નવસારી
નવસારીના પડઘા ગામે રણછોડજી મંદિરે ચાલી રહેલી અષાઢી નવરાત્રી અનુષ્ઠાન અને દેવી ભાગવત કથામાં આજે અંબાજી પ્રાગટયનો ઉત્સવ ધામધુમથી ઉજવવામાં આવ્યો હતો. અબીલ-ગુલાલની છોળો વચ્ચે ‘જય ભવાની, જય અંબેના પ્રચંડ નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. માતાજીનું પારણું હર્ષિતાબેન જયેશભાઇ ભક્ત (પડઘા), ગીતાબેન અરવિંદભાઈ આહીર(પડઘા) ના હસ્તે ઝુલાવાયું હતું. દૈનિક મનોરથી હસ્મિતાબેન પ્રકાશભાઈ પટેલ, કાંતાબેન રાઠોડ દ્વારા નવચંડી યજ્ઞ સંપન્ન થયો હતો. વ્યાસપીઠ પરથી કથાકાર પ્રફુલભાઈ શુક્લએ કહ્યું હતું કે સંસારમાં સસ્તું કદી શ્રેષ્ઠ નથી હોતું અને શ્રેષ્ઠ કદી સસ્તું નથી હોતું. મહિષાસુરના ત્રાસમાંથી જગતને મુક્ત કરવામાં અંબા આરાસુર પર્વત પર પ્રગટ થયા છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સહિત દેવતાઓએ એનો જય જય કાર કર્યો હતો. દેવતાઓની પ્રાર્થનાથી માતાજીએ અસુર મહિષાસુરનો નાશ કર્યો હતો. કોકિલાબેન આહીર , મનીષાબેન મિસ્ત્રી સહિત મહિલામંડળ દ્વારા માતાજીના ગરબા ગવાયા હતા. ગુરુવારે કથામાં ડાકોર રણછોડરાયના ભક્ત “મનસુખ માસ્તર” નું આખ્યાન કરવામાં આવશે.