મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલનો પ્રજાલક્ષી નિર્ણયઃ દર સોમ અને મંગળવારે મંત્રીઓ અને સચિવોના કાર્યાલય સામાન્ય નાગરિકો માટે ખુલ્લા રહેશે

આ બે દિવસો દરીમયાન કોઇ બેઠકો, મીટીંગ કે અન્ય કાર્યક્રમો નહિ યોજવા મુખ્યમંત્રીશ્રીઍ રાજ્ય મંત્રીમંડળની આજે મળેલી પ્રથમ કેબિનેટ બેઠકમાં સૂચના આપી

ગાંધીનગરઃ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલે પ્રથમ કેબિનેટ બેઠકમાં પ્રજાજનોની સુવિધાલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
તદઅનુસાર, રાજ્યના દૂર દરાજના ગામો કે અંતરિયાળ વિસ્તારોમાંથી સચિવાલયમાં પોતાના કામો, રજૂઆતો માટે આવતા સામાન્ય નાગરિકોને રાજ્ય સરકારના મંત્રીશ્રીઓએ અને અધિકારીશ્રીઓએ સોમવાર અને મંગળવારે મુલાકાત માટેનો સમય ફાળવવાનો રહેશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે મંત્રીશ્રીઓ તેમજ અધિકારીશ્રીઓને આ બે દિવસો (સોમવાર અને મંગળવાર) દરમિયાન કોઈ બેઠકો, મીટીંગ કે અન્ય કાર્યક્રમો નહિ યોજવા સૂચના આપી છે.
મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણય અંગે વધુ વિગતો આપતાં મહેસૂલ મંત્રી શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી અને શિક્ષણ મંત્રી શ્રી જીતેન્દ્રભાઇ વાઘાણીએ કહ્યું કે, રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ અને અધિકારીઓ બેઠકો, મીટીંગ, અન્ય કાર્યક્રમોમાં વ્યસ્ત ન હોય તો સામાન્ય નાગરિકોને સમગ્ર દિવસ દરમ્યાન કચેરીમાં મળી શકે તેવા જનહિત અભિગમ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ નિર્ણય કર્યો છે.
નાગરિકોને પોતાના કામકાજ માટે મંત્રીશ્રીઓ અને અધિકારીઓને મળવામાં સરળતા રહેશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
મંત્રીશ્રીઓએ વધુમાં કહ્યું કે, શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે આ નિર્ણયનો અમલ ત્વરિત અસરથી કરવાની પણ સૂચનાઓ આપી છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!