ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લા તથા કેન્દ્રશાસિત સંઘ પ્રદેશ દમણ અને સેલવાસ ખાતે કેમીકલ્સ, ગારમેન્ટ, પ્લાસ્ટીક, ફાર્માસ્યુટીકલ, પેપર, જંતુનાશક દવા વગેરેનું ઉત્પાદન કરતા નાના-મોટા ઔધોગિક એકમ આવેલા છે જેની સાથે ટ્રાન્સપોર્ટનો વ્યવસાય પણ વિકાસ પામેલ છે. આ કારણે વલસાડ જિલ્લામાં પરપ્રાંતીય લોકો પણ ખુબ મોટા પ્રમાણમાં વસવાટ કરે છે. ભુતકાળમાં વલસાડ જિલ્લામાં જિલ્લા પોલીસ દ્વારા મિલકત અને શરીર સબંધી ગુનાઓમાં રાજ્ય બહારની ગેંગ અને ગુનેગારોની ધરપકડ કરી ગુનાઓનો ભેદ ઉકેલવામાં આવ્યા છે. આ તમામ પ્રકારના ગુનાઓની તપાસ દરમિયાન સ્થાનિક પોલીસ, લોકલ કાઈમ બ્રાંચ, સ્પેશિયલ ઓપરેશન ગૃપ તથા અન્ય શાખા/સ્ક્વોડ દ્વારા વલસાડ જિલ્લામાં પોલીસ વિભાગ, રેલ્વે વિભાગ, જુદા-જુદા સરકારી વિભાગ, ખાનગી વ્યકિત કે સંસ્થા દ્વારા લગાડવામાં આવેલા સી.સી.ટી.વી. કેમેરાના ફુટેજનો અભ્યાસ કરી ગુનામાં સંડોવાયેલ વ્યક્તિના ફોટોગ્રાફસ અને ગુનામાં ઉપયોગમાં લેવાયેલા વાહનના પ્રકાર અને વાહનના નંબર, ગુનાની મોડસ ઓપરેન્ડીના આધારે જુદી-જુદી ગેંગ કે ગુનેગારની ઓળખ કરી ગુનાઓ ડિટેક્ટ કરવામા આવ્યા છે. આમ સી.સી.ટી.વી. કેમેરા ગુનાની તપાસ તથા ગુના શોધવા ખુબ જ ઉપયોગી છે.
તદઉપરાંત સી.સી.ટી.વી. કેમેરા ટ્રાફિક નિયમન અને રોડ અકસ્માત સબંધી ગુનાઓ શોધવામાં ખુબ જ મદદરૂપ થાય છે તથા રહેણાંક વિસ્તાર, સોસાયટી, બિલ્ડીંગ, શાળા કોલેજ અને શૈક્ષણિક સંસ્થા વગેરેમાં સીનીયર સીટીઝન, મહિલા, બાળકો અને વિધાર્થીઓ અને લોકોની સુરક્ષા માટે સી.સી.ટી.વી. ખુબ જ ઉપયોગી થઇ શકે તેમ છે તેમજ જુદી-જુદી બેન્ક, નાણાંકીય સંસ્થા, ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, ફુડ ઝોન, કોમર્શિયલ બિલ્ડીંગ, શોપિંગ મોલ, શૈક્ષણિક સંસ્થાઓ, જવેલરી શોપ, શો-રૂમ, પાર્કિંગ પ્લોટ, પાર્ટી પ્લોટ, લગ્ન હોલ, ખાનગી મનોરંજનના સ્થળ વગેરે સી.સી.ટી.વી. કેમેરા દ્વારા લોકોના માલ મિલ્કત ઉપર દેખરેખ રાખી નુકશાન થતુ અટકાવી શકાય તેમજ ગુનાહિત પ્રવૃતિ ઉપર નજર રાખી શકાય. આમ વલસાડ જિલ્લામાં લોકોના જાનમાલના રક્ષણ અને કાયદો વ્યવસ્થા સુદ્રઢ બને તેમજ ગુનાઓ બનતા અટકાવવા તથા ગુનાઓ શોધવા માટે સી.સી.ટી.વી. કેમેરા ખુબ જ ઉપયોગી છે. જેથી નીચે જણાવેલ જગ્યા ઉપર જરૂરીયાત મુજબ એન્ટ્રી, એકઝીટ, આવવા-જવાના રસ્તા, પાર્કિંગ, મકાન/બિલ્ડીંગના આગળ-પાછળ અને બંને સાઇડ તરફ મુખ્ય રોડ રસ્તા કવર કરે તે રીતે સી.સી.ટી.વી. કેમેરા લગાડવા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એ.આર.જહા ભારતના ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ (૧૯૭૪ નો બીજો) ની કલમ-૧૪૪થી મળેલ સત્તાની રૂએ તા. ૩૧-૦૫-૨૦૨૪ સુધી નીચે જણાવેલ પ્રિમાઈસીસ સ્થળોએ સી.સી.ટી.વી. કેમેરા (વિઝન તથા હાઈ ડેફીનેશન) વીથ રેકોર્ડીંગ સીસ્ટમ કાર્યરત કરવા માટે જાહેરનામું બહાર પાડ્યું છે.
