કપરાડા તાલુકાના દાબખલ ગામમાં જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ

ગુજરાત એલર્ટ । વલસાડ
કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકોને મળે તેમજ આ યોજનાઓની મહત્તમ જાણકારી મળી રહે તેવા હેતુથી વલસાડ જિલ્લાના ગામોમાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” ભ્રમણ કરી રહી છે. ત્યારે કપરાડા તાલુકાના દાબખલ ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા ગ્રામજનો દ્વારા હરખભેર વધામણાં કરવામાં આવ્યા હતા.

બાળાઓ દ્વારા કુમકુમ તિલક કરી સ્વાગત કરાયું હતું. જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને લાભાર્થીઓને સહાય અને કીટનું વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રીએ લાભાર્થીઓને સહાય વિતરણ કરી અન્ય જે પણ લોકો સરકારી યોજનાના લાભથી વંચિત હોય તો તેઓને પણ માહિતગાર કરી સરકારની વિવિધ યોજનાનો લાભ લેવા માટે પ્રેરિત કર્યા હતા. વિકસિત ભારત સંકલ્પ યાત્રાથી લાભાર્થીઓને ઘર આંગણે જ સરકારની વિવિધ યોજનાઓથી લાભાન્વિત કરવામાં આવી રહ્યા છે. જિલ્લા પંચાયતના આરોગ્ય ખાતા દ્વારા આયોજિત હેલ્થ કેમ્પમાં ૨૬૫ લોકોએ ટીબી અને ૫૭ લોકોએ સિકલસેલની તપાસ કરાવી હતી. ગામનું નામ રોશન કરનાર મહિલાઓ, વિદ્યાર્થીઓ, ખેલાડીઓ અને સ્થાનિક કલાકારો મળી કુલ ૧૦ લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું.

ગ્રામજનોએ રથના માધ્યમથી વિકાસની ઝાંખી રજૂ કરતી ફિલ્મ પણ નિહાળી હતી, સરકારની વિવિધ યોજનાના લાભથી થયેલા ફાયદા અંગે આવાસ યોજના, આઈસીડીએસની પોષણ અભિયાન યોજના, મિશન મંગલમ યોજના, પીએમ કિસાન સમ્માન નિધિ યોજના અને આયુષ્યમાન કાર્ડ યોજનાના લાભાર્થીઓએ ‘‘મેરી કહાની, મેરી જુબાની’’ હેઠળ સફળ વાર્તા રજૂ કરી હતી. કાર્યક્રમનાં અંતે ‘વિકસિત ભારત’ માટે પ્રતિજ્ઞા લીધી હતી. કાર્યક્રમમાં અગ્રણીશ્રીઓ તેમજ ગ્રામજનો ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!