ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ એસીબી પોલીસે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના એક જી.આર.ડી જવાનને લાંચ લેતા ઝડપી પાડવા એક છટકાનું આયોજન કર્યું હતું. જો કે લાચીયા જીઆરડી કોન્સ્ટેબલ ફરિયાદી પાસેથી લાંચ લીધા બાદ એસીબી ટીમને જોઈ જતા લાંચની રકમ લઈને ઘટના સ્થળથી ફરાર થઈ જતાં ચકચાર મચી ગઇ હતી.
એસીબી પોલીસે લાંચિયા જીઆરડી જવાનને વોન્ટેડ જાહેર કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની વિગત મુજબ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં જીઆરડી તરીકે ફરજ બજાવતો પ્રતિક પટેલ નામના કોન્સ્ટેબલે એક બુટલેગર પાસે દારૂનો ધંધો ચલાવો હોય તો હજાર રૂપિયાના હપ્તાની માંગ કરી હોવાનું કહેવાય છે. ત્યારબાદ અવારનવાર બુટલેગર પાસે લાંચની માંગ કરતો હતો. જોકે ફરિયાદી લાચ આપવા માંગતો નહીં હોવાથી તેણે એસીબીનો સંપર્ક કર્યો હતો.
વલસાડ એસીબી પોલીસે લાંચિયા જીઆરડી જવાન પ્રતીક પટેલને લાંચ લેતો ઝડપી પાડવા ગુંદલાલ જીઆઇડીસી વિસ્તારમાં એક લાંચના છટકાનું આયોજન કર્યું હતું. જ્યાં ફરિયાદીએ આરોપી જીઆઇડી જવાનને લાચની રકમ લેવા બોલાવ્યો હતો. ત્યારબાદ જીઆરડી જવાને ફરિયાદી પાસેથી 1000 રૂપિયાની લાંચની રકમ પણ સ્વીકારી લીધી હતી. જોકે આરોપી જવાને એસીબીની ટીમને જોઈ જતા તે લાંચની રકમ સાથે જ લઈ ફરાર થઈ ગયો હતો. આમ વલસાડ એસીબી પોલીસે લાંચિયા જીઆરડી જવાનને ઝડપવા ગોઠવેલા લાંચના છટકામાંથી લાંચિયો જવાન છટકી ગયો હતો. આથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી તેના વિરોધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂનો ધંધો ચલાવવા માટે હપ્તાની માંગ કરવાનું આ પ્રકરણ અત્યારે જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.