ગુજરાત એલર્ટ । વલસાડ
અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઇ સમગ્ર દેશ રામના રંગે રંગાયો છે. જેની સાથે વલસાડ પણ રામમય બની ગયું છે. છેલ્લા કેટલાક દિવસથી વલસાડમાં વિવિધ મંદિરો, સોસાયટી, તેમજ સમાજોમાં પણ અનોખી રામભક્તિના કાર્યક્રમો જોવા મળી રહ્યા છે. જેમાં વલસાડ દમણિયા સોની સામાજ દ્વારા યોજાયેલો ફનફેર રામાયણની થીમ પર યોજાયો હતો. જેમાં બાળકોએ રામાયણના પાત્રો સાથે સૌના મન મોહી લીધા હતા.
દમણિયા સોની સમાજ વલસાડ દ્વારા શનિવારના રોજ તિથલ દરિયા કિનારે પાર્ટી પ્લોટમાં યોજેલા ફન ફેરમાં ખાસ રામાયણની થીમ ઉભી કરાઇ હતી. જેમાં બાળકોને રામ, લક્ષ્મણ, સીતા, હનુમાન, શબરી જેવા અનેક પાત્રો બનાવાયા હતા. ફન ફેરમાં ખાણી પીણી અને રમતની મોજ સાથે બાળકો રામાયણના પાત્રો તરીકે તૈયાર કરાયા હતા. તેમજ તેમના ભવ્ય સ્વાગત બાદ મહાઆરતી પણ કરાઇ હતી. જેનો સૌ જ્ઞાતિજનોએ લાભ લીધો હતો.