ખેરગામ
માઁ અમૃતમ અને માઁ વાત્સલ્ય કાર્ડની સરકારની આરોગ્યની સેવા માટે કાર્ડ ઇશ્યુ કરવાં માટે કાર્યરત ઓપરેટરોને કોઈપણ જાણ કર્યા વગર તેમની જવાબદારીથી મુક્ત કરી દેવાંતા ઓપરેટરોએ ધારાસભ્ય અનંત પટેલને રજુઆત કરી તેમના પ્રશ્નોનો ઉકેલ આવે એવા પ્રયાસો કરવા માંગ કરી છે.તેમનો છેલ્લા ૩ મહિનાનો પગાર પણ ચૂકવાયો નથી.
ગુજરાત સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલી અમૃતમ ‘માઁ’ અને ‘માઁ’ વાત્સલ્ય કાર્ડ યોજનામાં લાભાર્થીઓને આરોગ્યલક્ષી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે.જેમાં આ યોજનાના કાર્ડ બનાવવા તાલુકા કક્ષાએ સેન્ટર ઉભા કરવામાં આવ્યા હતા. આ યોજનામાં યુવાનો સેન્ટરો ઉપર ઓપરેટર તરીકે ફરજ બજાવતા હતા. પરંતુ કોઈ અગમ્ય કારણોસર અચાનક તેમને પોતાની જવાબદારીમાંથી જાણ કર્યા સિવાય દૂર કરી દેવામાં આવ્યા હતા. અને આગલા 3 મહિનાનું વળતર પણ ચૂકવવામાં નથી આવ્યું. જે બાબતે ઓપરેટરોએ રજુઆત કરવા છતાં તેમને આટલા વર્ષની કામગીરી બદલ અનુભવ સર્ટિ પણ આપવામાં આવ્યું નથી. હાલના સમયમાં ઘણી બેકારી છે અને કોરોના મહામારીનો સમય ચાલી રહ્યો છે. જેમાં આવા આખા ગુજરાતમા અનેક ઓપરેટરો બેકાર બન્યા હોવાનું જણાવી ખેરગામ વાંસદાના ઓપરેટરોએ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલને રજુઆત કરી તેમના પ્રશ્નોનું સુખદ નિકાલ લાવવાં માંગ કરી છે.