‘‘ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ’’ વલસાડ કલેકટર કચેરી ખાતે ચૂંટણી એક્સપેન્ડીચર ઓબ્ઝર્વરશ્રીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

ગુજરાત એલર્ટ । વલસાડ
આગામી લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ અન્વયે ઉમેદવારો દ્વારા કરવામાં આવેલા ખર્ચ પર દેખરેખ રાખવા માટે ચૂંટણી પંચ દ્વારા ૨૬-વલસાડ લોકસભા બેઠક પર નિયુક્ત કરવામાં આવેલા એક્સપેન્ડીચર ઓબ્ઝર્વર્સશ્રી(ખર્ચ નિરીક્ષકશ્રી) સંજયકુમાર(આઈઆરએસ)ના અધ્યક્ષસ્થાને અને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી -વ- જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકની ઉપસ્થિતિમાં કલેકટર કચેરીના સભાખંડમાં ચૂંટણી ખર્ચ સંબંધિત માર્ગદર્શન અંગે બેઠક મળી હતી.

બેઠકમાં એક્સપેન્ડીચર ઓબ્ઝર્વરશ્રી સંજયકુમારે ચૂંટણી ફરજો માટે નિયુક્ત કરાયેલા મદદનીશ ચૂંટણી અધિકારીઓ, મદદનીશ ખર્ચ નિરિક્ષકો, ખર્ચના નોડલ, એમસીએમસી નોડલ અધિકારી તેમજ ચૂંટણી ફરજ સોંપાયેલ સ્ટાફ, તેમને અપાયેલી તાલીમ, આચારસંહિતા અમલીકરણ, સી- વિજિલ તેમજ હેલ્પલાઇન પર આવેલી આચારસંહિતા ભંગની ફરિયાદો અને તેના નિવારણ અર્થે કરાયેલી કામગીરી, કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટેની તૈયારી, એસએસટી, વીવીટી, એફએસટી અંગે ઝીણવટભરી માહિતી મેળવી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. વિશેષમાં તેમણે જણાવ્યું કે, ચૂંટણી લોકશાહીનો મહાપર્વ છે. ભારત વિવિધ જાતિ, ધર્મ અને સંસ્કૃતિનો સમન્વય અને સંસદીય લોકશાહી ધરાવતો દેશ છે. તેને સાથે લઈને આપણે ચાલી રહ્યા છે. ચૂંટણીના ઉત્સવમાં ધન અને બળનો પ્રભાવ લાગવો ન જોઈએ, કોઈ પણ નાગરિક ભય વિના લોકશાહીના પર્વમાં ભાગ લઈ શકે તેવો માહોલ પુરો પાડવા માટે દરેકની ભૂમિકા મહત્વપૂર્ણ છે.

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત કરાયેલા એક્સપેન્ડીચર ઓબ્ઝર્વરશ્રીનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું અને ૨૬-વલસાડ લોકસભા બેઠક પર આગામી તા. ૭ મે ના રોજ ન્યાયી અને ભયમુક્ત વાતાવરણમાં મતદાન થાય તે અંગે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા થઈ રહેલી કામગીરી અંગે ચિતાર આપ્યો હતો.

આ સિવાય ચૂંટણી ખર્ચ, જીપીએસ ટ્રેકિંગ, સિંગલ વિન્ડો સિસ્ટમ, એફએસટી, એસએસટી અને વીવીટી સહિતની ટીમો દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીની માહિતી આપી વીડિયો સર્વેલન્સ ટીમો માત્ર ખર્ચના ધ્યેય સાથે નહીં પણ આચારસંહિતા અમલીકરણને પણ ધ્યાનમાં રાખી ચીવટથી કામ કરે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી. રોકડ-બુલિયન મળી આવે તો ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને જાણ કરી ગાઈડલાઈન મુજબ કામગીરી કરવા તથા કયા પ્રકારનો ખર્ચ ઉમેદવારના ખાતામાં અને કયાં પ્રકારનો ખર્ચ રાજકીય પક્ષના ખાતામાં જમા કરવો એ અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું. વિશેષમાં વાહન ચેકિંગ દરમિયાન રૂટિન ટ્રાફિક બાધિત ન થાય તેની વિશેષ કાળજી રાખવા જિલ્લા ચૂંટણી અધિકારીએ સૂચન કર્યુ હતું.

બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ઉમેશ શાહે ઉપસ્થિત સૌને આવકારી વલસાડ સંસદીય મત વિસ્તારની ભૌગોલિક માહિતી આપી વિધાનસભા મતવિસ્તારો તથા તેમાં આવેલા મતદાન કેન્દ્રોની સંખ્યા અને મતદારોની સંખ્યા, જાતિગત દર અને થર્ડ જેન્ડર મતદારો વગેરે વિશે માહિતી આપી હતી.
આ બેઠકમાં ખર્ચના નોડલ ઓફિસર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોત, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.કરણરાજ વાઘેલા, નિવાસી અધિક કલેકટરશ્રી અનસૂયા જ્હા, આચારસંહિતા અમલવારીના નોડલ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એ.કે.કલસરીયા, મદદનીશ નોડલ ખર્ચ નિયંત્રણ અને જિલ્લા તિજોરી અધિકારી અતુલ ધોરાજીયા, સ્વીપ મેનેજમેન્ટ નોડલ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.બી.વસાવા સહિત અન્ય નોડલ ઓફિસરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક બાદ એક્સપેન્ડીચર ઓબ્ઝર્વરશ્રીએ સી-વિજિલ, ૧૯૫૦ હેલ્પલાઇન ડેસ્ક તેમજ એમ.સી.એમ.સી. કંટ્રોલરૂમની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી.

હીટ વેવ મુદ્દે જરૂરી સુવિધા ઉપલબ્ધ કરાવવા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ સૂચન કર્યુ
હાલમાં પડી રહેલી કાળઝાળ ગરમી અંગે બેઠક દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી-વ- જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકે ચૂંટણી કામગીરી સાથે જોડાયેલા તમામ મદદનીશ ચૂંટણી અધિકારીઓને સૂચના આપી હતી કે, ચૂંટણી પંચ દ્વારા હીટ વેવ અંગે ગાઈડલાઈન આપવામાં આવી છે. જેનું અવશ્ય પાલન થવુ જરૂરી છે. ખાસ કરીને જે ટીમ ફિલ્ડ પર કામ કરે છે ત્યાં પીવાના પાણીની સુવિધા, શેડ અને ઈલેક્ટ્રોલાઈટ્સની વ્યવસ્થા ખાસ ઉપલબ્ધ થાય એ દરેક મદદનીશ ચૂંટણી અધિકારીએ સુનિશ્ચિત કરવાનું રહેશે એમ જણાવી વધુમાં તેમણે ફિલ્ડની કામગીરી સાથે સંકળાયેલા કર્મચારીઓ પોતાના આરોગ્યની ખાસ તકેદારી રાખે તે માટે જરૂરી સૂચના આપવા મદદનીશ ચૂંટણી અધિકારીઓને જણાવ્યું હતું.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!