સુરત :વૈષ્ણવ સુરતી વિશા ખડાયતા સમાજના બ્રેઈનડેડ મનીષ પ્રવિણચંદ્ર શાહના પરિવારે તેમના ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી છ વ્યક્તિઓને નવજીવન બક્ષ્યું છે. શહેરના અડાજણ વિસ્તારમાં રહેતા મનીષભાઇને તા.16મી સપ્ટેમ્બરના રોજ રાત્રે માથામાં તેમજ ડાબા હાથમાં દુઃખાવાની ફરિયાદ કરતા ઘરની નજીકમાં રહેતા ડોક્ટરે તેમને તપાસી દવાઓ આપી હતી. તા.17 સપ્ટેમ્બરના રોજ સવારે તબિયત વધુ બગડતા પરિવારજનોએ તેમને તાત્કાલિક ખાનગીમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જયાં તેઓની એન્જીયોપ્લાસ્ટી કરી સ્ટેન્ટ મુકવામાં આવ્યું. ત્યારબાદ તેમને ICU ખસેડ્યાના એકાદ કલાક પછી તેઓ બેભાન થઈ ગયા હતા. નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ કારણે મગજમાં લોહીનો ગઠ્ઠો તેમજ સોજો હોવાનું નિદાન થયું હતું. ન્યુરો સર્જન ડૉ.ધવલ પટેલે ક્રેનીઓટોમી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો દુર કર્યો હતો.તા.19મીના રોજ ન્યૂરોસર્જનની ડોકટરોની ટીમે મનીષભાઈને બ્રેનડેડ જાહેર કર્યા. ડોનેટ લાઈફને જાણ કરતા ટીમે હોસ્પિટલ પહોંચી મનીષભાઈના તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનની સમગ્ર પ્રક્રિયા અને તેનું મહત્ત્વ સમજાવ્યુ. જેથી પરિવારજનોમાં પત્ની મોનાબેન, પુત્રો અનુજ અને અભી, ભાઈ નિલેશભાઈ, પિતરાઈ ભાઈ જતીનભાઈએ અંગદાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી.
સ્વ.મનીષભાઈના પત્ની મોનાબેને જણાવ્યું કે, મારા પતિને જુન 2020માં કોરોના થયો હતો તે વખતે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અને તેઓ સ્વસ્થ થઈ ઘરે પાછા આવ્યા હતા. નવેમ્બર-2020માં તેમને મ્યુકરમાઈકોસીસ થતા તેમના 16 દાંત અને જડબું કાઢી નાખવામાં આવ્યું હતું. કોરોનાની મહામારીના કારણે દેશમાં કેટલાયે લોકોના ફેફસાં ખરાબ થઈ ગયા છે અને દેશમાં ઘણા બધા લોકોને કિડની અને લિવરની જરૂરિયાત છે. અમે વારંવાર વર્તમાનપત્રોમાં અંગદાનના સમાચારો વાંચતા હતા. આથી આજે જ્યારે મારા પતિ બ્રેઈનડેડ થયા ત્યારે તેમના કિડની, લિવર અને ફેફસના અંગોના દાન થકી અન્યોને નવજીવન મળતું હોય અમે અંગદાન કરવાનો નિર્ણય કર્યો હતો.SOTTO દ્વારા કિડની અને લિવર અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC) ને ફાળવવામાં આવ્યા. જ્યારે NOTTO દ્વારા ફેફસા કોલકાતાની મેડીકા સુપર સ્પેશીયાલીટી હોસ્પિટલને ફાળવવામાં આવ્યા. કોલકાતાની મેડિકા સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલના ડૉ.અર્પણ ચક્રવર્તી, ડૉ.સૌમ્યજીત ઘોષ અને તેમની ટીમે સુરત આવી ફેફસાંનું દાન સ્વીકાર્યું. અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC)ના ડૉ.વિકાસ પટેલ અને તેમની ટીમે આવી કિડની અને લિવરનું દાન સ્વીકાર્યું. ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુબેંકના ડૉ.પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું.સુરતની યુનાઈટેડ ગ્રીન હોસ્પિટલથી કોલકાતાનું 1625 કિ.મીનું અંતર 190 મીનીટના સમયમાં ફેફસાંનું ટ્રાન્સપ્લાન્ટ કોલકાતાની મેડિકા સુપર સ્પેશીયાલીટી હોસ્પિટલમાં કોલકાતાના 46 વર્ષીય વ્યકિતમાં કરવામાં આવ્યું છે. આ વ્યક્તિના ફેફસા કોવિડને કારણે ખરાબ થઈ ગયા હતા અને તે એકસો ત્રણ દિવસથી ECHO મશીનના સપોર્ટ પર હતા. આમ કોરોનામાંથી સાજા થયેલા મનીષભાઈએ કોરોનાની મહામારીમાં સપડાયેલા કોલકાતાના રહેવાસીને નવું જીવન આપ્યું.દાનમાં મેળવવામાં આવેલી બંને કિડની પૈકી એક કિડની વડોદરાના રહેવાસી 44 વર્ષીય વ્યક્તિમાં તેમજ બીજી કિડની અમદાવાદના રહેવાસી 29 વર્ષીય યુવકમાં જ્યારે લિવર વડોદરાના રહેવાસી 21 વર્ષીય યુવકમાં અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC)માં ડૉ.પ્રાંજલ મોદી, ડો.વૈભવ સુતરીયા, ડો. જમાલ રીઝવી અને તેમની ટીમ દ્વારા ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે.