નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે વેબ પોર્ટલ, યુટ્યુબ ચેનલો અને સોશિયલ મીડિયામાં ફેલાતા નકલી સમાચાર પર ચિંતા વ્યકત કરી છે. CJI એ કહ્યું કે તેમના પર કોઈ નિયંત્રણ નથી, તેથી તેઓ ખોટા સમાચાર ફેલાવી રહ્યા છે. દરેક વસ્તુ કોમી રંગ સાથે રજૂ કરવામાં આવે છે. કોઈપણ યુટ્યુબ ચેનલ શરૂ કરી શકે છે. આ લોકો માત્ર શકિતશાળી લોકોનું જ સાંભળે છે, કોઈ પણ જવાબદારી વગર ન્યાયતંત્ર અને અન્ય સંસ્થાઓ વિરૂદ્ઘ કંઈપણ કહે છે. કોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યું છે કે સરકાર તેમના નિયંત્રણ માટે શું કરી રહી છે?સુપ્રીમ કોર્ટના સવાલ પર કેન્દ્ર સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે સરકારે કોર્ટની આ ચિંતાઓને ધ્યાનમાં રાખીને નવા આઈટી નિયમો બનાવ્યા છે, જેની સામે વિવિધ હાઈકોર્ટમાં ઘણી અરજીઓ પેન્ડિંગ છે. અમે આ તમામ અરજીઓને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી માટે ટ્રાન્સફર કરવાની માંગ કરી છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રની ટ્રાન્સફર અરજી પર સુનાવણી કરવા માટે સંમતિ આપી છે.
સુપ્રીમ કોર્ટે નિયમનકારી તંત્રની ગેરહાજરીમાં વેબ પોર્ટલ અને યુટ્યુબ ચેનલો પર ફેલાતા નકલી સમાચાર પર ગંભીર ચિંતા વ્યકત કરી હતી. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે વેબ પોર્ટલ પર કોઈપણ પ્રકારની જવાબદારી વગર સામગ્રી આપવામાં આવી રહી છે. તેઓ કંઈપણ પ્રસારિત કરી રહ્યા છે. મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે આ દેશમાં દરેક વસ્તુ કોમી દ્રષ્ટિકોણથી બતાવવામાં આવે છે.મુખ્ય ન્યાયમૂર્તિ એન.વી. રમન્નાની આગેવાની હેઠળની ખંડપીઠ જમીયત ઉલેમા-એ-હિન્દ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓની સુનાવણી કરી રહી હતી, જેમાં કેન્દ્રને મરકઝ નિઝામુદ્દીન ખાતે ધાર્મિક મેળાવડાને લગતા ખોટા સમાચારોના પ્રસારને રોકવા માટે કડક પગલાં લેવાની માંગણી કરી હતી. આ માટે જવાબદાર સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી.ખંડપીઠે કહ્યું કે વેબ પોર્ટલ અને યુટ્યુબ ચેનલોમાં નકલી સમાચાર પર કોઈ નિયંત્રણ નથી. જો તમે યુટ્યુબ પર જાઓ છો, તો તમે જોશો કે કેવી રીતે ફેક ન્યૂઝ સરળતાથી ફેલાય છે અને કોઈપણ યુટ્યુબ પર ચેનલ શરૂ કરી શકે છે.