ગુજરાત એલર્ટ | વલસાડ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્યના સંયુક્ત ઉપક્રમે આયોજિત યોગ દ્વારા ‘‘ડાયાબિટીસ મુક્ત ગુજરાત’’ અભિયાન તા. ૧૪ થી ૨૮ નવેમ્બર સુધીના કેમ્પનું સમાપન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પહેલા દિવસે આયુર્વેદ અધિકારી સુમિતભાઈએ કેમ્પને અનુલક્ષી તેમનું વક્તવ્ય રજૂ કર્યું હતું. શિબિર દરમિયાન વલસાડના ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલ અને વિવિધ સંસ્થાનાં પ્રતિનિધિઓએ શિબિરાર્થીઓને તેમના વક્તવ્યથી માર્ગદર્શન આપ્યું હતું.
સમાપન કાર્યક્રમમાં તિથલ ગામના સરપંચ રાકેશભાઈ પટેલ, ગિરિવિહાર ટ્રસ્ટ વાઘલધરા સંચાલિત આરએમડી હોસ્પિટલના કેમ્પસ ડાયરેક્ટર અને લાયન્સ ક્લબ ઓફ વલસાડ તીથલ રોડના પ્રમુખ, ડો. યોગેશભાઈ પટેલ, ડાયાબિટીસ રોગનાં નિષ્ણાત ડો. ભાવેશભાઈ પટેલ, સાઉથ ઝોન કો- ઓર્ડીનેટર પ્રીતિબેન પાંડે, ઉપવન સંસ્થાના પ્રમુખ કમલભાઈ જયસ્વાલ અને એમની ટીમ, આરોગ્ય શાખાની ટીમ અને આરએમડી હોસ્પિટલની ટીમ ઉપસ્થિત રહી હતી. અખિલ હિન્દ મહિલા પરિષદના પ્રમુખ અને મહામંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉડાન ધ વિંગ્સ ઓફ ટેલેન્ટના પ્રમુખ જાનકીબેન ત્રિવેદી અને ઉમિયા સોશિયલ ટ્રસ્ટના કેપ્ટન અશોકભાઈ પટેલે પણ તેમનું વકતવ્ય રજૂ કર્યું હતું.
૧૫ દિવસીય કેમ્પનું સંચાલન પ્રીતિબેન વૈષ્ણવ, મુખ્ય સંચાલક મનિષાબેન ઠાકોર અને સહ સંચાલક ચંગુનાબેન સુરવસે દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ૧૦ જડીબુટ્ટીથી બનેલો આયુર્વેદિક ઉકાળો જિલ્લા આર્યુર્વેદ હોસ્પિટલ, વલસાડ દ્વારા અને નાસ્તો લાયન્સ ક્લબ ઓફ વલસાડ તીથલ રોડ દ્વારા આપવામાં આવ્યો હતો. જેનીથ ડોક્ટર હાઉસ વલસાડના ડો. મુશ્તાકભાઈ કુરેશી તરફથી ડાયાબિટીસના દર્દીઓ માટે ટી શર્ટ આપવામાં આવી હતી. આરોગ્ય શાખા અને આર એમ ડી હોસ્પિટલ વાઘલધરા તરફથી બ્લડ ટેસ્ટ ૧૫ થી ૨૮ નવેમ્બર સુઘી કરવામાં આવ્યું હતું. તેમાં ડાયાબિટીસમાં યોગ, પ્રાણાયામ, યોગ નિંદ્રા, એક્યુપ્રેશર પોઇન્ટ, મુદ્રા વિજ્ઞાન અને આહાર ચર્યા, દિન ચર્યામાં વિવિધ અભ્યાસોથી તેમના શુગર લેવલમાં નોંધપાત્ર ઘટાડો જોવામાં આવ્યો હતો. પ્રકૃતિ પરીક્ષણ પણ આરએમડી હોસ્પિટલની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.
ડાયાબિટીસ કેમ્પમાં જરૂરિયાતમંદને કમર બેલ્ટ, કોલર બેલ્ટ અને ની કેપ ફ્રીમાં આપવામાં આવી હતી. શિબિર પૂર્ણ થયા પછી ફીડબેક ફોર્મ ભરાવવામાં આવ્યા હતા. આ સંપૂર્ણ સંચાલન ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ડિસ્ટ્રીક કો ઓર્ડિનેટર પ્રીતિબેન વૈષ્ણવ દ્વારા કરવામાં આવ્યું હતું. શિબિરને સફળ બનાવવા વલસાડ જિલ્લાના તમામ કોચ, ટ્રેનર, કોર કમિટીના સભ્યો, મેન્ટર ટીમ, સોશિયલ મીડિયા અને યોગ બોર્ડની ટીમનો સહયોગ રહ્યો હતો. લાભાર્થીઓએ ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો આભાર વ્યક્ત કર્યો હતો.