ગાંધીનગર: રાજ્યમાં ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યાં છે. ત્યારે રાજ્યના હવામાન વિભાગ દ્વારા આજે વરસાદની આગાહી કરવામાં આવી છે. રવિવાર ૨૨ ઓગસ્ટે રાજ્યના હવામાન વિભાગે જણાવ્યું કે ૨૩ ઓગસ્ટ સોમવારે રાજ્યના ૯ જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે. મહત્વનું છે કે હજુ રાજ્યના ઘણા જિલ્લામાં વરસાદની ઘટ છે. શ્રાવણ મહિનો અડધો પૂરો થઈ ગયો છે અને ખેડૂતો પોતાનો પાક બચાવવા માટે વરસાદની રાહ જોઈ રહ્યાં છે. રાજ્યના હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ૨૩ ઓગસ્ટ એટલે કે આજે સોમવારે રાજ્યના ૯ જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગની માહિતી પ્રમાણે દક્ષિણ ગુજરાતના ૫ જિલ્લા અને સૌરાષ્ટ્રના ૪ જિલ્લામાં આજે વરસાદ ખાબકી શકે છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાની વાત કરવામાં આવે તો સુરત, નર્મદા, નવસારી, ભરૂચ અને વલસાડમાં આજે વરસાદની શક્યતા છે.સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો રક્ષાબંધનના દિવસે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો. રવિવારે રાજ્યના ૩૦થી વધુ તાલુકામાં મેઘમહેર થઈ છે. આ સિવાય રાજ્યની સરહદે આવેલા દિવ અને દાદરા નગર હવેલીમાં પણ આજે સારા વરસાદની આગાહી છે.ગુજરાતમાં અત્યાર સુધી અમુક જગ્યાએ સારો વરસાદ થયો છે. તો અનેક જગ્યાએ ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યાં છે. વરસાદ ખેંચાતા રાજ્ય સરકારે પણ ખેડૂતોનો પાક બચાવવા માટે પાણી આપવાની જાહેરાત કરી છે. રાજ્યમાં આજની સ્થિતિએ આશરે ૪૫ ટકાથી વધુ વરસાદની ઘટ છે. ચોમાસુ સીઝનની શરૂઆતમાં રાજ્યમાં સારો વરસાદ થયો હતો, ત્યારે ખેડૂતોએ વાવણી પણ કરી લીધી હતી, પરંતુ ત્યારબાદ રાજ્યમાં વરસાદ ખેંચાયો હતો. જેથી ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે.