ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લા વહીવટી તંત્ર તથા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા તા. ૮ માર્ચ “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ”ની ઉજવણી લાલ ડુંગરી, વનરાજ આર્ટસ અને કોમર્સ કોલેજ ની પાછળનું ગ્રાઉન્ડ, બામટી, ધરમપુર ખાતે કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં મહિલા અને બાળ અધિકારી શ્વેતાબેન દેસાઈએ “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ” ની ઉજવણી નિમિત્તે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી કાર્યક્રમની માહિતી આપી હતી. “બેટી બચાઓ, બેટી પઢાવો” યોજના માટે વકૃત્વ આર.કે.પટેલ સાર્વજનિક વિદ્યાલય,રોણવેલ શાળાની વિદ્યાર્થિની હિતાંશી પટેલ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું.
ધરમપુરના ધારાસભ્યશ્રી અરવિંદભાઇ પટેલે “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ” નિમિત્તે જણાવ્યું કે, મહિલાઓનું પ્રમાણ બધા ક્ષેત્રોમાં વધી રહ્યું છે તેમજ લોકસભા અને વિધાનસભામાં 33% જગ્યા અનામત મહિલાઓ માટે રાખવામાં આવી છે. કપરાડાના ધારાસભ્યશ્રી જીતુભાઈ દ્વારાએ જણાવ્યું કે, હાલમાં મહિલાઓ દ્વારા ઘર જ નહીં પરંતુ પૂરા દેશને ચલાવવામાં આવે છે.
મહિલાઓના સર્વાંગી વિકાસના પ્રયત્નોના પ્રચાર પ્રસાર હેતુ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા જિલ્લાની તેજસ્વીની દિકરીઓનું સન્માન/મહિલા સરપંચ/વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરી રહેલી મહિલાઓનું સન્માન, વ્હાલી દિકરી, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજનાના મંજુરી હુકમ તેમજ દિકરી વધામણા કીટ વિતરણની પ્રવૃતિઓ કરવામાં આવી હતી.
સ્ટેટ હોસ્પિટલ ધરમપુર ખાતે પોષણ ટોકરી તેમજ દીકરી વધામણાં કીટ આપી મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ ૧૦૧૨ લાભાર્થી મહિલાઓને કીટ વિતરણ કરવામાં આવી હતી. આભારવિધિ દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી કમલેશ ગિરાસે દ્વારા કરવામાં આવી હતી.