ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજીત નારી વંદન ઉત્સવના ભાગરૂપે ” બેટી બચાવો, બેટી પઢાવો” દિવસની ઉજવણી જિલ્લા પંચાયતના આરોગ્ય શાખાના સભાખંડ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મનહરભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોતની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. કિરણ પટેલ દ્વારા PC & PNDT કાર્યક્રમ વિશે પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું હતું. પુરૂષ અને સ્ત્રી જાતિમાં અસમાનતા નિવારવા માટે કાયદાકીય જોગવાઇઓ વિશે તેમજ ખાનગી અને બોગસ ડોકટરો ઉપર આ એક્ટ માટે ધ્યાન દોરવા બાબતે વિસ્તૃત સમજ આપી હતી. ત્યારબાદ વ્હાલી દિકરી યોજનાના લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યા હતા. જાહેર આરોગ્ય સમિતિના અધ્યક્ષ કલ્પનાબેન પટેલે ભૂતકાળના અનુભવો વિશે સમજ આપી હાલમાં ચાલી રહેલી સરકારશ્રીની યોજનાકીય લાભો વધુમાં વધુ લોકો લે તે માટે સમજ આપી હતી.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોત દ્વારા જણાવવામાં આવ્યુ કે, દરેક વિભાગોમાં મહિલાઓનું પ્રભુત્વ જોવા મળે છે. દિકરીઓ સાસરું અને પિયર એમ બન્ને ઘરોને સંભાળે છે. ૭૫ ટકા બાળકીઓ અભ્યાસમાં આગળ જોવા મળે છે. PC &PNDT એક્ટ હેઠળ કાયદાકીય જોગવાઇઓ મુજબ પગલાં લેવા માટે ખાસ અનુરોધ કરવામાં આવ્યો હતો. આ બાબતે ગ્રામ્ય સ્તર સુધી લોકોમાં જાગૃતતા કેળવવા માટે અનુરોધ કર્યો હતો. હાલમાં મહિલાઓ સારું પ્રતિનિધિત્વ કરી રહી છે. સરકારી યોજનાના સમયસર લાભ આપવા મહિલા તથા પુરૂષોને સક્રિય ભાગીદારી નોંધાવવા માટે અપીલ કરી હતી.
અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. વિપુલ ગામિત દ્વારા દીકરો – દિકરી એક સમાન સૂત્રને સાર્થક કરવાનો હેતુ સિધ્ધ કરવા તથા કામકાજના સ્થળે મહિલા સતામણી વિષે માહિતી આપી હતી. વધુમાં RTI એક્ટ તેમજ M TP વિશે માહિતી આપી હતી.
આ પ્રસંગે આરોગ્ય સમિતિના અધ્યક્ષ, મહિલા અને બાળ વિકાસ અધિકારી, આઇ.સી.ડી.એસ વિભાગ, ૧૮૧ અભયમ ટીમ, દહેજ પ્રતિબંધક અધિકારી, આરોગ્ય શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ, પોલીસ વિભાગના પ્રતિનિધિ, તમામ તાલુકાના તાલુકા હેલ્થ ઓફીસરો, મેડીકલ ઓફીસરો, તાલુકાની આશા બહેનો, વ્હાલી દિકરી યોજનાના લાભાર્થીઓ હાજર રહ્યા હતા.