જિલ્લામાં બનતા ઉપરોકત જણાવેલ મિલ્કત/શરીર સબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ બનેલ ગુનાઓ શોધી કાઢવા માટે પોલીસને મદદરૂપ થાય તે હેતુ માટે તેમજ જાહેર જનતાની શાંતિ અને સલામતી જાળવવા માટે નીચે દર્શાવેલા સ્થળોએ સી.સી.ટી.વી. કેમેરા લગાવવા હુકમ કર્યો છે.
૦૧.સમગ્ર વલસાડ જિલ્લામાં શાળા, કોલેજ અન્ય શૈક્ષણિક સંસ્થા તથા એજયુકેશન સાથે જોડાયેલી સંસ્થાઓ.
૦૨.સમગ્ર વલસાડ જિલ્લામાં હોટલ, રેસ્ટોરન્ટ, ફુડ ઝોન, પેટ્રોલપંપ, ગેસ ફીલીંગ સ્ટેશન.
૦૩.સમગ્ર વલસાડ જિલ્લામાં શોપિંગ મોલ, શોપિંગ કોમ્પલેક્ષ, કોમર્શિયલ બિલ્ડીંગ.
૦૪.સમગ્ર વલસાડ જિલ્લામાં બૅન્ક, આંગડીયા પેઢી, ફાયનાન્સ ઓફિસ/પેઢી.
૦૫.સમગ્ર વલસાડ જિલ્લામાં ટ્રાવેલ્સ એજન્સી, ટ્રાન્સપોર્ટ ઓફિસ, કુરીયર ઓફિસ.
૦૬.સમગ્ર વલસાડ જિલ્લામાં વાહનના શો-રૂમ, જવેલરી શોપ, મોબાઈલ શોપ, ઇલેક્ટ્રોનિક્સ શો-રૂમ.
૦૭.સમગ્ર વલસાડ જિલ્લામાં ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, વેર હાઉસ, મોટા કદના ગોડાઉન.
૦૮.સમગ્ર વલસાડ જિલ્લામાં હોસ્પીટલ, લેબોરેટરીઝ, દવાખાના
૦૯.સમગ્ર વલસાડ જિલ્લામાં મોટા શાકભાજી માર્કેટ માર્કેટિંગ યાર્ડ.
૧૦.સમગ્ર વલસાડ જિલ્લામાં હાઈરાઈઝ/લો-રાઈઝ બિલ્ડીંગ, ક્લબ હાઉસ.
૧૧.સમગ્ર વલસાડ જિલ્લામાં મોટા કદના ઔધોગિક એકમ.
૧૨. સમગ્ર વલસાડ જિલ્લામાં રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન વગેરે જગ્યાએ આવેલ ખાનગી પે એન્ડ પાર્કિંગ.
૧૩.સમગ્ર વલસાડ જિલ્લામાં ધાર્મિક સ્થળ તથા ખાનગી મનોરંજન સ્થળ જેવા કે, સિનેમા, જીમ, વોટર પાર્ક, સ્વીમીંગ પુલ, ગેમ ઝોન, રમત-ગમતના સ્થળોએ આ હુકમનુ ઉલ્લંઘન કરનારને ભારતના ફોજદારી અધિનિયમ-૧૮૬૦ ની કલમ-૧૮૮ મુજબ સજા/દંડ થઈ શકશે. વલસાડ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સપેકટર કે તેથી ઉપરના હોદ્દો ધરાવતા તમામ પોલીસ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવા અધિકૃત કરવામાં આવ્યા છે.