ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા કપરાડા ગ્રામ પંચાયત હોલ ખાતે તા. ૫ ઓક્ટોબરથી ત્રણ દિવસ માટે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત આત્મનિર્ભર કૃષિદક્ષ મહિલા કિશાન અભિયાન અંતર્ગત કૃષિ સખી અને પશુ સખી તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મિશન મંગલમ યોજનાના પશુ સખી અને કૃષિ સખીની ૪૭ બહેનોને તાલીમ આપવામાં આવશે.
આ તાલીમમાં આત્મા પ્રોજેક્ટના દિવ્યેશ પટેલે પ્રાકૃતિક ખેતી વિશે સંપૂર્ણ માહિતી અને તાલીમ આપી હતી. પશુપાલન વિભાગના ડો. હરિશ પટેલ દ્વારા સારા પશુઓની પસંદગી, પશુ માવજત, ખોરાક, દૂધ ઉત્પાદન, રોગો અને સહાય બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સખી મંડળની બહેનો જે બચત કરે છે તેમાંથી આંતરિક ધિરાણ કરી આર્થિક પ્રવૃત્તિ કરી શકે તે માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીમાં કાર્યરત DHEW (ડિસ્ટ્રીક હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન)ના જિલ્લા મિશન કો-ઓર્ડિનેટર જિજ્ઞેશ પટેલ દ્વારા મહિલા સ્વાવલંબન યોજના, ગંગા સ્વરૂપા યોજના, ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન યોજના, બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત- વ્હાલી દિકરી યોજના, સખી વન સ્ટોપ સેન્ટર, સહિત વિવિધ મહિલાલક્ષી યોજનાઓની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તાલીમના શુભારંભ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના APM (આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર) ફાર્મ લાઈવલી હુડ મેનેજર મિતાલીબેન પટેલ અને APM સોશિયલ મોબિલાઈઝર નિપાબેન પટેલ હાજર રહ્યા હતા.