવાડીયા એ ફરીયાદી પાસેથી 3 લાખની રકમ સ્વીકારી હતી. આ રકમ પોતાની ગાડીમાં મુકાવી હતી. જે દરમ્યાન ACB ના છટકાની ગંધ આવી જતા અને ACB ની ટીમને જોઈ જતા કાર મૂકી નાસી છૂટ્યો હતો. જેને ઝડપી પાડવા ACB ની ટીમે ચક્રો ગતિમાન કર્યા છે.
હાલ આ કોન્સ્ટેબલની કારમાંથી દારૂની બોટલો મળતા તેની સામે પારડી પોલીસ મથકે દારૂનો કેસ નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે.