“સ્વયં અને સમાજ માટે યોગ”ના નારા સાથે જિલ્લામાં ૧૦મા વિશ્વ યોગ દિવસની ઉજવણી: વિશ્વ યોગ દિનની ઉજવણીના આયોજન સંદર્ભે કલેક્ટરશ્રી અનસુયા ઝાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ: બે સ્થળોએ જિલ્લા, સાત સ્થળોએ તાલુકા અને પાલિકા કક્ષાના સંયુક્ત કાર્યક્રમો યોજાશે

ગુજરાત એલર્ટ । વલસાડ
માનવજાત માટે અમૂલ્ય ભેટ એવી ભારતીય પરંપરા ‘યોગ વિદ્યા’ વિશ્વ ફલક ઉપર ઝળકી રહી છે. ૨૧મી જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવણી કરાય છે ત્યારે ભારત સરકાર દ્વારા ૨૧મી જૂન ૨૦૨૪ના રોજ “સ્વયં અને સમાજ માટે યોગ”ની થીમ સાથે દશમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાશે. જે ઉજવણી અંતર્ગત વલસાડ જિલ્લામાં વિવિધ સ્થળોએ સ્થળોએ ઊજવણી થનાર છે. જે અંતર્ગત યોગ દિનની ઉજવણીના આયોજન સંદર્ભે કલેક્ટરશ્રી અનસુયા ઝાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં સમગ્ર જિલ્લામાંથી અંદાજીત બે લાખથી પણ વધુ લોકો જોડાય એવા પ્રયત્નો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. જેના માટે માસ્ટર યોગ ટ્રેનરો, પ્રાથમિક અને હાઈસ્કૂલના શિક્ષકોને તાલીમ આપવામાં આવી છે. દરેક કાર્યક્રમોમાં માસ્ટર ટ્રેનરો અને કોર્ડિનેટરો દ્વારા યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમોનું સંચાલન કરવામાં આવશે.
વલસાડ જિલ્લા કક્ષાની ઉજવણી તિથલ સ્વમિનારાયણ મંદિરના હોલ અને તિથલ બીચ ખાતે કરાશે. તાલુકા અને પાલિકા કક્ષાની સંયુક્ત ઉજવણી વલસાડ મ્યુનસિપલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ અને નગરપાલિકા પાર્કિંગ પ્લોટ, પારડીમાં પરિયા રોડ-દમણી ઝાપાના સાંઇ દર્શન હોલ, ધરમપુરમાં આદર્શ નિવાસી શાળા – બામટી, કપરાડામાં આનંદ નિકેતન એકલવ્ય રેસીડેન્શીયલ સ્કૂલ, ઉમરગામમાં નારગોલ બીચ અને વાપીમાં જીઆઈડીસી પ્રાથમિક શાળા ખાતે ઉજવાશે. કલેક્ટરશ્રીએ કાર્યક્રમોના દરેક સ્થળોએ પાયાની સુવિધાઓ સાથે કાર્યક્રમનું સુચારૂ આયોજન થાય તે માટે સંબંધિત વિભાગોને સૂચનો કર્યા હતા.

દરેક કાર્યક્રમોના આયોજનોમાં જિલ્લાની વિવિધ યોગ સંસ્થાઓ જેવી કે, પતંજલિ યોગ સમિતિ, આર્ટ ઓફ લીવીંગ, લકુલિશ યોગ યુનિવર્સીટી, શ્રીમદ રાજચંદ્રઆશ્રમ, ગાયત્રી ચેતના કેન્દ્ર, દાદા ભગવાન પરિવાર અને પાયલ યોગ ક્લાસિસ સ્વૈછિક રીતે ભાગ લેશે તેમજ પતંજલિ યોગ સમિતિ, આર્ટ ઓફ લીવીંગ અને લકુલિશ યોગ યુનિવર્સીટી કાર્યક્રમો માટે માસ્ટર ટ્રેનરો પુરા પાડશે.
મિટીંગમાં દરેક તાલુકાના ગ્રામીણ અને શહેરી મામલતદારો, જિલ્લા રમત વિકાસ અધિકારી અલ્કેશભાઈ પટેલ, યોગા ઈન્સ્ટ્રક્ટરો અને વિવિધ યોગ સંસ્થાઓના પ્રતિનિધીઓ હાજર રહ્યા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!