ગુજરાત એલર્ટ l આહવા
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં ‘સ્વચ્છ ભારત અભિયાન’ને આગળ વધારતા, ગુજરાત રાજ્ય પરિવહન વિભાગ દ્વારા સમગ્ર ડિસેમ્બર માસ દરમિયાન વિવિધ કાર્યક્રમો થકી સફાઈ અભિયાનનો શુભારંભ કરાયો છે.
તા.૨જી ડિસેમ્બરથી હાથ ધરાયેલા આ અભિયાન અંતર્ગત રાજ્યના તમામ એસ.ટી.ડેપો, ડેપો પરિસર, બસ સ્ટેશન તેમજ બસોની વિશેષ સફાઈ ઉપર ભાર મુકવામાં આવશે.
દરમિયાન વલસાડ વિભાગનાં કાર્યક્ષેત્ર હેઠળના ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા સ્થિત એસ.ટી.ડેપો ખાતે પણ, રાજ્ય વ્યાપી સફાઈ ઝુંબેશનો આરંભ કરવામાં આવ્યો છે.
ગુજરાત વિધાનસભાના નાયબ દંડક અને ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલ સહિત, આહવા તાલુકા પંચાયતના પ્રમુખ સુરેશભાઈ ચૌધરી, ઉપપ્રમુખ, નગરના સરપંચ હરીશચંદ્ર ભોયે, આહવાના લીડ બેન્ક ચીફ મેનેજર સજલ મેડા વિગેરેએ આ કાર્યક્રમમાં વિશેષ હાજરી આપી હતી. જેમની સાથે આહવાના નગરજનો, મુસાફરો તથા એસ.ટી. કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
આ વેળા નિગમના ‘શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા’નાં સૂત્રને સાર્થક કરતા વિજયભાઈ પટેલ સહિત ઉપસ્થિત મહાનુભાવો પણ સ્વયં, ડેપો પરિસરની સફાઈમાં જોડાયા હતા.
નાયબ દંડક દ્વારા ગુજરાત એસ.ટી.નિગમનાં આ સફાઈ અભિયાનને બિરદાવી, જિલ્લાની જાહેર તેમજ મુસાફર જનતાને એસ.ટી.બસોમાં સ્વચ્છતા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના ભાગરૂપે એસ.ટી.બસોમાં કચરા પેટી પણ મુકવામાં આવી હતી.
આખા માસ દરમિયાન ચાલનારા આ કાર્યક્રમમાં રાજ્યની તમામ બસોમાં ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા પણ, મુસાફરોમાં સ્વચ્છતાને લઇ જાગૃતિ કેળવાશે. તેમજ બસોની સફાઈ અંગે QR કોડ મારફત મુસાફરો પણ પોતાનું મંતવ્ય રજૂ કરી શકશે.
વિભાગના યાંત્રિક ઈજનેર તેમજ કાર્યક્રમના લાયઝન ઓફિસર ભાવેશભાઈ પટેલ, તેમજ ડેપો મેનેજર કિશોરભાઈ પરમારનાં માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમ, સમગ્ર માસ દરમિયાન સ્વચ્છતા બાબતે વિશેષ લક્ષ સાથે આગળ વધારાશે