ગુજરાત એલર્ટ । વલસાડ
વાપીમાં ૮મા રાષ્ટ્રીય આયુર્વેદિક દિનની ઉજવણી નિમિત્તે નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ મંત્રીશ્રી કનુભાઇ દેસાઈની અધ્યક્ષતામાં ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગરના નિર્દેશનથી વલસાડ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા અને સરકારી આયુર્વેદિક હોસ્પિટલ વલસાડ દ્વારા આયોજિત આયુષ મેળાનું ઉદઘાટન કરવામાં આવ્યું. મંત્રીશ્રીએ વિવિધ પ્રદર્શાનોની મુલાકાત પણ લીધી હતી.
કાર્યક્રમમાં મંત્રીશ્રી કનુભાઈએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારથી દેશનું સુકાન સંભાળ્યું છે ત્યારથી આપણી જીવનશૈલી, વ્યવહાર અને આર્થિક વિકાસમાં ઘણી વૃદ્ધિ થઈ છે. વિશ્વ યોગ દિનની ઉજવણીથી સમગ્ર વિશ્વમાં યોગની ગાથા ફેલાવી છે. ભારત વિશ્વમાં જીવન પદ્ધતિ, વ્યવહાર અને આરોગ્યની સર્વોચ્ચ કક્ષાએ હતું. સમય જતા એમાં બદલાવ આવ્યો હતો. પરંતુ વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ફરી આપણે આપણી સંસ્કૃતિના મૂળ તરફ આગળ વધી રહ્યા છે. એમણે લાલ કિલ્લા ઉપરથી હુંકાર કર્યો હતો કે દરેક જગ્યાએ શૌચાલયો હોવા જ જોઈએ, મહિલાઓને તકલીફ ન પડવી જોઈએ. ગંદકીના કારણે રોગચાળો ફેલાય છે. તેથી શૌચાલયો અને સ્વચ્છતા માટે વડાપ્રધાનશ્રીએ સરાહનીય પ્રયત્નો કર્યા છે. આયુર્વેદ દરેક રોગના નિદાન અને ઉપચાર માટે સર્વોચ્ચ સ્થાન ધરાવે છે. ઓપરેશન ન કરવું પડે તેવા મોટાભાગના રોગોનો ઉપચાર આયુર્વેદની સામાન્ય દવાઓથી શક્ય છે. હોમિયોપેથી પણ રોગના ઉપચારમાં આગવું સ્થાન ધરાવે છે. આયુર્વેદની પદ્ધતિઓનો પ્રચાર પ્રસાર કરી વિશ્વમાં આયુર્વેદનો વ્યાપ વધારવા સૌએ પ્રયત્નો કરવા.
આયુષ મેળામાં જનરલ ઓપીડી, સ્ત્રી રોગ, બાળ રોગ અને બીજા વિવિધ દર્દીઓનીં તપાસ કરી ઉપચાર કરવામાં આવ્યો. સાથે સાથે મિલેટ્સ વાનગી, વનસ્પતિ, રસોડાના ઔષધ, પુસ્તક અને સંહિતા પ્રદર્શન પણ યોજાયું હતું. યોગ ઈસ્ટ્રકટર સૌરભભાઈ અને ટીમ દ્વારા વિવિધ યોગોનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ આયુષ મેળામાં આયુર્વેદ અને હોમિયોપેથીથી રોગોના નિદાન, સારવાર, દવા વિતરણ, ઉકાળા વિતરણ, ૦ થી ૧૨ વર્ષના બાળકોને સુવર્ણ પ્રાસન, હોમિયોપેથી આરોગ્ય પેયના ટીપા પીવડાવવામાં આવશે.
જિલ્લા પંચાયતના આર્યુવેદ અધિકારી ડો. મનહરભાઈ ચૌધરીએ સ્વાગત પ્રવચન અને આભારવિધિ હરિયાના સરકારી આર્યુવેદ દવાખાનાના મેડિકલ ઓફિસર ડો. સ્વાતિબેને કરી હતી.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મનહરભાઈ પટેલ, ઉપપ્રમુખ બ્રીજનાબેન પટેલ, જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરમેન કલ્પનાબેન પટેલ, વી. આઇ. એ. પ્રમુખ સતિષભાઈ પટેલ, કમલેશ પટેલ, બ્રહ્માકુમારી રશ્મિદીદી, પારડી પ્રાંત અધિકારી અંકિતભાઈ ગોહિલ, મામલતદાર વાપી કલ્પનાબેન પટેલ તેમજ આર્યુવેદ કચેરી અને આઇ. સી. ડી. એસ. ના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.